અબોલ જીવોની સેવા:અમદાવાદના જીવદયા પ્રેમી યુવાને ગાંધીનગરમાં અબોલ જીવોની સેવા કરવા શેલ્ટર હોમ વિકસાવ્યું, મહિને થાય છે સવા લાખનો ખર્ચ

ગાંધીનગર22 દિવસ પહેલા

અમદાવાદના રાજ બોથરા નામના એક જૈન યુવાને પોતાના ગુરુ જિનમણિપ્રભસુરીશ્વરજી મહારાજના ઉપદેશથી પ્રભાવિત થઈને ગાંધીનગર ખાતે આશરે અઢી વિઘા જમીન ભાડે રાખીને કૂતરાં-બિલાડાં જેવા પ્રાણીઓ માટે એક સારવારની સુવિધા સાથેનું 'આશ્રય ઘર' બનાવ્યું છે. ત્યારે ગૌધન સહિતના અબોલ પ્રાણીઓ અને પક્ષીઓ માટે એડવાન્સ ટેકનોલોજીની મશીનરી સાથેની અત્યાધુનિક હોસ્પિટલ તૈયાર કરવાની મહેચ્છા સાથે દર મહિને અબોલ જીવોની સારવાર પાછળ સવા લાખ રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવી રહ્યો છે.

યુવક પાંચ વર્ષ રહેલાં આ કાર્યમાં જોડાયો

રાજસ્થાનના બાડમેર જિલ્લાના બિસાલા ગામના મૂળ વતની એવા રાજકુમાર બોથરા છેલ્લાં વીસેક વર્ષથી અમદાવાદના શાહીબાગ ખાતે હાર્ડવેર મેન્યુફેક્ચરિંગ અને હોલસેલના પોતાના પારિવારિક વ્યવસાય સાથે સ્થાયી થયા છે. રાજ બોથરા નાનપણથી જ ધર્મે જૈન હોવાથી અહિંસા અને જીવદયામા વિશ્વાસ ધરાવે છે. તેઓ મુનિ જિનમણિપ્રભસુરીશ્વર મહારાજથી પ્રભાવિત હતા અને નિયમિત તેમનાં પ્રવચન સાંભળવા જતા હતા. મુનિસાહેબના ઉપદેશના પ્રભાવ હેઠળ જ તેઓ પાંચેક વર્ષ પૂર્વે ઉત્તરાયણના તહેવાર નિમિત્તે વહીવટીતંત્ર દ્વારા હાથ ધરાતા કરૂણા અભિયાન અંતર્ગત પતંગની દોરીથી ઈજાગ્રસ્ત થતા પક્ષીઓને બચાવવાના રેસ્ક્યુ કાર્યમાં જોડાયાં હતાં.

ધીમે ધીમે યુવકમું વર્તુળ મોટુ થયું

રેસ્ક્યુ કાર્ય દરમિયાન તેમને પોતાના જેવા અન્ય જીવદયા પ્રેમી મિત્રો મળ્યા જેના કારણે તેઓ બાકીના સમયમાં પણ ક્યાંક અકસ્માતે કે અન્ય રીતે ઇજાગ્રસ્ત કે ફસાયેલાં અબોલ પ્રાણી-પંખીઓના રેસ્ક્યુ કાર્ય નિયમિત રીતે કરવા લાગ્યાં હતાં અને આ સેવા કાર્યમાં પોતાના ખિસ્સામાંથી સારી એવી રકમ ખર્ચતા હતાં. ધીરે ધીરે તેમનું રેસ્ક્યુ કાર્ય વધતું ગયું હતું અને આ કાર્ય કરતા તેમના મિત્રોની સંખ્યામાં પણ વધારો થયો હતો. હવે આ બચાવકાર્ય માટે તેમણે પોતાના જીપ જેવા એક વાહનનો ઉપયોગ કરવાનું પણ શરૂ કરી દીધું હતું જે બિમાર કે ઈજાગ્રસ્ત પશુઓને સારવાર માટે દવાખાને લઈ જવા માટે ઉપયોગમાં લેતાં હતાં.

