મજબૂત મનોબળ:વેન્ટિલેટર કામ ન કરતાં ગળામાં કાણું પાડી ઓક્સિજન આપ્યો, ગાંધીનગરની સગર્ભા 25 દિવસમાં કોરોના સામેની જંગ જીતી

ગાંધીનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • CRP 139, ડી-ડાઇમર 3900, લોહી તેમજ પ્લાઝ્મા થેરપી આપ્યા પછી ગળામાં કાણું પાડી 100 ટકા ઓક્સિજન અપાયો
  • ઓક્સિજન લેવલ 88થી બે દિવસમાં 80 પર આવી ગયું હતું

ગાંધીનગરમાં કોરોનાની બીજી ઘાતક લહેરમાં અનેક લોકોએ જીવ ગુમાવવાનો વખત આવ્યો છે. ત્યારે કોરોના સંક્રમિત ગર્ભવતી મહિલાએ સતત 25 દિવસ સુધી જીવનમરણની કોરોના સામેનો જંગ જીતી લઈ માતૃત્વનો ઉત્તમ દાખલો બેસાડ્યો છે. આ જંગમાં ગાંધીનગરની હોસ્પિટલના તબીબો દ્વારા પણ મહત્ત્વનો પડકાર ઝીલી સગર્ભાને તેના ગર્ભ સહિત નવજીવન પ્રાપ્ત કરવા મહત્ત્વની ભૂમિકા અદા કરવામાં આવી હતી.

કોરોનાની મહામારીની બીજી લહેરમાં લોકોએ ઓક્સિજન તેમજ ડરના માર્યા જીવ ગુમાવ્યા છે, ત્યારે ગાંધીનગરની સગર્ભા મહિલાએ કોરોના સામેની હિંમતપૂર્વક લડાઈ લઈ હતી. કહેવાય છે કે પિતા મળી રહેશે પણ જન્મ આપવાવાળી જનેતા ક્યારેય નહીં મળે. જન્મ આપવાવાળીમાં કોઈપણ કપરી સ્થિતિ વચ્ચે પોતાના સંતાન માટે ભગવાન સામે પણ એક વખત લડાઈ લડી લેતી હોય છે. ત્યારે ગાંધીનગરની સગર્ભા મહિલાએ પોતાના પાંચ માસના ગર્ભને બચાવવા કોરોના રૂપી યમરાજ સાથે બાથ ભીડી જંગ જીતી લીધો છે.

ગાંધીનગરના સેક્ટર-2/એ ખાતે રહેતાં રોશનીબેન પટ્ટણીના પેટમાં પાંચ માસનો ગર્ભ ઊછરી રહ્યો હતો. કોરોનાકાળમાં તમામ પ્રકારની તકેદારી રાખવા છતાં રોશનીબેન ગત તારીખ 25મી એપ્રિલના રોજ કોરોના પોઝિટિવ આવ્યા હતા, જેને કારણે પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. ત્યારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ચાલતા મોતના તાંડવ વચ્ચે પરિવારે શહેરની ખાનગી હોસ્પિટલો તરફ નજર દોડાવી હતી, જેને પગલે રોશનીબેનને હાઈટેક હોસ્પિટલમાં કોરોનાની સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં હતાં.

સગર્ભા રોશનીબેનનું ઓક્સિજન લેવલ 88 હતું

કોરોના સંક્રમિત સગર્ભા રોશનીબેન જ્યારે હાઈટેક પહોંચ્યાં ત્યારે પ્રાથમિક તપાસમાં જ તેમનું ઓક્સિજન લેવલ 88 નોંધાયું હતું. ત્યાં જ તબીબોને ખ્યાલ આવી ગયો હતો કે સ્થિતિ જેવી દેખાય છે તેવી સામાન્ય નથી. એને પગલે ક્ષણની પણ રાહ જોયા વિના તેમને ઓક્સિજન માસ્ક મારફત ઓક્સિજન આપી તાત્કાલિક દાખલ કરવામાં આવ્યાં હતાં.

