રજૂઆત:કલેક્ટર કચેરીમાં જમીન મહેસૂલ ભરવામાં હાલાકી હોવાની રાવ

ગાંધીનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પહેલાં પાવતી ન હતી હવે કર્મચારી રજા પર હોવાનો દાવો, એડવોકેટ દ્વારા કલેક્ટરને લેખિત રજૂઆત

ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે જમીન મહેસૂલ ભરવા માટે પડતી હાલાકી દૂર કરવા માંગ ઉઠી છે. એડવોકેટ હિતેશ બી. રાવલ દ્વારા આ મુદ્દે કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં રજૂઆત કરાઈ છે કે કલેક્ટર કચેરીના ચોથા માળે તલાટી કચેરીમાં ગાંધીનગર શહેર જમીન મહેસૂલ લેવાય છે. છેલ્લા એકાદ માસથી જમીન મહેસૂલ ભર્યાની પહોંચ છાપકામમાં ગઈ હોવાના જવાબો મળતા હતા. હવે ‘સક્ષમ કર્મચારી રજા પર છે, તો દસ દિવસ પછી આવજો’ હોવાનો જવાબ મળ્યો હોવાનો દાવો રજૂઆતમાં કરાયો છે.

બીજી તરફ અહીં રૂમની બહાર એક નોટિસ ચોંટાડવામાં આવી છે જેમાં 25મી પછી જમીન મહેસૂલ લેવાશે નહીં તેમ જાણ કરાઈ છે. આમ છેલ્લા લાંબા સમયથી જમીન મહેસુલ લેવામાં આવતું નથી. જેના કારણે રેવન્યુને લગતી આગળની કોઈપણ કાર્યવાહી શક્ય બનતી નથી. મૃતક વ્યક્તિની વારસાઈ કરવા માટે મિલકતનું જમીન મહેસુલ ભર્યાની પાવતી સિટી સરવે ઓફીસ દ્વારા માંગવામાં આવે છે.

જેના કારણે મૃતકોના પરિવારજનોને વારસાઈ જેવી પ્રાથમિક કાર્યવાહીથી વંચિત રહેવું પડે છે. જેને પગલે અરજદાર દ્વારા માંગણી કરાઈ છે કે જો સરકાર પાસે મહેસૂલ ભર્યાની પહોંચ ન હોય અથવા સક્ષમ કર્મચારી રજા પર હોય તો વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...