યુવકે વેટરનરી ડોક્ટરને પણ રાખ્યા

આ પછી તેમણે બિમાર કે ઈજાગ્રસ્ત પ્રાણીઓની સારવાર માટે પોતાના ખર્ચે એક વેટરનરી ડોક્ટર પગારથી નોકરીએ રાખી દીધાં હતાં. તેમના સેવાકાર્યમાં સોશિયલ મીડિયા થકી જોડાયેલા અનેક સેવાભાવી મિત્રો ઉપરાંત દિનેશ પટ્ટણી નામના એક વડીલ રિક્ષાચાલકની ખૂબ જ મદદ પ્રાપ્ત થવા લાગી હતી. સતત અબોલ પ્રાણીઓના રેસ્ક્યું શિક્ષણકાર્યમાં જોડાયા બાદ તેમણે અનુભવ્યું કે આ ક્ષેત્રે પણ કેટલીક સંસ્થાઓ અને સ્વયંસેવકો તેમની સેવાનો દુરુપયોગ કરે છે અને પોતાના લાભ માટે ખોટું કરતા અચકાતા નથી.

મા એનિમલ ફાઉન્ડેશન' નામની સંસ્થા શરૂ કરી

આ કારણે તેમણે પોતાની જ એક સંસ્થા સ્થાપવાનો વિચાર કર્યો કે જેમાં તેઓ બિમાર કે ઈજાગ્રસ્ત અથવા ક્યાંક ફસાયેલા અબોલજીવોની શક્ય હોય તેટલી સાચા દિલથી સેવા કરી શકે. વર્ષ 2017માં તેમણે પોતાની બહેન ઉષાબેન અને ભાઇ અશોકભાઇની મદદથી 'મા એનિમલ ફાઉન્ડેશન' નામની સંસ્થા શરૂ કરી છે જેમાં શરૂઆતમાં તેઓ સાંજના 6 થી સવારના 6 વાગ્યા દરમ્યાન રાત્રિના સમયે કોઇ પણ વિસ્તારમાં રેસ્ક્યુના કોલની સેવા આપવા લાગ્યાં હતાં કેમકે આ ક્ષેત્રે અમદાવાદની મોટાભાગની સંસ્થાઓ માત્ર દિવસ દરમિયાન નિશ્ચિત સમયે અને નિશ્ચિત વિસ્તારમાં જ સેવા આપતી હતી. તેમની સંસ્થા થકી તેઓ દાતાઓના દાન અને તેમના પોતાના આર્થિક યોગદાન થકી તેઓ જીવદયાનું સેવાકાર્ય કરી રહ્યાં છે.

પશુ-પક્ષીની સેવા માટે રાત્રે પણ યુવક તૈયાર

પોતાના આ રેસ્ક્યુ કાર્ય દરમિયાન તેમણે આશરે બે વર્ષ પહેલાં આવેલા એક જબરજસ્ત વાવાઝોડાંમાં અમદાવાદના એલિસબ્રિજ નજીકના વિસ્તારમાં પડી ગયેલા એક મસમોટા ઝાડ નીચે ફસાયેલી 33 સમડીઓને ભારે જહેમત સાથે બચાવી હતી. આ ઉપરાંત અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં એક ઈમારતના બંધ કરી દેવાયેલા ભોયરામાં પાર્કિંગ પ્લેસમાં જ્યાં સમગ્ર સ્થળ પર કાદવ કિચ્ચડનું સામ્રાજ્ય હતું અને અંદર સુધી જવાનો કોઈ રસ્તો નહોતો તેવી જગ્યાએ ફસાયેલાં કૂતરાના બે ગલુડિયાંને જાતે અંદર જઈને બચાવ્યાં હતાં. એકવાર અડધી રાત્રે મળેલા કોલ અનુસાર નળ સરોવર પાસે આશરે 110 ઘેટાંઓને કોઈ અજાણ્યો રોગ લાગુ પડી ગયો હતો જેને બચાવવા પોતાના ડોક્ટર સાથે રાત્રે એક વાગે સ્થળ પર ધસી ગયા હતા અને સવારે પાંચ વાગ્યા સુધી ઘેટાંઓની સારવાર કરી હતી.

