આગામી ચૌદમી માર્ચથી ધોરણ - 10 અને 12 ની બોર્ડની પરીક્ષાને લઈને એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે. જે અન્વયે સીસીટીવી કેમેરા, સઘન ચેકીંગ તેમજ સંવેદનશીલ કેન્દ્રો ઉપર ખાસ તકેદારી રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગર જિલ્લામાંથી 27078 વિદ્યાર્થીઓ ધોરણ 19 ની અને 22121 વિદ્યાર્થીઓ ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023 દરમિયાન લેવાનારી એસ.એસ.સી અને એચ. એસ. સી.ની પરીક્ષા સંદર્ભે ગાંધીનગર જિલ્લા કલેકટર પ્રવિણા ડી. કે.ના અધ્યક્ષસ્થાને જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકના પ્રારંભે રાજ્યના શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોર અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા તેમજ શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી દરેક જિલ્લા અધિકારીઓને માર્ગદર્શન આપી બોર્ડની સમગ્ર પરીક્ષા પ્રક્રિયાની સમીક્ષા કરી હતી.
આ પ્રસંગે શિક્ષણમંત્રીએ પરીક્ષાનો ડર નહીં, પરંતુ પરીક્ષાને ઉત્સવ ગણી, તણાવમુક્ત બની પરીક્ષા આપવા વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો અને શુભેચ્છાઓ પણ પાઠવી હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે આગામી 14મી માર્ચથી શરૂ થઈ રહેલી ધો. 10 અને ધો. 12ની બોર્ડની પરીક્ષા અંતર્ગત ગાંધીનગર જિલ્લાના પૂર્વ અને પશ્ચિમ ઝોનમાં 33 પરીક્ષા મથકો ઉપરથી 27078 વિદ્યાર્થીઓ ધો. 10ની પરીક્ષા આપશે. જ્યારે ધો. 12 માટે ગાંધીનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારના કુલ 21 સેન્ટર ઉપરથી કુલ 22121 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં 5284 વિદ્યાર્થીઓ વિજ્ઞાનપ્રવાહના છે.
આ બેઠકમાં પરીક્ષાના સુચારું સંચાલન માટે જિલ્લા કક્ષાના એક્શન પ્લાનનો અમલ, પરીક્ષા કેન્દ્રો અને ઝોનલ કચેરીઓ ખાતે કાયદો વ્યવસ્થા જાળવવા, પરીક્ષા સ્થળો ઉપર સો ટકા સીસીટીવી કેમેરા અને સઘન ચેકિંગની વ્યવસ્થા, સંવેદનશીલ કેન્દ્રો માટે ખાસ તકેદારીના પગલાં તેમજ વિદ્યાર્થીઓ માટે જિલ્લા કક્ષાએ કાઉન્સેલિંગ શરૂ કરવા જેવા મુદ્દાઓ ઉપર વિચાર વિમર્શ કરાયો હતો.
જ્યારે જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. બી. એન. પ્રજાપતિએ બોર્ડની પરીક્ષા સંચાલન સંદર્ભે જિલ્લામાં અમલમાં મુકાયેલા એક્શન પ્લાન અને સઘન આયોજન અંગે માહિતી આપી જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ તણાવમુક્ત બનીને પરીક્ષા આપી શકે તે માટે તા 1 માર્ચથી તા. 29 માર્ચ સુધી રાજ્યકક્ષાએ હેલ્પ લાઇન શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત ટોલ ફ્રી નંબર 1800 233 5500 દ્વારા વિદ્યાર્થીઓ જાહેર રજાઓ સહિતના દિવસોએ સવારના દસ વાગ્યાથી સાંજના 6:30 કલાક દરમિયાન માર્ગદર્શન મેળવી શકશે. આ ઉપરાંત આગામી તા. 13 મી માર્ચથી વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે જિલ્લા કંટ્રોલરૂમ પણ શરૂ કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.