તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓનલાઇન પ્રેમ ભારે પડ્યો:મુંબઇની યુવતીને લગ્નના વચન આપી સાણંદના યુવકે સંબંધો બાંધ્યા અને લગ્નની ના પાડી, યુવતી કલાકો કાલુપુર રેલવે સ્ટેશને બેસી રહી

ગાંધીનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાણંદનાં પ્રેમીએ ફોન બંધ કરીને યુવતીનો તિરસ્કાર કરી દીધો હોવાનો લાલ બત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો
  • ઓનલાઈન લગ્નની વેબસાઈટ મારફતે યુવતી સહિતના પરિવારજનો સાથે વિશ્વાસઘાત થયો

સાદી ડોટ કોમનાં માધ્યમથી સંપર્કમાં આવ્યા બાદ ગાઢ પ્રેમમાં અંધ બની સર્વસ્વ લૂંટાવી દેનાર પ્રેમિકા મુંબઈથી મળવા માટે કાલુપુર રેલવે સ્ટેશન આવીને કલાકો સુધી કાગડોળે રાહ જોતી રહી હતી. પણ સાણંદનાં પ્રેમીએ ફોન બંધ કરીને તેનો તિરસ્કાર કરી દીધો હોવાનો લાલ બત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ત્યારે ઓનલાઈન લગ્નની વેબસાઈટ મારફતે પણ યુવતી સહિતના પરિવારજનો સાથે વિશ્વાસઘાત થતો હોવાની આ ઘટનાથી લગ્નવાંછુક યુવતીઓએ ચેતી જવાની જરૂર છે.

લગ્નના પડાવમાં પહોંચતા પરિવારે યોગ્ય મુરતિયાંની શોધખોળ શરૂ કરી
સ્વપ્નની નગરી મુંબઈમાં સુખી સંપન્ન પરિવારમાં રહેતી 32 વર્ષીય રૂબીના ત્યાંની ખાનગી કંપનીમાં નોકરી કરે છે. સુખી સંપન્ન પરિવાર એમાંય વળી મુંબઈનાં હાઈફાય કલ્ચરનાં કારણે રૂબીનાને પહેલાથી જ ઘરમાંથી સ્વતંત્રતા મળી ગઈ હતી. અભ્યાસ બાદ ખાનગી કંપનીમાં નોકરી કરતી રૂબીના લગ્નના પડાવમાં પહોંચતા પરિવારે યોગ્ય મુરતિયાંની શોધખોળ શરૂ કરી હતી.

રૂબીનાનાં માતા પિતા કોઈ જબરજસ્તી કરવા માંગતા ન હતા સમાજના અનેક યુવકો જોયા પછી પણ રૂબિનાને પોતાની ઈચ્છા મુજબનો મુરતિયો પસંદ આવતો ન હતો. એક રીતે જોઈએ તો રૂઢિ ચુસ્ત રિવાજો વચ્ચે ઉછરેલી રૂબીનાનાં માતા પિતા કોઈ જબરજસ્તી કરવા માંગતા ન હતા. જેથી તેને પોતાની પસંદગીના મુરતિયો શોધવાની માતા પિતાએ સંમતિ આપી દીધી હતી. જેનાં પગલે રુબીના પણ માતા પિતાને પણ પસંદ આવે તેવા યોગ્ય મુરતિયા સાથે જ લગ્ન કરવા માંગતી હતી.

લગ્ન મેરેજ વેબસાઈટ સાદી ડોટ કોમ પર પ્રોફાઇલ રજીસ્ટર કરી
મુંબઈનાં રંગે રંગાયેલી રૂબીનાએ આજથી આઠ મહિના અગાઉ લગ્ન મેરેજ વેબસાઈટ સાદી ડોટ કોમ પર પોતાની પ્રોફાઇલ રજીસ્ટર કરી દીધી હતી. એક પછી એક યુવકોની પ્રોફાઇલ જોયાં પછી રુબીનાનાં આઈડી પર ગુજરાત અમદાવાદ સાણંદનાં મિહિર દ્વારા રીકવેસ્ટ મોકલી આપવામાં આવી હતી. જેણે પોતાની પ્રોફાઈલમાં આર્મી મેન હોવાનો ઉલ્લેખ કર્યો હતો. શરૂઆતમાં રૂબીનાએ તે દિશામાં કોઈ ધ્યાન આપ્યું ન હતું. પણ રોજેરોજની રીકવેસ્ટ પછી તેણે મિહિર સાથે વાર્તાલાપ શરૂ કર્યો હતો. જે અંગે તેણે તેના પરિવારને પણ જાણ કરી દીધી હતી. મિહિર આર્મીમેન હોવાનું જાણી પરિવાર દ્વારા પણ રૂબીનાને મૂક સંમતિ આપી દેવામાં આવી હતી.

