વિરોધાભાસ:ગાંધીનગરને રખડતા ઢોર મુક્ત કરવાની સૂફીયાણી જાહેરાતો વચ્ચે કોર્પોરેશને 1.25 કરોડનાં ઘાસચારાનું ટેન્ડર પણ બહાર પાડી દીધું..!

ગાંધીનગર13 દિવસ પહેલા
  • હજી એટલા બધા રખડતા ઢોર પકડયા નથી અને કરોડોનો ઘાસચારો ખરીદીને કોને ખવડાવવામાં આવશે - શહેર વસાહત મહાસંઘ

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની થોડા વખત અગાઉ મળેલી સામાન્ય સભામાં શહેરને રખડતા ઢોરથી મુક્ત કરવાની સૂફીયાણી જાહેરાત કરાઈ હતી. આ જાહેરાતની હજી તો અસરકારક અમલવારી શરૂ થઈ નથી એ પહેલાં જ ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા પકડાયેલ ઢોર માટે 1.25 કરોડનો ઘાસચારો ખરીદવા માટેનું ટેન્ડર બહાર પાડી દેવામાં આવતા સવાલો ઉઠ્યા છે.

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અસ્તિત્ત્વમાં આવ્યું ત્યારથી નગરજનો પાસેથી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાના બહાને કરોડો રૂપિયાનો ટેક્સ વસુલી લેવાયો છે. તેમ છતાં ગાંધીનગરમાં હજી સુધી મનપા તંત્ર શહેરને રખડતા ઢોર, કચરા, ઝૂંપડપટ્ટી અને આડેધડ ઉભા થઈ રહેલા દબાણોથી મુક્ત કરવામાં મનપા તંત્ર સદંતર નિષ્ફળ નિવડયુ છે. શહેરને એકતરફ સ્માર્ટ સીટી બનાવવા માટે કરોડો રૂપિયાના ટેન્ડરો બહાર પાડીને લીલાછમ વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે. ઠેર ઠેર રખડતા ઢોર, કચરાના ઢગલા નજરે ચઢતાં હોવા છતાં તંત્ર માત્ર કાગળિયાં પર જ કાર્યવાહી કરીને સંતોષ માની રહી છે.

આ અંગે શહેર વસાહત મહા સંઘના પ્રમુખ કેસરીસિંહ બીહોલાએ જણાવ્યું હતું કે, ગાંધીનગર શહેરમાં કરોડો રૂપિયાના ટેન્ડરો બહાર પાડીને વિકાસના કામોના બહાને ભ્રષ્ટાચાર થતો હોવાની વાત નવી નથી. શહેરીજનો પાસેથી જે ટેક્સ ઉઘરાવવામાં આવે છે. એની સામે સુવિધાઓ પૂરી પાડવામાં કોર્પોરેશન તંત્ર હજી ઊણું ઊતર્યું નથી.

ગાંધીનગર શહેરમાં રખડતા ઢોરો, ઝૂંપડપટ્ટી, દબાણો, ઠેર ઠેર કચરાના ઢગલા, ગટર ઉભરાવવી સહિતની ઢગલા બંધ સમસ્યાઓની નાગરિકો હાલાકી ભોગવી રહ્યાં છે. થોડા વખતે અગાઉ મળેલી કોર્પોરેશનની સામાન્ય સભામાં રખડતા ઢોરથી શહેરને મુક્તિ આપવાની જાહેરાત કરી દેવાઈ હતી. તેમ છતાં શહેરમાં રખડતા ઢોરો ફરી રહ્યા છે. જેનાં કારણે ઘણા જીવલેણ અકસ્માત પણ થતાં રહે છે. તો બીજી તરફ કલેકટરે પણ જાહેરનામુ બહાર પાડીને જાહેરમાં ઘાસચારો વેચવાની, સંગ્રહ કે ખવડાવવા સામે પ્રતિબંધ લાદી દીધો છે. છતાં ઘાસચારાનું વેચાણ ચાલુ છે.

એમાંય હજી તો કોર્પોરેશન રખડતા ઢોર મામલે નક્કર કાર્યવાહી કરવામાં નિષ્ફળ નીવડી છે. શહેર ઢોર મુક્ત થયું નથી અને વર્ષ 2022-23 અન્વયે સવા કરોડનો ઘાસચારો પકડાયેલ ઢોરોને ખવડાવવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. હજી રખડતા ઢોર પકડયા નથી અને આટલા બધા રૂપિયાનો ઘાસચારો કોણ ખાઈ જશે એ પણ મોટો પ્રશ્ન છે તેમ વધુ મહા સંઘના પ્રમુખે ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...