તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મર્ડર કેસમાં ખુલાસો:ગાંધીનગરમાં પત્નીની હત્યા કર્યા બાદ પતિએ કેનાલમાં છલાંગ લગાવી, મોતનો ડર લાગતા પાણીમાંથી બહાર નીકળી ઘરે જતો રહ્યો હતો

ગાંધીનગર4 દિવસ પહેલા
 • કૉપી લિંક
મૃતક પત્ની અને હત્યારા પતિની ફાઈલ તસવીર - Divya Bhaskar
મૃતક પત્ની અને હત્યારા પતિની ફાઈલ તસવીર
 • પત્નીની ખુલ્લે આમ હત્યાં કરી આરોપી પતિએ કેનાલમાં ઝંપલાવ્યું પણ ડર લાગતાં બહાર નીકળ્યો
 • કેનાલથી બહાર નીકળી આરોપી પોતાના ઘરે પહોંચતાં પોલીસે પકડી લીધો

ગાંધીનગરના સેકટર-26માં ગઈકાલે ખેલાયેલા પ્રેમ પ્રકરણના લોહીયાળ જંગમાં 21 વર્ષીય પત્નીની કરપીણ હત્યા કર્યા બાદ પતિએ પણ કોબા નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, કેનાલમાં પડ્યા બાદ મરવાની બીક લાગતાં પતિ પાણીમાંથી બહાર નીકળી જઈ પોતાના ઘરે પહોંચી ગયો હતો જ્યાં પહેલેથી પહોંચી ગયેલી પોલીસની ટીમે તેને દબોચી લઇ ગાંધીનગર સેક્ટર-21 પોલીસ મથકે લઈ આવી હતી. જેની પૂછતાંછનાં અંતે તેની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

ગાંધીનગરના સેકટર-26માં આવેલા મુખવાસ મોલ નજીકના પાર્કિંગમાં ગઈકાલે પ્રેમ લગ્નનાં ભંગાણને અટકાવવા આવેલાં પતિએ 21 વર્ષીય પત્નીને છરીના 12 ઘા ઝીંકી કરપીણ હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી હતી. આ અંગે સેકટર-21 પોલીસે ઘટના સ્થળે દોડી જઈ તપાસનો દોર શરૂ કરી દીધો હતો.

નરોડાના યોગેશ ભગવાનદાસ પાટીલ (રહે- A-1/201, સ્વામીનારાયણ પાર્ક સોસા.) પત્ની દિવ્યાની હત્યા કરીને બાઈક લઈને ભાગ્યો હતો. તેણે માતાને ફોન કરીને દિવ્યાની હત્યા કરી હોવાનું તથા પોતે પણ આપઘાત કરતો હોવાનું કહીં ફોન કાપી નાખ્યો હતો. આરોપીના ફોનથી ઘરે તેના માતા-પિતા ચિંતિત થઈ ગયા હતા. જેઓએ વારંવાર ફોન કરવા છતાં યોગેશે ફોન ઉપાડ્યા ન હતા. આ તરફ યોગેશ કોબા નર્મદા કેનાલ પહોંચ્યો હતો. બાઈક અને ફોન કેનાલની પાસે મુકીને તે કૂદી ગયો હતો. આપઘાત અશક્ય લાગતા કેનાલની કિનારી પાસે જ રહેલો યોગેશ જેમતેમ કરીને બહાર આવી ગયો હતો.

કેનાલમાંથી બહાર આવીને તેને સતત ફોન કરતાં પિતાને ફોન કર્યો હતો. જેમાં પિતાએ માતા પણ ઘરના બીજા માળેથી આપઘાત કરી લેવાની તૈયારીઓ કરતી હોવાનું કહેતા યોગેશ ઘરે દોડ્યો હતો. આ તરફ હત્યા કરીને ફરાર થયેલા આરોપીને ઝડપી લેવા ગાંધીનગર પોલીસની ટીમો સક્રિય હતી. જેમાંથી એક ટીમ યોગેશના ઘર પાસે વોચમાં ગોઠવાઈ હતી. જેમાં યોગેશ માતાને મળવા ઘરે પહોંચ્યો ત્યારે પોલીસે તેને ઝડપી લીધો હતો.