દર વખતે લગ્ન કરવાનો વિશ્વાસ અપાવી મિહિર તેની સાથે સંબંધ બાંધતો હતો
કલાકો સુધીની ટેલીફોનીક અને ઓનલાઇન વીડિયો કોલિંગની વાતો પ્રેમમાં પરિવર્તિત થઈ ગઈ હતી. કોરોના કાળ ચાલતો હોવાથી મિહિર ફરજનાં ભાગરૂપે મુંબઈ આવી શકતો ન હોવાનું બહાનું કાઢતો હતો. જેનાં પરિણામે રુબીના પરિવારની સંમતિ લઈને તેને મળવા ત્રણ વખત મુંબઈથી અમદાવાદ આવી હતી. દર વખતે મિહિર તેને લગ્ન કરવાનો વિશ્વાસ અપાવી તેની સાથે સંબંધ બાંધતો હતો. બીજી તરફ રૂબીના પણ તેના આંધળા પ્રેમમાં પાગલ થઈને પોતાનું સર્વસ્વ મિહિરને સમર્પિત કરી દેતી હતી.

લગ્નની ફાઇનલ વાત કરવા મુંબઈથી આવી
રુબીના સાણંદનું ઘર તેમજ ભાવિ સાસરિયાને મળવાની ઈચ્છા વ્યક્ત કરતી ત્યારે મિહિર કોઈને કોઈ બહાનું કાઢીને ટાળી દેતો હતો. આમ ને આમ સમય વીતી રહ્યો હોવાથી અને કોરોના મહામારી પણ ઓછી થઈ જવાથી રૂબીનાને તેના માતા પિતાએ લગ્ન કરી લેવાની વાત કરી હતી. જેથી તેણે મિહિર સઘળી હકિકત વર્ણવી હતી. તો મિહિરે પરિવારજનો માનતા ન હોવાની વાત કરી થોડા સમય પછી લગ્ન કરવાની વાત મૂકી હતી. ત્યારે પોતાનું સર્વસ્વ મિહિરને આપી દેનાર રુબીના લગ્નની ફાઇનલ વાત કરવા અવારનવારની જેમ ગઈકાલે મુંબઈથી અમદાવાદ રેલવે સ્ટેશન આવી પહોંચી હતી.

બાકડે બેઠેલી રૂબીનાની આંખો મુસાફરોની ભીડ વચ્ચે મિહિરને કલાકો સુધી શોધતી રહી
કાલુપુર રેલવે સ્ટેશન નક્કી થયા મુજબની જગ્યા પર રુબીના આવીને મિહિરની રાહ જોવા લાગી ઘણા ફોન પણ કર્યા હતા. પરંતુ મિહિરનો ફોન સતત બંધ આવી રહ્યો હતો. એક બાકડે બેસીને આવતા મુસાફરોની ભીડ વચ્ચે તેની આંખો મિહિરને શોધવા લાગી હતી. પણ કલાકોની કાગડોળે રાહ તેમજ સતત ફોન લગાવ્યા છતાં મિહિર નહીં આવતાં આખરે રૂબીના આકુળ વ્યાકુળ થઈ ગઈ હતી.

181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમની આત્મીય ભરી હુંફથી રૂબીના સ્વસ્થ થઈ
કંટાળીને રૂબીનાએ 181 અભયમ મહિલા હેલ્પલાઈનને ફોન કરીને મદદ માંગી હતી. જેનાં પગલે અભયમની ટીમ તુરંત રેલવે સ્ટેશન પહોંચી ગઈ હતી. જ્યાં લાચાર સ્થિતિમાં બેઠેલી રૂબીનાને જોઈ અભયમની ટીમ તેની માનસિક સ્થિતિ પારખી ગઈ હતી. બાદમાં આત્મીયતા ભરી હુંફ મળતા રૂબીનાએ ઉપરોક્ત સઘળી હકીકત વર્ણવી હતી. જેથી મહિલા હેલ્પલાઈનની ટીમે પણ મિહિરનો સંપર્ક કરવાની શરૂઆત કરી હતી. પણ તેનો ફોન બંધ જ આવતો હતો.

સંજોગો પારખીને 181 અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા તેનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. જેને ઓનલાઇન માધ્યમથી યુવતી સાથે લગ્નનાં બહાને છેતરપિંડી કરવામાં આવતી હોવા અંગે માહિતી પૂરી પાડી હાલમાં તેને નારી ગૃહમાં રાખી છે. તેના પરિવારજનોને બોલાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. (બન્ને નામ કાલ્પનિક છે)

અન્ય સમાચારો પણ છે...