કરાઇ પોલીસ તાલીમ અકાદમીમાં બોગસ રીતે પ્રવેશ મેળવી ચૂકેલા મયૂર તડવીના કિસ્સા બાદ પોલીસ તંત્રએ 2021ની બેચના તમામ તાલીમી પોલીસ સબ ઇન્સ્પેક્ટરોનું બાયોમેટ્રિક વેરિફિકેશન કરવાનો નિર્ણય લીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આ અંગે સંબંધિત અધિકારીઓને સૂચના આપી દીધી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર તડવી સિવાય અન્ય ઉમેદવારો પણ બોગસ રીતે તાલીમ હેઠળ હોવાના આક્ષેપ સામે વળતા જવાબની પ્રક્રિયા પ્રમાણે આ વેરિફિકેશન કરાવવામાં આવી રહ્યું છે. જો કે બાકીના કોઇ તાલીમાર્થી બોગસ હોવાની શક્યતા નહિવત્ છે. આ માટે તમામ તાલીમાર્થીઓના આધાર, ફિંગર પ્રિન્ટ અને અન્ય દસ્તાવેજો તેમજ શરીર પરની કોઇ નિશાની અંગેની ચકાસણી કરવામાં આવશે.
આ સમયગાળા આસપાસ માત્ર પીએસઆઇ જ નહીં, અન્ય કેડરોમાં પણ પોલીસ ભરતી થઇ હોવાથી તેઓનું પણ વેરિફિકેશન કરાવવાની વિચારણા ચાલી રહી છે. મૂળભૂત રીતે એક જ નામ ધરાવતા એકથી વધુ ઉમેદવાર હોવાને પગલે આ પ્રકારે વેરિફિકેશન કરવું જરૂરી બન્યું છે, તે હેતુથી આ પ્રકારે વેરિફિકેશન કરીને સંપૂર્ણ પ્રક્રિયાને પારદર્શક બનાવાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.