BJPની રાજનીતિમાં અપવાદરૂપ કિસ્સો:જીત બાદ CM સામે ચાલીને પાટીલના બંગલે મળવા ગયા, પાટીલનો AAP પર પ્રહાર- ‘ગુજરાતમાં ત્રીજી પાર્ટી માટે કોઈ જગ્યા નથી’

ગાંધીનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર પાલિકામાં ભવ્ય જીત મળતાં કમલમ ખાતે ઉજવણી કરાઈ. - Divya Bhaskar
ગાંધીનગર પાલિકામાં ભવ્ય જીત મળતાં કમલમ ખાતે ઉજવણી કરાઈ.

ગાંધીનગર ઉપરાંત રાજ્યની અન્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં યોજાયેલી સામાન્ય અને પેટાચૂંટણીઓમાં ભાજપની મોટી જીત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સામે ચાલીને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને મળવા ગયા. આવા સમયે પ્રદેશ પ્રમુખને મળવા મુખ્યમંત્રી જાય તેવો ઊલ્ટો શિરસ્તો પ્રથમવાર જોવા મળ્યો. સંકેત સાફ છે, ગુજરાત ભાજપની રાજનીતિમાં અને ચૂંટણીમાં પાટીલ જ સર્વેસર્વા છે. અહીંથી પાટીલ અને પટેલ મુખ્યમંત્રીના સત્તાવાર વાહનમાં સાથે સવાર થઇ કમલમ્ પહોંચ્યા હતા.

આ વાતનું સમર્થન મુખ્યમંત્રીએ ભાજપ પ્રદેશ કાર્યલય કમલમ્ પર પોતાના સંબોધનમાં કર્યું. પટેલે કહ્યું કે, ગાંધીનગરની 44 બેઠકોમાંથી 41 બેઠકો ભાજપને મળી તો ય અમારા મુરબ્બી સી.આર.પાટીલે મને પૂછ્યું કે ત્રણ ઓછી કેમ આવી? એટલે હું સમજી ગયો કે હવે વિધાનસભાની 182 બેઠક જીતવાના લક્ષ્યાંક પ્રમાણે ચાલવાનું છે.

આ તરફ સી.આર.પાટીલે ગાંધીનગર સહિતની ચૂંટણીઓમાં જીતનો સાચો શ્રેય ભાજપના કાર્યકર્તાઓને આપ્યો અને કહ્યું કે કોરોનાકાળમાં તેમણે લોકો સાથેનો સંપર્ક જાળવી રાખ્યો અને પક્ષ માટે કામ કર્યું તેના કારણે આ વિજય મળ્યો. આમ આદમી પાર્ટી પર પાટીલે નામોલ્લેખ કર્યાં સિવાય કહ્યું કે ગુજરાતમાં ત્રીજા પક્ષ માટે કોઇ જગ્યા નથી.

તેમણે કહ્યું કે જે લોકો આ ચૂંટણી પહેલા ખૂબ ગાજ્યા પણ વરસ્યા નહીં તેમને મારે એટલું કહેવાનું કે, ગુજરાત આવવાની ટિકિટ કઢાવી હોય તો તે હવે રદ કરાવી દે. પાટીલે આ જીત માટે મતદાતાનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, તેમણે જે વિશ્વાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી તથા વિસ્તારના સાંસદ અમિત શાહના સેવાકાર્યમાં દર્શાવ્યો તેને કારણે આ ઐતિહાસિક જીત થઇ છે.