બોર્ડનો આદેશ:દિવાળી વેકેશન બાદ ધો. 10 અને 12ની પરીક્ષાનાં ફોર્મ ભરવાની કામગીરી શરૂ થશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શાળા અને શિક્ષક રજિસ્ટ્રેશનની કામગીરી કરવા બોર્ડનો આદેશ

ધોરણ-10 અને 12ની બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની કામગીરી ચાલુ માસમાં દિવાળી વેકેશન પછી શરૂ કરાશે. તે પહેલાં તમામ શાળાના સંચાલકોએ શાળાનું રજિસ્ટ્રેશન, શિક્ષકોનું રજિસ્ટ્રેશનની કામગીરી બોર્ડની વેબસાઇટ ઉપર કરવાનો શિક્ષણ બોર્ડના સચિવે આદેશ કર્યો છે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને 12ની માર્ચ-2022ના રોજ લેવાનાર પરીક્ષા આપવા ઇચ્છતા વિદ્યાર્થીઓના આવેદનપત્રો ભરવાની કામગીરી ચાલુ નવેમ્બર માસમાં દિવાળી વેકેશન પછી કરવામાં આવનાર છે.

તે પહેલાં શાળાના સંચાલકોએ શાળાનું રજિસ્ટ્રેશન કરાવાની કામગીરી કરવાની રહેશે. ઉપરાંત શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ પુરતા પ્રમાણમાં વિષયવાર શિક્ષકો છે કે નહી તેનું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. શાળાના સંચાલકોએ શાળા તેમજ શિક્ષકોનું રજિસ્ટ્રેશનની કામગીરી શિક્ષણ બોર્ડની વેબસાઇટ ઉપર ઓનલાઇન કામગીરી આગામી 9મી અને તારીખ 10મી, નવેમ્બરના રોજ કરવાની રહેશે. જોકે તેમાં શિક્ષકોની માહિતી અદ્યતન કરવાની રહેશે. જેમ કે નવા નિમણૂંક થયેલા શિક્ષકોનો ઉમેરો કરવાનો રહેશે. છુટા કરાયેલા, નિવૃત્ત થયેલા તેમજ રાજીનામું આપેલા શિક્ષકોની નોંધણી કરવાની રહેશે.

ઉપરાંત શિક્ષકો હાલમાં શાળામાં કયો વિષય વિદ્યાર્થીઓને ભણાવે છે. માધ્યમિક કે ઉચ્ચત્તર માધ્યમિકમાં, કેટલા વર્ષનો શૈક્ષણિક અનુભવ ધરાવે છે સહિતની નોંધણી કરવાની રહેશે. જોકે જુના શિક્ષકો હોય તો તેના અનુભવની વિગતો પણ સુધારવાની રહેશે. જ્યારે શાળાના રજિસ્ટ્રેશનની કામગીરી ચાલુ હોય તો વોર્ગોના માધ્યમવાર વિદ્યાર્થીઓની સંખ્યા અચુક ભરવાની રહેશે. ઉપરાંત શાળાના નામ અને સરનામાની ખરાઇ કરવાની રહેશે. જો તેમાં કોઇ સુધારો હોય તો સુધારાના ઓર્ડર સાથે બોર્ડની શાળા નિયંત્રણ શાખાનો રૂબરૂ સંપર્ક કરવાનો આદેશ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ ડી.એસ.પટેલે કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...