લાભાર્થી વધ્યા:કોરોના મહામારી બાદ ગાંધીનગર જિલ્લામાં રેશનિંગનાં નિઃશુલ્ક અનાજ માટે 22 હજાર લાભાર્થી વધ્યા

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દર મહિને 1.66 લાખ કાર્ડ ધારકોને મફત અનાજનું વિતરણ કરાય છે

કોરોનાની વૈશ્વિક મહામારીનાં કારણે લોકોની સ્થિતિ કફોડી બની ગઈ છે. ત્યારે કેન્દ્ર સરકારની યોજના અન્વયે ગાંધીનગર જિલ્લામાં નિઃશુલ્ક રેશનિંગનું અનાજ લેનાર 22 હજાર કાર્ડ ધારકોનો ઉમેરો થયો છે. અત્યારે જિલ્લામાં દર મહિને 1.66 લાખ કાર્ડ ધારકોને નિઃશુલ્ક અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

કોરોનાની મહામારીના કારણે અનેક લોકોની જન જીવન પર માઠી અસર પહોંચી છે. દેશભરમાં નોકરી ધંધા ઠપ્પ થઈ જવાના કારણે લોકો માટે ઘર ચલાવવાનું મુશ્કેલ બની ગયું છે. જેમાં ગાંધીનગર જિલ્લો પણ બાકાત રહ્યો નથી. નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ તેમજ રાજય સરકારની અન્ય યોજના અન્વયે ગાંધીનગર જિલ્લામાં અગાઉ 1.43 લાખ કાર્ડ ધારકો રેશનિંગનાં નિઃશુલ્ક અનાજનો લાભ મેળવતા હતા. એમાંય ગ્રામ્ય વિસ્તારોમાં લોકોની આર્થિક સ્થિતિ પર સૌથી વધુ અસર પડી છે.

જેનાં કારણે જિલ્લામાં 22 હજાર પરિવારો નો રેશનિંગ નું અનાજ લેવા માટે વધ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ખાંડ, તેલ, દાળ અને ચણા પણ આપવામાં આવે છે. ત્યારે કોરોના કાળ પછી ગાંધીનગર જિલ્લામાં મફત અનાજ લેતા પરિવારોની સંખ્યા વધી છે.

ગાંધીનગર જિલ્લામાં અગાઉ 1.43 લાખ જેટલા કાર્ડ ધારકો દર મહિને મફતમાં અનાજ લેવાના લાભાર્થી તરીકે નોંધાયેલા હતા. કોરોનાના કપરાકાળ બાદ આ સંખ્યામાં 22 હજારનો વધારો થયો છે અને જિલ્લામાં અનાજના લાભાર્થીઓની સંખ્યા વધીને 1.66 લાખ સુધી પહોંચી ગઇ છે.

ગાંધીનગર જિલ્લાના પુરવઠા વિભાગ દ્વારા આ તમામ લાભાર્થીઓને દર મહિને કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજના અંતર્ગત લાભાર્થી પરિવારોને સમયસર પુરતા પ્રમાણમાં અનાજ મળી રહે છે કે નહીં તે સુનિશ્ચિત કરવામાં આવે છે.કોરોનાની સીધી અસર પરિવારોના બજેટ ઉપર પડી છે આવી સ્થિતિમાં ગ્રામ્યવિસ્તારમાં ગરીબ તથા સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા કુંટુંબો સરકારી યોજનાનો લાભ લઇ રહ્યા છે.

પરંતુ શહેરી વિસ્તારમાં કે જ્યાં સામાન્ય પરિવારની આર્થિક સ્થિતિ કફોડી હોવા છતા સમાજના ડરે આ યોજનાનો લાભ લેતા નથી. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા આ નેશનલ ફુડ સીક્યોરીટી એક્ટ હેઠળ લાભાર્થીઓની સંખ્યા વધે તે માટે વિવિધ નિયમોમાં પણ ફેરફાર કરીને તેને વધુ સરળ બનાવવામાં આવ્યા છે. જેથી વધુ લોકો આ એક્ડ હેઠળ નિઃશુલ્ક અનાજ મેળવી શકે. અન્યોદય યોજના અંતર્ગત પણ ગરીબ પરિવારોને અનાજ આપવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...