હડતાળ:આંગણવાડીની ઓનલાઇન, ઓફલાઇન તમામ કામગીરી બંધ

ગાંધીનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આંગણવાડીમાં થતી વિવિધ માહિતીથી રાજ્ય સરકાર અજાણ છે

આંગણવાડી કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાલને પગલે આંગણવાડીઓ હાલમાં બંધ છે. તેની સાથે સાથે ઓનલાઇન તમામ પ્રકારની કામગીરી પણ બંધ કરી દેવામાં આવી છે. જેને પરિણામે આંગણવાડીના કેટલા બાળકો, કેટલી સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ, કિશોરીઓને પોષણયુક્ત આહાર આપવામાં આવ્યો સહિતની માહિતીથી રાજ્ય સરકાર અજાણ રહેવા પામી છે. પડતર પ્રશ્નોના ઉકેલની માંગણી સાથે અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરેલી આંગણવાડીના મહિલા કર્મચારીઓના કારણે હાલમાં જિલ્લાની તમામ આંગણવાડી ઉપર ખંભાતી તાળા લટકી રહ્યા છે.

ઉપરાંત પોતાના પ્રશ્નોનો જ્યાં સુધી ઉકેલ નહી આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે તેવી ચીમકી પણ આંગણવાડીના કર્મચારીઓએ ઉચ્ચારી છે. કારમી મોંઘવારીમાં લઘુત્તમ વેતન કરતા પણ ઓછો માસિક પગાર આપવામાં આવી રહ્યો છે. ઉપરાંત તેઓની કામગીરી સિવાય અન્ય સરકારી વિભાગની કામગીરી પણ કરાવવામાં આવી રહી છે. વધુમાં આંગણવાડીના કર્મચારીઓ માટે કોઇ જ પ્રકારનો સમય નક્કી કરવામાં આવ્યો નથી. આંગણવાડીના કર્મચારીઓ પાસેથી ઓનલાઇન અને ઓફલાઇન બન્ને પ્રકારની કામગીરી કરાવવામાં આવી રહી છે.

જોકે આંગણવાડીના કર્મચારીઓની ઉપર લાદવામાં આવતા કામના ભારણની સામે માસિક પગાર નહીવત આપવામાં આવતો હોવાથી આંગણવાડીના કર્મચારીઓમાં રોષ ઉઠવા પામ્યો છે. જોકે છેલ્લા છ દિવસથી બંદ રહેલી આંગણવાડીઓ ક્યારે ખુલશે અને તેમાં ભૂલકાંઓ ક્યારે આવશે તે તો આગામી સમય જ બતાવશે.

પરંતુ તેઓને થતાં અન્યાયના વિરોધમાં લડત ચલાવી રહેલા આંગણવાડીના કર્મચારીઓએ ઓનલાઇન તમામ પ્રકારની કામગીરી પણ બંધ કરી દીધી છે. જેને પરિણામે જિલ્લાની કેટલી આંગણવાડીઓ, તેમાં કેટલા બાળકો 3થી 5 વર્ષના છે. કેટલી સગર્ભા મહિલાઓને પોષણયુક્ત કીટ તેમજ રસી આપવા સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. સહિતની કામગીરી અંગેની રાજ્ય સરકારને સાચી માહિતી મળતી નહી હોવાનું કર્મચારીઓએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...