જરૂરી રિપોર્ટ કરતાં CRP 139, ડી-ડાઇમર સ્કોર 3900 આવતાં કોરોના ગંભીર સ્ટેજ પર હતો

રોશનીબેનને દાખલ કર્યા બાદ જરૂરી રિપોર્ટ કરાવતાં તેમનો CRP 139 અને ડી-ડાઇમર સ્કોર 3900 આવતાં ડોક્ટરોની ટીમ સામે પાંચ માસના ગર્ભને પણ નુકસાન ન થાય એ રીતે સારવાર કરવાનો પડકાર સામે હતો, પણ સામે રોશનીબેન તેમજ તેમના પરિવારને હકીકતથી વાકેફ કરવા પણ જરૂરી હતા. એમાં રોશનીબેને કોરોના સામે લડવા માટે મન મજબૂત કરી લેતાં ડોક્ટરોની ટીમે સારવાર શરૂ કરી હતી.

હોસ્પિટલના તબીબોની ટીમે પરામર્શ કરી સ્ટ્રેટેજી નક્કી કરી

હોસ્પિટલમાં પડકારજનક સગર્ભા દર્દી દાખલ થતાં એમડી મેડિસિન ડો. પાર્થ પટેલ, ક્રિટિકલ કેર ડો. કૃણાલ પટેલ, પલ્મોનોલોજિસ્ટ ડો. કેયૂર પટેલ, ગાયનેક ડો. જતીન પટેલ તેમજ મેડિકલ ઓફિસર દર્શન પ્રજાપતિ, દૃષ્ટિ પટેલ, અને માનસી પંડયાની ટીમ ગહન પરામર્શને અંતે એક સ્ટ્રેટેજી નક્કી કરી, ક્યાં સ્ટેજ પર કઈ ટ્રીટમેન્ટ આપવી, ઓક્સિજન લેવલ તેમજ પાંચ માસના ગર્ભને પણ નુકસાન ના થાય એ રીતે તબીબી સારવાર આપવાનું માળખું ઘડી કાઢવામાં આવ્યું હતું, જેના થકી ઉક્ત ડોક્ટરોની ટીમે પોતપોતાની રીતે નિદાન કરવાની શરૂઆત કરી હતી.

બે દિવસમાં ઓક્સિજન લેવલ સડસડાટ 80 આવી ગયું

એ દરમિયાન બે દિવસ પછી રોશનીબેનનું ઓક્સિજન લેવલ સડસડાટ 80 ઉપર આવી જતાં આઈસીસીયુમાં ઘનિષ્ઠ સારવારનો દોર શરૂ થયો હતો. કોરોનાના જરૂરી ઈન્જેક્શન સહિત રોજેરોજ જરૂરી રિપોર્ટ કરવામાં તેમનું લોહી પણ ઘટી ગયું હતું. ત્યારે કોરોના સંક્રમણ અને એમાંય ગર્ભવતી હોવાથી લોહી ચડાવવાનું જોખમ ઉઠાવ્યા વિના છુટકો ન હતો. આખરે રોશનીબેનને લોહી ચડાવી દઇ સતત મોનિટરિંગ શરૂ કરવામાં આવ્યું હતું.

ન્યુમોનિયાની અસર સાથે પ્લાઝ્મા પણ આપવાની નોબત આવી

સગર્ભા રોશનીબેનને લોહી ચડાવ્યા પછી પ્લાઝ્મા આપવાની પણ તાતી જરૂરિયાત ઊભી થઈ હતી. કોરોનાકાળમાં પ્લાઝ્મા ડોનર મળવો પણ મુશ્કેલભર્યું કામ હતું. ત્યારે તેમના પરિવારજનો ગમે તેમ કરીને પ્લાઝ્મા ડોનર શોધી લાવ્યા હતા અને બાદમાં તેણે પ્લાઝમાની પણ સારવાર આપવામાં આવી હતી. ન્યુમોનિયાની અસર વચ્ચે સૌપ્રથમ લોહી અને પછી પ્લાઝ્મા આપ્યા પછી પણ રોશનીબેનની હાલત વિકટ થતી જતી હતી.

