નવા શૈક્ષણિક સત્રમાં શૈક્ષણિક વસ્તુઓમાં 30 ટકાના ભાવ વધારાથી શિક્ષણ મોંઘુ બની રહેશે. વાલીઓના ખિસ્સામાં આર્થિક બોઝ વધશે. કેમ કે ફી બાદ હવે પાઠ્ય પુસ્તકો, યુનિફોર્મ, ટ્રાવેલ્સ, નોટબુક, સ્કુલબેગ, શુઝ સહિતની શૈક્ષણિક વસ્તુઓના ભાવમાં વધારો થયો છે. આથી મોંઘવારીના માર વચ્ચે વાલીઓની હાલત દુષ્કાળમાં અધિક માસ જેવી બની રહેશે.
વાલીઓને આર્થિક માર
કોરોનાકાળમાં જ શાળાઓની સ્કુલ ફીની માંગણીને એફઆરસીએ લીલી ઝંડી આપી દેતા ચાલુ શૈક્ષણિક સત્રથી ફીમાં રૂપિયા 800થી 4300ના વધારાનો આર્થિક મારમાંથી વાલીઓને હજુ કળ વળી નથી. ત્યાં તો કાગળ, કાપડ, રો-મટીરીયલ, ભાડુ, મજુરી સહિતના થયેલા ભાવ વધારાને પગલે તેની સીધી અસર શૈક્ષણિક વસ્તુઓના ભાવમાં 25થી 30 ટકાનો વધારો થયો હોવાનું વેપારી કનુભાઇ અને હેમંતભાઇએ જણાવ્યું છે. આથી વાલીઓને નવા શૈક્ષણિક સત્રમાં પ્રિ-પ્રાયમરીથી ધોરણ-12 સુધી ભણાવવા માટે વાલીઓને રૂપિયા 2000થી રૂપિયા 5000નો વધારે ખર્ચ કરવો પડશે.
શાળામાં ચાલતી ઇતર પ્રવૃત્તિઓનો ખર્ચ કરવો પડશે
હાલમાં પ્રિ-પ્રાઈમરી, પ્રાઈમરી અને માધ્યમિકના વિદ્યાર્થીઓ પાસે શિક્ષણ સિવાય અન્ય ઇતર પ્રવૃત્તિઓ શાળાઓ દ્વારા કરાવવામાં આવે છે. ઉપરાંત રમત ગમતમાં ભાગ લેવા માટે જરૂરી વસ્તુની ખરીદી કરાવે છે. વધુમાં શાળામાં અલગ અલગ ગૃપ મુજબની કલર કોડવાળો અલગથી યુનિફોર્મ સપ્તાહમાં એક દિવસ માટે હોય છે. જોકે, શિક્ષણ વિભાગ દ્વારા પ્રિ-પ્રાઈમરીથી ધોરણ-8માં હજુય સત્ર મુજબ શૈક્ષણિક કાર્ય કરાવવામાં આવે છે. આથી ઉપરોક્ત ખર્ચ માત્ર એક સત્રનો રહેશે. જ્યારે બીજા સત્રમાં પાઠ્ય પુસ્તકો, નોટબુક સહિતનો ખર્ચ વધી શકે છે.
પ્રિ-પ્રાયમરીમાં વાલીઓને આટલો ખર્ચ કરવો પડશે
વસ્તુ | ખર્ચ રૂપિયામાં |
પુસ્તકો અને નોટબુક | 400થી 500 |
સ્કુલબેગ | 200થી 500 |
શુઝ અને મોજા | 250થી 350 |
ફી | 1155થી 3350 |
સ્કુલવાન | 900થી 1200 |
યુનિફોર્મ | 500થી 450 |
ધોરણ-1થી 8માં વિદ્યાર્થી પાછળ આટલો ખર્ચ થશે
વસ્તુ | ખર્ચ રૂપિયામાં |
પુસ્તકો અને નોટબુક | 1500થી2000 |
સ્કુલબેગ | 200થી 800 |
શુઝ અને મોજા | 300થી 400 |
ફી | 800થી 3925 |
સ્કુલવાન | 900થી 1200 |
યુનિફોર્મ | 800થી 900 |
ધોરણ-9 અને 10ના શિક્ષણ માટે આટલો ખર્ચ
વસ્તુ | ખર્ચ રૂપિયામાં |
પુસ્તક અને નોટબુક | 2000થી 3000 |
સ્કુલબેગ | 500થી 900 |
શુઝ અને મોજા | 400થી 600 |
ફી | 1925થી 4100 |
સ્કુલવાન | 900થી 1200 |
યુનિફોર્મ | 900થી 1000 |
ધોરણ-11 અને 12ના શિક્ષણ માટે ખર્ચ
વસ્તુ | ખર્ચ રૂપિયામાં |
પુસ્તક અને નોટબુક(સાયન્સ) | 10થી 12હજાર |
સામાન્ય પ્રવાહ | 800થી 1000 |
સ્કુલબેગ | 1200થી 1500 |
શુઝ અને મોજા | 700થી 1000 |
ફી | 1913થી 4300 |
સ્કુલવાન | 900થી 1200 |
યુનિફોર્મ | 1000થી 1500 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.