ગાંધીનગરમાં વિવિધ પડતર માંગણીઓ લઈને 102 દિવસ સુધી ચાલેલ સફાઈ કામદારોનું આંદોલન ગણતરીના કલાકોમાં જ સમેટાઇ ગયું છે. ત્યારે હવે અમદાવાદ-ગાંધીનગર શહેર સફાઈ કામદાર યુનિયને અન્ય કોર્પોરેશન દ્વારા ગાંધીનગરમાં પણ કામદારો માટે આવાસની સુવિધા ઉભી કરવાં સાથે મનપામાં સમાવિષ્ટ કરાયેલ પેથાપુર પાલિકાના સફાઈ કામદારોને પણ દોઢ વર્ષથી કોર્પોરેશનમાં સમાવવા નહીં આવતા હોવાની બાબતે પણ માંગણી કરવામાં આવી છે.
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન સામે બાંયો ચઢાવીને રોજમદાર સફાઈ કામદારોએ પડતર માંગણીઓને લઇને 102 દિવસ સુધી આંદોલન ચલાવવામાં આવ્યું હતું. જો કે ગાંધીનગર મેયર અને શહેર પ્રમુખની મધ્યસ્થીના કારણે સફાઈ કામદારોએ તમામ માંગણીઓનું નિરાકરણ આવી જશે તેવી આશાએ આંદોલન સમેટી લીધું છે. ત્યારે હવે કાયમી સફાઈ કામદારો પડતર માંગણીઓ સંદર્ભે આંદોલન છેડે તેવી શક્યતા છે.
અમદાવાદ-ગાંધીનગર શહેર સફાઈ કામદાર યુનિયન દ્વારા મનપા તંત્રને રજૂઆત કરવામાં આવી છે કે, કોર્પોરેશનનું વિસ્તરણ કરીને પેથાપુર નગરપાલિકાનો વિસ્તાર સમાવી લેવાના દોઢ વર્ષ જેટલો સમય વીતી જવા આવ્યો છે. તેમ છતાં પેથાપુરના સફાઈ કામદારોને કોર્પોરેશનમાં સમાવવામાં આવતા નથી. જેથી આ કામદારોને તાત્કાલિક અસરથી ગાંધીનગર મહાનગર પાલિકાના કર્મચારી બનાવવામાં આવે.
ઉપરાંત રાજ્યની અન્ય મહાનગર પાલિકાઓ દ્વારા સફાઈ કામદારો માટે આવાસ બનાવવામાં આવી રહ્યા છે. પરંતુ ગાંધીનગરમાં સફાઈ કામદાર આવાસની સુવિધા આપવામાં આવતી નથી. જેથી આ યોજના પણ ગાંધીનગરમાં શરૂ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. આમ સફાઈ કામદારોની આ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસમાં આંદોલન થવાની શક્યતા પણ જોવાઈ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.