ઓક્સિજન લેવલ સ્ટેબલ નહીં રહેતાં બાયપેપથી ઓક્સિજન સપ્લાઇ શરૂ કર્યો

સગર્ભા રોશનીબેનની પડકારજનક સારવાર દરમિયાન ધીમે ધીમે કોરોના તેમના શરીરને અંદરથી કોરી ખાતો હતો અને તેમના શરીરમાં ચરબી ઇન્ફેક્શનમાં વધારો થઈ રહ્યો હતો. એવામાં રોશનીબેનનું ઓક્સિજન લેવલ સ્ટેબલ નહીં રહેતાં તેમને બાય પેપ પર રાખવાં પડ્યાં હતાં. દરરોજ પંદરેક લિટર ઓક્સિજન આપવા છતાં કોઈ ફરક પડતો ન હતો.

આખરે સગર્ભાને વેન્ટિલેટર અને પછી ગળામાં કાણું પાડી 100 ટકા ઓક્સિજન આપ્યો

ડોક્ટરોની ટીમ દ્વારા સગર્ભા રોશનીબેનને કોરોના સારવારમાં ઉપયોગી બેવાસીઝુમેંબ, રેમડેસિવિર, આલ્બયુમીન ઈન્જેક્શન સહિતની ઘનિષ્ઠ સારવાર આપવા આવતી હતી. ત્યારે સગર્ભનું ઓક્સિજન લેવલ ઘટતું જતું હોવાથી તેમને વેન્ટિલેટર મશીનથી ઓક્સિજન સપ્લાઇ શરૂ કરાયો હતો એમાં પણ રિઝલ્ટ ના મળતાં આખરે રોશનીબેનના ગળામાં કાણું પાડીને પ્લાસ્ટિકની પાઈપ ઉતારી 100 ટકા ઓક્સિજન સપ્લાઇ શરૂ કરવામાં આવ્યો હતો.

સાત દિવસ Tracheostomy Tube પર રહ્યાં પછી આશાનું કિરણ દેખાયું

રાત-દિવસ ડોક્ટરોની ટીમ દ્વારા સગર્ભા રોશનીબેનનું મેડિકલ અપડેટ મેળવવામાં આવતું હતું. મેડિસિન ડૉક્ટર, ક્રિટિકલ કેરની ટીમ તેમજ ગાયનેક ડોક્ટર દ્વારા દરેક સ્થિતિને મેડિકલ રીતે લડી લેવાની સાથોસાથ શરૂઆતથી માઈક્રો પ્લાનિંગ થઈ સારવાર શરૂ કરવામાં આવી હોવાથી અંતે ગળામાં કાણું (Tracheostomy Tube) પાડીને ઓક્સિજન સપ્લાઇ સતત ચાલુ રાખ્યાના સાત દિવસ પછી ધીમે ધીમે આશાનું કિરણ દેખાયું હતું. બાદમાં ટી-પાઈપ મારફત ચાર લિટર ઓક્સિજન આપવાની જરૂર પડતી હતી. આખરે 25 દિવસની કોરોના સામેના જંગમાં ગાંધીનગરની હાઈટેક હોસ્પિટલના તબીબોની ટીમવર્ક થકી હાલમાં સગર્ભા રોશનીબેન એકદમ સ્વસ્થ જીવન પરિવાર સાથે વિતાવી રહ્યાં છે અને તેમનો ગર્ભ પણ સુરક્ષિત છે.

ડોક્ટરોની મહેનત અને પરિવારના સહયોગથી કોરોના સામે લડવાનું મનોબળ પ્રાપ્ત થયું

આ અંગે સગર્ભાના પતિ નિલેશભાઈએ જણાવ્યું હતું કે હું પણ કોરોના પોઝિટિવ હતો અને પછી મારી પત્ની પણ સંક્રમણનો ભોગ બની હતી. ડોક્ટરોની મહેનત અને પરિવારની સતત હૂંફ મારી પત્નીને મજબૂત મનોબળ પૂરું પાડતું હતું. એમાંય વળી પેટમાં રહેલા ગર્ભને કોઈપણ સંજોગોમાં બચાવી લેવા માટેની તેની માતૃત્વ જીદથી કોરોના સામેની લડાઈ જીતવામાં સફળતા હાંસલ થઈ છે.

અન્ય સમાચારો પણ છે...