ગુજરાતીઓને મળશે વર્લ્ડ ક્લાસ બીચ:ધોરડો, સ્ટેચ્યુ ઓફ યુનિટી પછી હવે શિવરાજપુરમાં ટેન્ટ સિટી બનશે, ફરવાના શોખીનો માટે સારા સમાચાર

ગાંધીનગરએક મહિનો પહેલા

ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વિકસાવવા માટે રાજ્ય સરકાર અનેક પ્રયાસો કરી રહી છે. ગુજરાત હવે પ્રવાસનનું હબ બની રહ્યું છે. ત્યારે પ્રવાસીઓની સંખ્યા ગુજરાતમાં વધે તે માટેના આયોજન હવે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. દ્વારકા નજીક આવેલા શિવરાજપુર બીચને વિકસાવવા માટે સરકાર હવે નવું આયોજન કરી રહી છે. ભારત સરકાર દ્વારા વર્લ્ડ બેંક પ્રાયોજિત ઇન્ટીગ્રેટેડ કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્રોજેક્ટ અન્વયે શિવરાજપુર બીચની પસંદગી કરવામાં આવી હતી.

શિવરાજપુર બીચને વર્લ્ડ ક્લાસ બચી બનાવવાનું કામ
ગુજરાતની ભૌગોલિક પરિસ્થિતિ મુજબ 1600 કિલોમીટરનો દરિયાકિનારો ગુજરાત આસપાસ આવેલો છે. ગુજરાત સરકાર દ્વારા પ્રવાસન ક્ષેત્રને વેગ આપવા માટે હવે દરિયાઈ બીચનો વિકાસ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આમ તો, ગુજરાતમાં માંડવી, ડુમ્મસ, સોમનાથ અને ચોરવાડ વિસ્તારમાં આવેલા દરિયા કાંઠે પ્રવાસીઓનો ધસારો જોવા મળે છે. પરંતુ હવે પ્રવાસીઓ માટે સુરક્ષિત માનવામાં આવતાં શિવરાજપુર બીચને વર્લ્ડ ક્લાસ બચી બનાવવાનું કામ તેજ ગતિએ સરકાર આગળ ધપાવી રહી છે.

શિવરાજપુર બીચ ખાતે ટેન્ટ સિટી બનાવાશે
ગુજરાતમાં શિવરાજપુર બીચ એક નવા પ્રવાસન સ્થળ તરીકે ઊપસી રહ્યુ છે. શિવરાજપુર બીચ ખાતે જતાં પ્રવાસીઓ હાલ રહેવા માટેની સુવિધા ભોગવી શકતા નથી ત્યારે ટુરીઝમ વિભાગે શિવરાજપુર બીચનો વિકાસ કરવાની કામગીરી શરૂ કરવાની તૈયારી કરી છે. ટુરીઝમ વિભાગ અહીં ટેન્ટ સિટી બનાવવાની શરૂઆત કરવા જઈ રહ્યું છે. પ્રથમ ચરણની કામગીરી કરવા માટે રૂપિયા 200 કરોડનો ખર્ચ કરવામાં આવશે. તેવી જાણકારી પ્રવાસન વિભાગના વિશ્વસનીય સૂત્રો પાસેથી મળી રહી છે.

પુર્વ રાષ્ટ્રપતિએ સાંસ્કૃતિક મેળાની શરૂઆત કરાવી હતી
પુર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ વર્ષ 2022માં ગુજરાત મુલાકાતે આવ્યા હતા. ત્યારે 10 એપ્રિલ 2022ના રોજ તેઓ શિવરાજપુર બીચ ખાતે મુલાકાત કરવા ગયા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે માધવપુર સાંસ્કૃતિક મેળાનું ઉદ્ઘાટન પણ કરાવ્યું હતું.

ઈવેન્ટ અને લાઈવ દર્શનમાં ગુજરાત પ્રથમ સ્થાને
પ્રવાસન વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ 1 ઓગસ્ટ 2022ના રોજ ગુજરાતના વિવિધ પ્રવાસન સ્થળ પર 9 ઇવેન્ટ અને મહોત્સવ, 4 લાઈવ દર્શન કરાવવામાં આવતા હતા. જે તે સમયે ગુજરાત 15મા ક્રમાંક પર હતું. પરંતુ આજની સ્થિતી મુજબ અને ગુજરાત પ્રવાસન ક્ષેત્રે ગુજરાત ટુરિઝમ વિભાગે જાહેર કરેલી માહિતીને આધારે ગુજરાતમાં 20 તીર્થ સ્થળો પર લાઈવ દર્શનની સુવિધા અને 153 ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હોવાથી સમગ્ર દેશમાં ગુજરાત ટુરિઝમ પ્રથમ નંબરે આવ્યું છે.

ગુજરાતના પ્રવાસન સ્થળો વિષે દેશમાં પ્રચાર
ગુજરાતના પ્રવાસન સ્થળોનો પ્રચાર દેશભરમાં થાય તે પ્રકારનો સૈદ્ધાંતિક નિર્ણય ગત સરકારની કેબિનેટ બેઠકમાં લેવાયો હતો. જેમાં વૈશ્વિક સ્તરે પ્રચલિત એવા દેશના 7 પ્રવાસન અને ધાર્મિક સ્થળ પર ગુજરાત પ્રવાસન વિભાગની બ્યુરો ઓફિસ બનાવવાનું આયોજન કરાયું છે. આ ઓફિસમાં અલગ અલગ બે કચેરી ઊભી કરવામાં આવશે. ઓફિસમાં ગુજરાતના ફરવા લાયક તમામ સ્થળોની માહિતી તથા જાણકારી આપતા મટિરિયલ રાખી લોકોને માહિતગાર કરવામાં આવશે.

