આગ:ગાંધીનગરના ખ રોડ પરના ગેરેજમાં પેઈન્ટ બુથ-શેડમાં આગ લાગતા અંદાજીત રૂ. 10 લાખનું નુકશાન

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફાયર બ્રિગેડની ટીમે સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો

ગાંધીનગરના સરગાસણ નજીક પ્રમુખ ગ્રીન પાર્ટી પ્લોટ પાસે આવેલા શિવ ઓટો મોબાઈલ નામના ગેરેજમાં આજે અચાનક શોર્ટ સર્કિટ થવાથી ગાડીઓને કલર કરવાના પેઈન્ટ બુથ મશીન તેમજ શેડમાં આગ લાગતા અંદાજીત દસ લાખ રૂપિયાનું નુકશાન થવા પામ્યું હતું. જોકે, ફાયર બ્રિગેડ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.

ગાંધીનગરનાં સરગાસણ નજીક પ્રમુખ ગ્રીન પાર્ટી પ્લોટ પાસે સેકટર 4/બી ખાતે હિરેન પટેલ શિવ ઓટો મોબાઈલ નામનું ગેરેજ ચલાવે છે. જેમના ગેરેજમાં ગાડીઓને કલર કરવાનું પેઈન્ટ મશીનમાં મોટા કોમ્પ્રેશર મારફતે ગાડીને કલર કામ કરી આપવામાં આવતું હોય છે. જેનાં માટે તેમણે શેડ નીચે પેઈન્ટ બુથ ઊભું કરવામાં આવ્યું છે.

આજે રાબેતા મુજબ તેઓ અને તેમના કારીગરો ગેરેજ પર કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન ગાડીને કલર કરતી વખતે પેઈન્ટ મહિનામાં અચાનક સ્પાર્ક સાથે આગ ભભૂકી ઉઠી હતી. શરૂઆતમાં આગ સામાન્ય જણાતા તેને બૂઝાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ મશીનમાં કલર ભરેલો હોવાથી થોડી વારમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેનાં કારણે હિરેનભાઈ તેમજ તેમના કારીગરો દોડીને ગેરેજની બહાર નીકળી ગયા હતા અને ગાંધીનગર ફાયર બ્રિગેડને આગની જાણ કરી હતી. ત્યારે કલર કરવા માટે બનાવેલા શેડ સુધી આગ પહોંચી જતા દૂર દૂર સુધી ધુમાડા દેખાવા લાગ્યા હતા.

આગની ઘટનાના પગલે આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં સ્થળ પર દોડી આવ્યા હતા. ત્યારે ફાયર બ્રિગેડની બે ગાડીઓ લઈને ફાયરના જવાનો પણ દોડી આવ્યા હતા અને સતત પાણીનો મારો ચલાવી આગને વધુ વિકરાળ થતી અટકાવી દેવામાં આવી હતી.

આ અંગે ફાયર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, કલર કરવાના મશીનમાં શોટ સર્કિટ થયા પછી આગ લાગી હોવાનું અનુમાન છે, પણ આગના કારણે મોટા કોમ્પ્રેશર વાળુ મશીન તેમજ શેડને નુકશાન પહોંચ્યુ હતું. ત્યારે આ આગનાં કારણે ગેરેજ માલિક દ્વારા અંદાજીત દસ લાખનું નુકશાન થયું હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. આ બનાવના પગલે પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી.

અન્ય સમાચારો પણ છે...