આ સારવાર પછી સતત ત્રણ દિવસ સુધી તેમણે ફોલોઅપ સારવાર પણ કરી અને મહામહેનતે 90 ઘેટાંઓને બચાવવામાં સફળતા મેળવી હતી. આવા તો અનેક નાના મોટા કિસ્સા તેમનાં સેવાકાર્યો દરમ્યાન લગભગ દરરોજ સર્જાતા હતા. આ સેવા કાર્ય દરમ્યાન તેમની ઓળખાણ ગાંધીનગરમાં રેસ્કયુ સેવા કરતાં વિવેક પરમાર સહિતના મિત્રો સાથે થઇ હતી જે દોસ્તીમાં પરિણમી હતી. આ દરમ્યાન તેમણે અનુભવ્યું કે ગાંધીનગર શહેરમાં પણ આ પ્રકારના અનેક કોલ આવે છે પરંતુ ગાંધીનગરમાં અબોલ પ્રાણીઓની સારવાર અપાતી કોઇ સેવાકીય સંસ્થાની સેવાકીય હોસ્પિટલ કે બિમાર ઈજાગ્રસ્ત અથવા દિવ્યાંગ બનેલા અબોલ પ્રાણીઓને રાખવા માટે કોઇ શેલ્ટર હોમ નથી.

વાવોલ-કોલવડા માર્ગ પર શેલ્ટર હોમ શરૂ કર્યું

આ મિત્રોની મદદથી તેમણે ગાંધીનગરના વાવોલ-કોલવડા માર્ગ પર આશરે બે વીઘા જમીનમાં પાંચ વર્ષના ભાડા પટ્ટે રાખી મા એનિમલ ફાઉન્ડેશનનું શેલ્ટર હોમ શરૂ કર્યું છે. જોતજોતામાં આ શેલ્ટર હોમમાં કૂતરા-બિલાડા જેવા પ્રાણીઓની સારવાર માટે સંખ્યા વધવા લાગી છે અને હજુ તો માંડ છ મહિના પણ થયાં નથીને આ શેલ્ટર હોમમાં લકવાગ્રસ્ત‍, આંધળા, બહેરાં, ઈજાગ્રસ્ત, અનાથ તથા સાજા 9 મળીને કુલ 80થી વધુ કૂતરા-બિલાડા સારવાર સાથે આશ્રય લઈ રહ્યાં છે.

આ પ્રાણીઓને સવારે દૂધ રોટલી, બપોરે ખીચડી છાસ સાથે શીરો, સાંજે રોટલી દૂધ, મકાઈ- બાજરીના રોટલા અને તહેવારના દિવસે લાડવા-શિરો જેવું ભોજન જમાડવામાં આવે છે. આ શેલ્ટર હોમ ચલાવવા માટે તેમને ડોક્ટર કમ્પાઉન્ડરનો પગાર, ભોજન દવાઓ તથા અન્ય કર્મચારીઓ અને લાઈટ બિલ ઉપરાંત જગ્યાના ભાડા સહિત અંદાજે મહિને સવા લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. જે માટે તેઓ પોતાના યોગદાન ઉપરાંત દાતાઓ પર જ નિર્ભર રહે છે.

રાજુભાઈ માં એનિમલ ફાઉન્ડેશન વાળા તરીકે ગાંધીનગરમાં જાણીતા રાજ બોથરાનું લક્ષ્ય ગૌધન સહિતના અબોલ પ્રાણીઓ અને પક્ષીઓ માટે એડવાન્સ ટેકનોલોજીની મશીનરી સાથેની અત્યાધુનિક હોસ્પિટલ તૈયાર કરવાનનું છે આ માટે તેમણે પોતાની ફેવરિટ ખાસ અને સોનાના દાગીના પહેરવાની બાધા પણ લીધી છે.

અન્ય સમાચારો પણ છે...