કવાયત:ટેન્ડર બાદ હવે સીમાંકન મુદ્દે ભાજપના બે જૂથ વચ્ચે ઉકળતા ચરુ જેવી સ્થિતિ

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મહાનગરપાલિકા વોર્ડના સીમાંકનની કવાયત પૂરજોશમાં
  • મનપામાં નવા વિસ્તારના સમાવેશ બાદ 11 વોર્ડ બનાવાશે

મહાનગરપાલિકા હદ વિસ્તરણ બાદ હવે વોર્ડના સીમાંકનની કવાયત પૂરજોશમાં છે. આગામી ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોની જીત થાય તે રીતે વોર્ડના વિસ્તારો નિર્ધારિત કરવાના પ્રયાસો સામે પક્ષમાં જ અસંતોષ જોવા મળ્યો છે. ગાંધીનગર કોર્પોરેશનમાં પેથાપુર નગરપાલિકા ઉપરાંત 18 ગામનો સમાવેશ કરાયો છે. જેના કારણે ગાંધીનગરના વિસ્તાર અને વસતીમાં નોંધપાત્ર વધારો થયો છે. હાલ ગાંધીનગર મનપામાં 8 વોર્ડ છે અને નવા વિસ્તારના સમાવેશ બાદ 11 વોર્ડ બનાવાશે.

ભાજપના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભાજપમાં અને સંગઠનમાં વર્ચસ્વ ધરાવતા જૂથે અધિકારીઓની મદદથી નવા વોર્ડ વિસ્તારોના સીમાંકનનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. આ જૂથે મહાનગર સંગઠનના અગ્રણીઓ, કાઉન્સિલરો કે તાલુકા સભ્યોને વિશ્વાસમાં લીધા વગર ડ્રાફ્ટ તૈયાર કર્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. બીજી બાજુ વગદાર જૂથે ઉચ્ચ સ્તરે એવો દાવો કર્યો હોવાનું કહેવાય છે કે તમામ જૂથને વિશ્વાસમાં લઈ ડ્રાફ્ટ તૈયાર થયો છે. આમ પરસ્પર વિરોધાભાસી દાવાઓના કારણે ભાજપમાં વિવાદ ઊભો થયો છે. હાલ ચાલી રહેલા વિવાદમાં મહાનગર પ્રમુખ કેન્દ્ર સ્થાને છે. મળેલી માહિતી પ્રમાણે સે-21 કમલમમાં તાલુકા અને જિલ્લાના નેતાઓ સાથે આ મામલે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

તાજેતરમાં ભાજપના સિનિયર કાઉન્સિલરે પણ મહાનગર પ્રમુખને ફોન કરી પોતાનો રોષ ઠાલવ્યો હોવાનું કહેવાય છે. મળેલી માહિતી મુજબ સીમાંકનનો ડ્રાફ્ટ આખરી તબક્કામાં આવ્યો છે ત્યારે ભાજપના બે જૂથોએ તેમાં ફેરફાર કરવા માટે સંગઠન અને સરકારમાં ઉચ્ચ સ્તરે રજૂઆતો કરી છે. ગાંધીનગર મ્યુનિ.માં સ્પષ્ટ બહુમતીથી સત્તા મેળવવામાં ભાજપ હંમેશા નિષ્ફળ રહ્યું છે ત્યારે સીમાંકનના મામલે સળગતો વિવાદ આગામી સમયમાં ભાજપમાં જૂથબંધી વકરાવે તેવી પ્રબળ શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...