પાંચ દિવસ પછી દીપડો શાહપુરથી લવારપુર જવાના માર્ગ ઉપર ગત રવિવારની રાત્રે ફરતો હોવાનું પેટ્રોલપંપના સીસીટીવીમાં જોવા મળ્યો હોવાની અફવા શરૂ થઇ હતી. ઉપરાંત સીસીટીવીના વીડિયો પણ વાયરલ થતા વન વિભાગે સમગ્ર વિસ્તારમાં શોધખોળ આદરી હતી. પરંતુ દીપડોના પગલાં સહિતની કોઇ જ સગડ મળ્યા ન હતા.
ગત બુધવારના રોજ નગરના સેક્ટર-20માં દીપડો જોયો હોવાની અફવાને પગલે વન વિભાગે સમગ્ર વિસ્તારમાં છ કલાક સુધી શોધખોળ કરી હતી. ત્યારે સોમવારે શાહપુરથી લવારપુર જવાના માર્ગ ઉપરના પેટ્રોલપંપના સીસી કેમેરામાં રાત્રી દરમિયાન દીપડો ફરતો હોવાની જાણ વન વિભાગને કરી હતી. આથી વન વિભાગની ટીમ સવારે નવ કલાકથી બપોરે બે કલાક સુધી પેટ્રોલપંપની આસપાસના ચારેક કિલોમીટરના વિસ્તારમાં સઘન સર્ચ કરાયું હતું. પરંતુ દિપડો કે તેના પગલાં સહિતના કોઇ જ નિશાન મળ્યા નહી.
જોકે વન વિભાગના કર્મચારીઓની દીપડાની શોધખોળને પગલે આસપાસના વિસ્તારના લોકોમાં દીપડાની દહેશતને પગલે ચર્ચાએ જોર પકડ્યું હતું. જોકે વન વિભાગની ટીમે સમગ્ર વિસ્તારમાં તપાસ કરવા છતાં દીપડાના પગલાં સહિતના કોઇ જ નિશાન મળ્યા નથી. દીપડાને પકડવા તેમજ તેની હિલચાલને જોવા માટે વન વિભાગે સાબરમતી નદીના બંને કાંઠા વિસ્તારોમાં નાઇટ વિઝન અને સેન્સરવાળા આઠ કેમેરા ફીટ કરાયા છે. ઉપરાંત મારણ સાથે ત્રણ પાંજરા મુકવામાં આવ્યા છે. તેમ છતાં દીપડાના કોઇ જ સગડ મળ્યા નથી.
પેટ્રોલપંપમાં ચોર આવ્યાની શંકાએ સીસીટીવીના ફૂટેજ ચેક કરાયા હતા
શાહપુરથી લવારપુર જવાના રોડ ઉપર આવેલા પેટ્રોલપંપ ઉપર રાત્રે ચોર આવ્યા હોવાની વાત મળી હતી. આથી પેટ્રોલપંપના માલિક દ્વારા પંપની આસપાસ લગાવેલા સીસી કેમેરાના ફુટેજને ચેક કરવામાં આવ્યા હતા. જેમાં દીપડો જોવા મળ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.