તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:અધ્યાપક સહાયકના અનુભવની ગણતરી નિયમ વિરુદ્ધ ગણાતી હોવાનો આક્ષેપ

ગાંધીનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યની વિવિધ ગ્રાન્ટેડ કોલેજોમાં કરાતી ભરતીની પ્રકિયા દરમિયાન
  • યુજીસીના કાયદા મુજબ અનુભવ ગણવાને બદલે નિયમોને નેવે મૂકાતા ઉમેદવારોમાં રોષ: ગ્રાન્ટેડ કોલેજોમાં વિવિધ ફેકલ્ટીના 915 અધ્યાપકની ભરતી ચાલી રહી છે

રાજ્યની ગ્રાન્ટેડ કોલેજોમાં અધ્યાપક સહાયકની ભરતીમાં અનુભવની ગણતરીમાં નિયમોને નેવે ચડાવી દીધાનો ઉમેદવારોએ આક્ષેપ કર્યો છે. ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરીફિકેશનમાં યુજીસીના કાયદા મુજબ અનુભવની ગણતરી કરવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ રાતોરાત નિયમની વિરૂદ્ધ અનુભવની ગણતરી કરી હોવાના આક્ષેપ સાથે ઉમેદવારોએ ઉચ્ચશિક્ષણ વિભાગમાં ઉગ્ર રજુઆત કરી છે.

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ભરતીની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તેમાં ઉચ્ચશિક્ષણ વિભાગ દ્વારા રાજ્યભરની ગ્રાન્ટેડ સાયન્સ, કોમર્સ અને આર્ટસ કોલેજોમાં અધ્યાપકોની ખાલી પડેલી જગ્યાઓની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તેમાં ગ્રાન્ટેડ કોલેજોમાં સાયન્સ, કોમર્સ અને આર્ટસના કુલ 42 વિષયોના કુલ 915 અધ્યાપકોની ભરતીની કામગીરી ચાલી રહી છે. તેમાં ઓનલાઇન ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. ઉપરાંત ઉમેદવારોના ડોક્યુમેન્ટનું વેરીફિકેશન પણ કરવામાં આવ્યું છે. જોકે અધ્યાપક સહાયકમાં અનુભવને ગણવામાં આવ્યો છે.

તેમાં યુજીસીના કાયદા મુજબ નેટ, સ્લેટ અને પીએચડીની ડીગ્રી મળ્યા પછી જ અધ્યાપકની નોકરી તરીકેનો અનુભવ માન્ય ગણાય તેવો નિયમ છે. આથી આ નિયમ આધારીત ઉમેદવારોના ડોક્યુમેન્ટનું વેરીફિકેશન કર્યું હોવાનું ઉમેદવારોએ જણાવ્યું છે.

ત્યારબાદ અમુક અધિકારીઓ અંગત સ્વાર્થ ખાતર રાતોરાત અધ્યાપક સહાયકના અનુભવના નિયમો બદલી નાંખીને નેટ, સ્લેટ અને પીએચડીના હોય તો પણ અધ્યાપક તરીકેનો અનુભવ માન્ય રાખવામાં આવ્યો હોવાનો આક્ષેપ ઉમેદવારોએ કર્યો છે. આથી નેટ, સ્લેટ અને પીએચડી કરેલા ઉમેદવારોને અન્યાયકર્તા બની રહેશે તેમ જણાવાઈ રહ્યુ છે.

અધ્યાપક સહાયકની ભરતીમાં યુજીસીએ નિયત કરેલા અનુભવના ગુણાંક માટેના નિયમનું ચુસ્ત પાલન કરવામાં આવે તેવી માંગણી સાથે ઉચ્ચશિક્ષણ વિભાગમાં રજુઆત કરી હોવાનું ઉમેદવારોએ જણાવ્યું છે. રાજ્યની ગ્રાન્ટેડ કોલેજોમાં અધ્યાપક સહાયકની ભરતીમાં અનુભવની ગણતરીમાં નિયમોને નેવે ચડાવી દીધાનો હાલ આક્ષેપ થયો છે ત્યારે આ બાબતે તંત્ર દ્વારા તપાસ કરવી જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...