ઘેરબેઠાં રસી લેવામાં પણ આળસ:ગાંધીનગરમાં મનપાની 10 ટીમ ડોર-ટુ-ડોર રસી આપે છે છતાં રોજ 20 જણા બીજો ડોઝ નથી લેતા

ગાંધીનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
રસી ન લેનારા લોકોને સમજાવતા મેડિકલ ઑફિસર. - Divya Bhaskar
રસી ન લેનારા લોકોને સમજાવતા મેડિકલ ઑફિસર.

પાટનગર સહિત સમગ્ર ગાંધીનગર જિલ્લામાં કોરોનાની બીજી લહેર ઘાતક રહી હતી. આમ છતાં રસીનો બીજો ડોઝ લેવામાં શહેરીજનોમાં ઉદાસીનતા જોવા મળી રહી છે. લોકોને બીજો ડોઝ આપવા માટે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ડોર-ટુ-ડોર વેક્સિનેશન માટે 10 ટીમ બનાવી છે.

આ ટીમ રોજ વિવિધ વિસ્તારોમાં જઈને લોકોને રસીનો બીજો ડોઝ લેવા સમજાવી રહી છે પરંતુ લોકો જાતજાતનાં બહાનાં બનાવે છે અને રોજ સરેરાશ 20 લોકો બીજો ડોઝ લેવાની ના પાડી રહ્યા છે. શહેરમાં 36,4000 લોકોએ પહેલો જ્યારે તેની સામે બીજો ડોઝ લેનારા લોકોની સંખ્યા માત્ર 23,0000 છે. એટલે કે હજી 134000 લોકોએ બીજો ડોઝ લીધો નથી. પહેલો ડોઝ લીધાને 84 દિવસ પૂરા થવા છતાં 20 ટકા લોકો બીજો ડોઝ લેતા નથી. પરિણામે બીજો ડોઝ ન લેનારા લોકોની સંખ્યા દિવાળી પહેલાં 40થી 50 હજારની આસપાસ હતી, જે હાલમાં 60થી 65 હજારની આસપાસ પહોંચી છે.

પ્રથમ લહેરની મંદ અસરને પગલે રસીનો પ્રથમ ડોઝ લેવામાં લોકોમાં નીરસતા જોવા મળતી હતી પરંતુ એપ્રિલ અને મે મહિનામાં કોરોનાની બીજી લહેરમાં મોતના તાંડવને લોકોએ નજર સામે જોતાં જ રસી લેવામાં ધસારો વધી ગયો હતો, જેના ભાગરૂપે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રસીના પ્રથમ ડોઝની કામગીરી 135 ટકાથી વધારે થઈ છે. જ્યારે બીજા ડોઝની પણ કામગીરી હાલમાં ચાલી રહી છે. હાલમાં કોરોનાનું સંક્રમણ મંદ પડતાં રસીનો પ્રથમ ડોઝ લીધાને નિયત સમય પૂર્ણ થવા છતાં બીજો ડોઝ લેવા આવતા નથી. બીજો ડોઝ લેવામાં આળસ દાખવતા અંદાજે 20 ટકા જેટલા લોકોને રસી આપવા માટે મનપાના આરોગ્ય તંત્ર દ્વારા 10 ટીમ બનાવીને ડોર-ટુ-ડોર કામગીરી શરૂ કરી છે.

રસી ન લેવાનાં બહાનાં
1. મને તાવ આવે છે એટલે હમણાં રસી લેવી નથી.
2. મને રિએક્શન આવતું હોવાથી રસીનો બીજો ડોઝ લેવો નથી.
3. હાલમાં કોરોનાનું સંક્રમણ ઘટી ગયું હોવાથી રસીનો બીજો ડોઝ લેવો નથી.
4. રસી જેને લેવાની હતી તે વ્યક્તિ બહાર ગઈ છે.
5. રસી લેવી ફરજિયાત ન હોવાથી મારે નથી લેવી.

કોરોનાની બીજી લહેર બાદ રોજ 5000નું રસીકરણ થતું હતું
બીજી લહેર ઘાતક નીવડતાં લોકોમાં ફફડાટ હતો. આથી દરેક રસીકેન્દ્રો પર લાંબી લાઇન લાગતી હતી, જેને પરિણામે એક જ દિવસમાં મનપા વિસ્તારમાં 5000 જેટલા લોકો રસી લેતા હોવાનું મનપાના આરોગ્ય અધિકારી ડૉ. કલ્પેશ ગોસ્વામીએ જણાવ્યું છે.

બીજો ડોઝ ન લેનારા લોકોને મેડિકલ ઑફિસર સમજાવશે
કોરોના વિરોધી રસીનો પ્રથમ ડોઝ લીધાને 84 દિવસ પૂરા થયા હોવા છતાં બીજો ડોઝ ન લેનારા લોકોની યાદી તૈયાર કરવામાં આવે છે. આવા લાભાર્થીઓને મેડિકલ ઑફિસર ઘરે મુલાકાત લઈને રસી લેવા માટે સમજાવવામાં આવી રહ્યા છે.

ઘરે રસી આપવા છતાં રોજના 20 લોકો રસી લેતા નથી
મનપાના આરોગ્ય તંત્ર દ્વારા રસીનો બીજો ડોઝ લાભાર્થીઓને ઘરે જઈને આપી રહ્યું છે. તેમ છતાં અમુક લોકો અલગ અલગ બહાનાં કરીને બીજો ડોઝ લેતા નથી. આવા રોજના 20 જેટલા લોકો હોવાનું આરોગ્ય તંત્રનાં સૂત્રોએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...