અકસ્માત:પાલજમાં બે બાઇક વચ્ચે અકસ્માત થયો, નોકરી પૂર્ણ કરી બાઈક પર ઘરે જઈ રહેલા યુવકનું મોત

ગાંધીનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મૂળ સંતરામપૂરના યુવકને અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા મોત
  • અકસ્માત અંગે ચીલોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી

ગાંધીનગરના પાલજ IIT સામેના રોડ પર બે બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં 36 વર્ષીય યુવાનનું મોત નીપજ્યું હતું. આઈઆઈટીમાં કન્સ્ટ્રક્શન કંપનીમાં નોકરી કરતો મૂળ સંતરામપુરનો યુવક ફરજ પૂર્ણ કરીને ગઈકાલે રાત્રે બાઈક લઈને ઘરે જઈ રહ્યો હતો ત્યારે આઈઆઈટી ગેટ - 2 સામેના રોડ પર અન્ય એક બાઈક સાથે અકસ્માત થતા તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગે ચીલોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

સંતરામપૂર ખાતે રહેતા વિનય છગનભાઈ રાવળની ફરિયાદ મુજબ તેનાં પરિવારમાં માતા પિતા તેમજ બે ભાઇઓ પૈકી 36 વર્ષીય મોટો ભાઈ રાજુ રાવળ પાલજ IITખાતેની કન્સ્ટ્રક્શન કંપનીમાં નોકરી કરતો હતો. જે પાલજ ગામે તેના પરિવાર સાથે ભાડાના મકાનમાં રહેતો હતો.

બુધવારે રાત્રિના સમયે રાજુ નોકરી પૂર્ણ કરીને બાઈક લઈને ઘરે જવા માટે નિકળ્યો હતો. તે વખતે બાસણથી પાલજ તરફ જતા રોડ પર અન્ય એક બાઈક ચાલકે પોતાનું બાઇક પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારીને રાજુનાં બાઈક સાથે અથડાવ્યું હતું.

આ અકસ્માતમાં રાજુને શરીરે ગંભીર ઈજાઓ થતાં ગાંધીનગર સિવિલમાં તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જે બાદ અમદાવાદ સિવિલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં મોડીરાતે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ અંગે ચીલોડા પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...