ચાર ચાયણી:ત્રણ પ્રકારના વિવિધ સરવેે અને સંગઠનના નામની ચર્ચાના આધારે અમિત શાહે 182 ઉમેદવારોની પેનલ તૈયાર કરી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરી વિસ્તારોમાં 4ની, તો ગ્રામ્યમાં 2 ઉમેદવારોની પેનલ
  • પાર્લામેન્ટરી બોર્ડમાં નિર્ણય પછી ભાજપના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે

ભાજપના ઉમેદવારો નક્કી કરવા માટેની કવાયત ગુજરાતમાં હાથ ધરાયા પછી હવે દિલ્હીમાં મેરેથોન મંત્રણાઓ ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અધ્યક્ષ સ્થાને ઉમેદવારોની પેનલ તૈયાર કરવાની પ્રક્રિયા યોજાઇ હતી. આ પ્રક્રિયામાં અમિત શાહે ભાજપ દ્વારા કરાયેલા ત્રણ સરવેેને ધ્યાનમાં રાખ્યા હતા. આ પછી સંગઠનના નેતાઓને સાંભળીને પેનલ તૈયાર કરાઇ છે.

એકંદરે ત્રણ સરવે અને સંગઠનમાંથી આવતા નામ એમ ચાર પ્રકારે દાવેદારોના નામની ચકાસણી કરીને ભાજપે દરેક બેઠકમાં દાવેદારોની પેનલ તૈયાર કરી છે. હવે 182 બેઠક પર તૈયાર કરાયેલી પેનલની ચર્ચા દિલ્હીમાં થશે અને પછી ઉમેદવારોની યાદી જાહેર થશે. ઉમેદવારો નક્કી કરવા માટે હાથ ધરાયેલી પ્રક્રિયામાં કેન્દ્રીય મંત્રી અમિત શાહે માત્ર સંગઠનમાંથી સૂચવાયેલા નામ પર આધારા રાખવાને બદલે ભાજપ દ્વારા કરાવવામાં આવેલા ત્રણ સરવેને પણ ધ્યાનમાં રાખ્યા હતા.

મહાનગરપાલિકા બેઠકોમાં 3થી 4 નેતાઓની પેનલ
અમુક બેઠક પર ત્રણ અને ચાર વ્યકિતની પેનલ તૈયાર કરવામાં આવી છે. આ એવી બેઠકો છે કે જયાં સિનિયરો વધારે છે. ખાસ મહાનગરની બેઠકો પર ત્રણથી ચાર દાવેદારોની યાદી તૈયાર થઇ છે. ભાજપનું આ બેઠકો પર વર્ચસ્વ છે, આવા સંજોગોમાં ત્યાં કાર્ય કરતા યુવા નેતાઓ અને સિનિયરો એમ મળીને 4 નેતાઓની પેનલ તૈયાર કરવામાં આવી છે. દિલ્હીમાં મોદી અને શાહ વચ્ચે મંત્રણા પછી પાર્લામેન્ટરી બોર્ડમાં અંતિમ નામ નક્કી થશે.

જિલ્લાવાર નેતાઓને મળતા પહેલાં પણ અભ્યાસ
તેમણે ઇન્ટેલીજન્ટ સરવેે, ખાનગી સરવે તેમજ એજન્સી દ્વારા કરાયેલા ત્રણેય સરવેને ધ્યાનમાં રાખ્યા છે. સંગઠનના જે જિલ્લાના નેતાઓ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ ઉપસ્થિત થાય તે પહેલા તે જિલ્લાની તમામ વિધાનસભા બેઠક પર કયા નામ ત્રણ સરવેમાં આવ્યા છે તેની ચકાસણી કરતા હતા. પછી જિલ્લાના નેતાઓને સાંભળીને સ્પષ્ટ કહેતા હતા કે,આ નામ વિચારવા જેવા છે. દરેક બેઠક પર બે વ્યકિતની પેનલ છે.

ક્યાંય કાચું ના કપાઇ જાય એટલે ત્રણ સરવેનો પ્રયોગ
ભાજપે ઉમેદવારો નક્કી કરતા પહેલા ત્રણ બાબતો ધ્યાનમાં રાખી છે. કેટલાક સંજોગોમાં શરમના કારણે કોઇ મજબૂત ઉમેદવારને બદલે કોઇ બીજા નેતા ટિકિટ લઇ ન જાય તે માટે ત્રણ એજન્સી દ્વારા સરવે કરાયો છે. ખાનગી વિશ્વાસુ વ્યકિત દ્વારા સરવે કરાવાય છે. બે એજન્સી કાચું કાપે તો ત્રીજો ખાનગી એજન્સી દ્વારા સરવે કરાવાય છે, તેના આધારે દાવેદારોની એક યાદી તૈયાર થાય છે. કુલ મળીનેે ત્રણ સરવે અને સંગઠનમાંથી આવતા નામ એમ ચાર પ્રકારે નામ ચકાસી ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...