તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશ્લેષણ:અમિત શાહ નવા બનાવાયેલા સહકાર વિભાગથી હવે તેઓ મહારાષ્ટ્રમાં શરદ પવારના હથિયારને બૂઠાં કરશે

ગાંધીનગર24 દિવસ પહેલાલેખક: ચિંતન આચાર્ય 
  • કૉપી લિંક
અમિત શાહ - ફાઇલ તસવીર - Divya Bhaskar
અમિત શાહ - ફાઇલ તસવીર
  • માંડવિયાને અતિ મહત્ત્વના આરોગ્ય અને કેમિકલ્સ મંત્રાલયનો હવાલો, કોરોનાકાળમાં મોટી જવાબદારી

કેન્દ્ર સરકારના મંત્રીમંડળના વિસ્તરણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હજુ મંગળવારે જ નવાં બનાવેલાં સહકાર મંત્રાલયનો હવાલો ગૃહમંત્રી અમિત શાહને સોંપ્યો છે. અમિત શાહ પાસે સહકાર મંત્રાલય આવતા હવે તેઓ આ ક્ષેત્રમાં દબદબો ભોગવતા શરદ પવારના શસ્ત્રોની ધાર બૂઠી કરી નાંખશે. મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી બાદ ભાજપ સાથે એનસીપીના ગઠબંધન થકી સરકાર રચવાના શાહના મનસૂબા પર પવારે પાણી ઢોળ્યું હતું તે વખતનો સ્કોર શાહ હવે સેટલ કરશે. તે ઉપરાંત હાલ પવાર ત્રીજા મોરચાની રચનાને લઇને સક્રિય થયાં છે તેને પણ તેઓ આ સમયમાં બ્રેક મારી દેશે.

ભારતમાં સહકારી ક્ષેત્રે ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્યો મોખરે છે. હાલ ગુજરાતનું સહકાર ક્ષેત્ર ભાજપ પાસે છે અને પરોક્ષ રીતે તેમાં અમિત શાહ દબદબો ભોગવે છે. કર્ણાટકમાં પણ ભાજપની જ સરકાર છે. હવે વાત રહી મહારાષ્ટ્રની અને તેમાં પવારના વર્ચસ્વની, તો તેમાં હવે કેન્દ્રીય મંત્રી તરીકે અમિત શાહ વ્યૂહાત્મક ભૂમિકા થકી પવાર પાસેથી તેમનું પ્રભુત્વ આ ક્ષેત્રમાંથી આંચકી લેશે તેવી ગણતરી ખોટી નહીં પડે. આમ થવાથી આર્થિક અને રાજકીય તેમજ સામાજિક રીતે પણ પવારની શક્તિઓ ઓછી થઇ જશે.

આ તરફ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની જવાબદારી મનસુખ માંડવિયાને કેબિનેટ મંત્રી તરીકે મળી છે અને તેમાં ફર્ટિલાઇઝર અને કેમિકલ્સ મંત્રાલયનો હવાલો પણ તેમની પાસે જ રહ્યો છે. માંડવિયાએ હાલમાં દેશમાં કોરોનાની બીજી લહેર વખતે રેમડેસિવીર અને બ્લેક ફંગસના ઇંજેક્શનનો મોટો જથ્થો વિદેશોમાંથી લાવવામાં સફળતા મેળવી હતી તે વાત મોદીના ધ્યાને છે અને તેથી જ તેમને આ શિરપાવ મળ્યો છે. દેશના ચાર મહત્ત્વના મંત્રાલયો ગૃહ, સંરક્ષણ, નાણાં અને વિદેશ બાદ આરોગ્ય પાંચમું મંત્રાલય છે જે ખૂબ અગત્યનું છે. હવે આગામી સમયમાં દેશમાં આરોગ્યલક્ષી સુવિધાઓ ઊભી કરવાથી માંડીને રસી, દવાઓ, ઓક્સિજન વગેરેનું કામ માંડવિયાએ પડકારની રીતે ઝીલવાનું છે.

અન્ય સમાચારો પણ છે...