ભાજપના નેતાઓ અમિત શાહ અને સી આર પાટીલ ગુજરાતના છ સાંસદો પર ખૂબ ખફા છે. આ છ સાંસદોમાં બે કેન્દ્રીય મંત્રીઓ ડૉ મહેન્દ્ર મુંજપરા અને દેવુસિંહ ચૌહાણનો પણ સમાવેશ થાય છે. થોડાં સમય પહેલાં દિલ્હીમાં થયેલી એક બેઠક દરમિયાન શાહ અને પાટીલે ભાજપના રાષ્ટ્રી અધ્યક્ષ જે. પી. નડ્ડાની હાજરીમાં આ છ સાંસદોને એક પછી એક બોલાવીને ઠપકો આપ્યો હતો.
ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર આ છ સાંસદોએ પાર્ટી હાઇકમાન્ડ સમક્ષ પોતાના કેટલાંક ટેકેદારો માટે ટિકિટની માંગણી કરી હતી, પરંતુ તે સ્વીકારાઇ ન હોવાથી તેમણે વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીની અપેક્ષા મુજબનું કામ કર્યું ન હતું. અમુક સાંસદોએ તો પાર્ટીલાઇન વિરુદ્ધ કામ કરીને કેટલેક ઠેકાણે ઉમેદવાર હારે ત્યાં સુધીની તજવીજ કરી હોવાનું પણ જાણવા મળ્યું છે.
કેન્દ્રીય મંત્રીઓ સિવાયના સાંસદોમાં રાજકોટના મોહન કુંડારીયા, પાટણના ભરતસિંહ ડાભી, પંચમહાલના રતનસિંહ રાઠોડ, અને છોટા ઉદેપુરનાં ગીતા રાઠવાનો સમાવેશ થાય છે. આ સાંસદોને દિલ્હીમાં વિશેષ બેઠકમાં બોલાવીને તેમને શાહે ખૂબ કડક શબ્દોમાં ઠપકો આપ્યાનું જાણવા મળ્યું છે. આ સાંસદોને ચીમકી આપી નકારાત્મક કામગીરી અંગે પાર્ટી માત્ર ઠપકો આપીને ચલાવી લેશે નહીં તેવું પણ જણાવ્યું હતું.
16, 17 જાન્યુઆરીએ કારોબારી બેઠક થશે
સોમવાર અને મંગળવારે ભાજપની રાષ્ટ્રીય કારોબારી બેઠક દિલ્હીમાં યોજાવાની છે. આ દરમિયાન પાર્ટી ઘણાં મોટા નિર્ણયો લઇ શકે છે. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના ભવિષ્યને લઇને કોઇ ઇશારો મળી શકે છે. બેઠકમાં પાટીલ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના અન્ય હાજર રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.