જિલ્લા પોલીસ વડાએ નિર્મમ હત્યાના પગલે અલગ અલગ ટીમો બનાવી દીધી હતી
પાટનગર ગાંધીનગરમાં ધોળે દહાડે યુવતીની નિર્મમ હત્યા થતા ગાંધીનગર જિલ્લા પોલીસવડા મયુર ચાવડાએ દ્વારા હત્યારા પતિને શોધી કાઢવા માટે લોકલ ક્રાઈમ બ્રાંચની બે ટીમ, સેકટર-21 પોલીસની ટીમ તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને સક્રિય કરી દેવામાં આવી હતી. આ ટીમો પૈકી એક ટીમ મોબાઇલ સર્વેલન્સના કામે લાગી હતી જ્યારે એક ટીમ હત્યારા પતિના ફોટાના આધારે ચારે દિશામાં તો એક ટીમ તેના અમદાવાદના ઘરે તપાસમાં લાગી ગઈ હતી.

પત્નીની હત્યા કર્યા બાદ પતિએ તેની માતાને ફોન કર્યો
મુખવાસ મોલ પાસેનાં પાર્કિંગ પત્ની દિવ્યાની કરપીણ હત્યા કર્યા પછી પતિ યોગેશ પાટીલ બાઈક લઇને ત્યાંથી નીકળી ગયો હતો અને થોડેક દૂર જઈ તેની માતાને ફોન કર્યો હતો. જેણે પોતાની માતાને કહેલું કે તેણે પોતાની દિવ્યાને છરીના ઘા મારી દીધા છે જેથી હવે હું પણ જીવવા માગતો નથી. હવે હું પણ કેનાલમાં પડીને મારવા જઈ રહ્યો છું. આટલું કહી તેણે ફોન કાપી નાખ્યો હતો. જેથી તેની માતાએ તેના પિતાને ફોન કરીને સઘળી હકીકત વર્ણવી હતી. આ સાંભળી તેના પિતા પણ ચિંતા આવી ગયેલા અને યોગેશને વારંવાર ફોન કર્યા કરતા હતા પણ તે ફોન ઉઠાવતો ન હતો

કોબા નર્મદા કેનાલમાં જઈને યોગેશએ કૂદકો માર્યો
​​​​​​​
પોતાની પ્રેમિકાની હત્યા કર્યા પછી માતાને ફોન કરીને યોગેશ સીધો બાઈક લઈને કોબા નર્મદા કેનાલ પહોંચી ગયો હતો અને બાઈક અને મોબાઈલ કેનાલથી થોડેક દૂર મૂકીને અંદર પડતું પણ મૂક્યું હતું. તે દરમિયાન ત્યાંથી પસાર થતા રાહદારીએ યોગેશને કેનાલમાં પડતો જોઈ તેને બૂમો પાડીને બહાર નીકળી જવા કહ્યું હતું. જેથી યોગેશ જેમ તેમ કરીને કેનાલની કિનારીએ આવી ગયો હતો અને કેનાલના ધસમસતા પ્રવાહને જોઈ મોતથી ડરી ગયો હતો અને તુરંત કેનાલની બહાર નીકળી ગયો હતો.

સતત ફોન કરનાર પિતાએ માતા પણ બીજા માળેથી પડતું મુકી રહ્યાનું કહેતા યોગેશ ઘરે દોડ્યો
​​​​​​​
પોતાના પુત્ર યોગેશની આપઘાતની વાત સાંભળીને અમદાવાદનાં નરોડા સ્વામિનારાયણ પાર્કમાં રહેતી તેની માતા પણ પુત્રના વિયોગમાં ઘરના બીજા માળેથી આપઘાત કરી લેવાની તૈયારીઓ કરી રહી હતી. જેથી પિતા ભગવાનદાસ પાટીલ તેમના પુત્ર યોગેશ ને સતત ફોન કર્યા કરતા હતા. પણ યોગેશ ફોન ઉપાડતો ન હતો. જોકે, પોતાના મોતથી ડરી ગયેલો યોગેશ કેનાલમાંથી બહાર નીકળી ગયેલો એ વખતે તેના પિતાએ માતા આપઘાત કરી રહી હોવાનું કહ્યું હતું. આ સાંભળીને યોગેશ પાણી નીતરતી હાલતમાં ઘરે દોડી ગયો હતો.