રાજ્ય સરકારના ખર્ચે બનશે ટુરિસ્ટ ઈન્ફોર્મેશન સેન્ટર
ટુરિસ્ટ ઈન્ફોર્મેશન સેન્ટર બનાવવા સરકારે જે નિર્ણય કર્યો છે તેમાં સ્ટાફ પણ સરકાર દ્વારા જ નિયુક્ત કરાશે. કરાર આધારિત સ્ટાફ સંભવત: તમામ માહિતી પૂરી પાડશે. ઓફિસ બનાવવા તેમજ સ્ટાફને પગાર આપવા સહિતનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે. રાજ્યમાં અલગ અલગ 28 સ્થળો પર પણ ટુરિસ્ટ ઈન્ફોર્મેશન સેન્ટર બનાવવાનો ગત સરકારમાં નિર્ણય લેવાયો હતો.

G-20માં ગુજરાતની ઐતિહાસિક ધરોહર અને પ્રવાસનના દર્શન
ગુજરાતમાં G-20 સમિટની અલગ અલગ 15 બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે દેશ-વિદેશમાંથી આવનારા તમામ ડેલીગેશનને ગુજરાતના પ્રવાસન સ્થળ અને ઐતિહાસિક ધરોહરની મુલાકાત કરાવવાનું આયોજન રાજ્ય સરકાર કરી રહી છે. આમ, બિઝનેસ ડીલિંગ ની સાથે સાથે ગુજરાત પ્રવાસનની પણ માહિતી અને આનંદ અલગ અલગ ડેલીગેશન લઈ શકે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

15 સ્થળોએ યોજાશે G-20 બેઠક
G-20 બેઠકનું યજમાન પદ ભોગવવાનો વારો આ વખતે ભારતને મળ્યો છે. ત્યારે ગુજરાતમાં આ તમામ બેઠકો યોજવા માટેની તૈયારીઓ પરિપૂર્ણ કરી દેવામાં આવી છે. ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, કચ્છના ધોરડો, સુરત અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અલગ અલગ 15 બેઠક યોજવામાં આવશે.

એક કલાકની ત્રિજ્યામાં આવતા સ્થળોની મુલાકાત
ગુજરાતમાં જ્યાં જ્યાં G-20 સમિટની બેઠક યોજાવાની છે તેની આસપાસ આવેલી અને એક કલાકની અંદર પહોંચી શકાય તેવી ઐતિહાસિક ધરોહર અને પ્રવાસન સ્થળની મુલાકાત કરાવવા માટે પ્રવાસન વિભાગને જવાબદારી સોંપવામાં આવી છે. પ્રવાસન વિભાગે આ અંતર્ગત કેટલાંક સ્થળો પણ નક્કી કરી લીધા છે કે જ્યાં તમામ વિદેશી ડેલીગેશનને લઈ જવામાં આવશે.

G-20 બેઠકમાં ચર્ચા થનારા વિષયો

  • ભારતના G-20 પ્રેસિડન્સી હેઠળ, અમદાવાદમાં U-20 સાયકલનું આયોજન કરાશે
  • C-40 (કલાઇમેટ ચેન્જ) અને યુનાઇટેડ સિટીઝ એન્ડ લોકલ ગવર્મેન્ટ્સ (UCLG)
  • શહેરી મુદ્દાઓ પરના બે આંતરરાષ્ટ્રીય બિન-સરકારી હિમાયત જૂથો સાથે ચર્ચા કરાશે
  • અમદાવાદમાં 9-10 ફેબ્રુઆરી 2023ના રોજ સિટી શેરપાની શરૂઆતની મીટિંગ, વિષયોની ચર્ચાઓ સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન થશે
  • જુલાઇ-2023માં U-20 મેયર્સ સમિટ પણ યોજાશે જેમાં G-20 દેશો ઉપરાંત, C40, UCLG સભ્ય શહેરો અને નિરીક્ષક શહેરોના મેયર અને પ્રતિનિધિઓ આ કાર્યક્રમોમાં ભાગ લેશે અને ચર્ચાઓને સમૃદ્ધ બનાવશે

ડેલીગેશનને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત
વિદેશથી આવનારા ડેલીગેશન માટે અમદાવાદ અને ગાંધીનગર બેઠકમાં ભાગ લેનાર ડેલીગેશનને મોઢેરાનું સૂર્ય મંદિર, અડાલજની વાવ અને ગાંધી કુટિરની મુલાકાત કરાવવામાં આવશે. કચ્છની બેઠકમાં ભાગ લેનાર વિદેશી ડેલીગેશનને કચ્છના સફેદ રણની મુલાકાત કરાવવામાં આવશે. આ ઉપરાંત સુરત અને કેવડિયા ટેન્ટ સિટીની બેઠકમાં ભાગ લેનારને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરાવવામાં આવશે.

કચ્છમાં ટેન્ટ સિટીમાં વિદેશી પ્રવસીઓ રોકાણ કરશે
ગુજરાતના ઐતિહાસિક સ્મારકો જેવા કે અડાલજની વાવ અને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામનાર સૂર્ય મંદિર વિશે ડેલીગેટિનને સંપૂર્ણ માહિતગાર કરવામાં આવશે. વિશ્વનું સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના દર્શન પણ વિદેશી પ્રવાસીઓને કરાવવામાં આવશે. આ ઉપરાંત કેવડિયા ખાતે થયેલા પ્રવાસન વિકાસ વિશે માહિતગાર કરાવવામાં આવશે. કચ્છમાં ટેન્ટ સિટીમાં વિદેશી પ્રવસીઓ રોકાણ કરશે અને કચ્છના સફેદ રણની મજા પણ વિદેશી ડેલીગેશન માણશે.

અન્ય સમાચારો પણ છે...