યોગેશ માટે પેહલાથી તેના ઘરે પોલીસે વોચ રાખી હતી
હત્યારો યોગેશ પોતાના અને માતાના મોતના ડરનો માર્યો ઘરે બાઈક લઈને પહોંચ્યો હતો. જેનાં કપડાં કેનાલમાં પડવાથી પલળી ગયા હતા. તે વખતે જે પોલીસની ટીમ તેના ઘરે ત્રાટકી હતી અને તેને ગાંધીનગર સેકટર-21 પોલીસ મથકએ લઈ આવી હતી.

પુત્રીના મોતથી નિરાધાર બનેલી માતાને ઈન્સ્પેક્ટર ભરવાડે આર્થિક મદદ કરી
સેકટર-26 મુખવાસ મોલ તપાસ અર્થે દોડી ગયેલા સેક્ટર-21 પોલીસ ઈન્સ્પેક્ટર મનોજ ભરવાડે દિવ્યાની માતા સાથે વાતચીત શરૂ કરી હતી. તે દરમિયાન ચોધાર આંસુએ રડતી દિવ્યાની માતાએ કહેલું કે ઘરમાં પતિ પણ નથી. સાસરી સાથે બહુ સંબધ રહ્યો નથી. હું મારી મોટી દીકરી દિવ્યા તેમજ ધોરણ-10માં ભણતી નાની દીકરી જ રહીએ છીએ. ઘરમાં કોઈ મોટું કમાનાર હવે રહ્યું નથી. આવી નાની નાની વાતો સાંભળીને ઇન્સ્પેકટર મનોજ ભરવાડનું પણ કાળજું કંપી ગયું હતું. તેમણે પળભર નો વિચાર કર્યા વિના પોતાના ખિસ્સામાં રહેલા તમામ રૂપિયા મુઠ્ઠી વાળીને દિવ્યાની માતાને આપી દીધા હતા બાદમાં ગુનાની આગળની તપાસ શરૂ કરી હતી.

યોગેશે કેનાલમાં છરી નાખી દેતાં પોલીસની મું​​​​​​​ઝવણ વધી
​​​​​​​
પત્નીની હત્યા કર્યા બાદ કેનાલમાં પડતું મૂકનાર યોગેશ પાટીલે ગુનામાં વાપરેલી છરી પણ કેનાલમાં ફેંકી દીધી હતી અને પોતે મોતના ડરથી કેનાલની બહાર નીકળી ગયો હતો. જેની કોવિડ ગાઈડલાઈન મુજબ તબીબી તપાસ કરાવ્યા બાદ ધરપકડ કરી લેવામાં આવી છે. પરંતુ તેણે ગુનાને અંજામ આપવા ઉપયોગમાં લીધેલી છરી કેનાલમાં ફેંકી દેવાઈ હોવાથી પોલીસ માટે પણ મુંઝવણ ઉભી થઈ ચૂકી છે જેની શોધખોળ માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

આપઘાતની ધમકી આપવા છરી સાથે લાવ્યો હતો
આરોપી યોગેશ પાટીલે પત્નીની હત્યા બાદ છરી કેનાલમાં ફેંકી દીધી હતી. આરોપીની કેફિયત મુજબ તે પત્નીની હત્યા માટે નહીં પરંતુ પોતે આપઘાત કરી લેશે તેવી ધમકી આપવા છરી સાથે લાવ્યો હતો. તેણે રવિવારે દિવ્યાને ઘરે પાછા આવવા સમજાવી હતી, પરંતુ પત્ની ઘરે આવવા તૈયાર ન થતાં બંને વચ્ચે ઝઘડો થતા રોષે ભરાઈને તેણે પાસે રહેલી છરી પહેલાં પત્નીના પેટમાં મારી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો