'રાજસ્થાન કા રાક્ષસ હૂં, તુમ પુલીસવાલો કો ખા જાઉ':ગાંધીનગરમાં નાકાબંધી તોડીને બૂટલેગરે પોલીસ જવાનો ઉપર બાઈક ચઢાવી, એકની આંગળીમાં બચકું ભરી પથ્થરમારો કર્યો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગરના ચંદ્રાલા ગામની સીમ હિંમતનગર હાઇવે રોડ નાકા પોઈન્ટ ઉપર વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાન તરફથી બાઈક ઉપર આવેલા બૂટલેગરે નાકાબંધી તોડીને પોલીસ જવાનો ઉપર બાઈક ચઢાવી દઈ " મૈં રાજસ્થાન કા રાક્ષસ હૂં, તુમ પુલીસવાલો કો ખા જાઉંગા" કહીને એક પોલીસ જવાનની આંગળીએ બચકું ભર્યું હતું. આટલેથી નહીં અટકેલા બૂટલેગરે પોતાને શૈતાન તરીકે ઓળખાવી પથ્થરમારો પણ શરૂ કરી દીધો હતો. જે હુમલામાં અન્ય બે હોમગાર્ડને ઈજાઓ થઈ છે. આ બનાવના પગલે ચીલોડા પોલીસે બૂટલેગરને દબોચી લઈ વૈજ્ઞાનિક ઢબે રાક્ષસનું ભૂત ઉતારી દઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ કર્મીઓ વાહન ચેકિંગમાં હતા
ગાંધીનગરના ચંદ્રાલા ગામની સીમ આગમન હોટલ સામે હિંમતનગર હાઇવે રોડ પર ગઈકાલે રાતના ચીલોડા પોલીસ મથકના હેડ કૉન્સ્ટેબલ હિરેનકુમાર બાબુલાલ, હોમગાર્ડ જવાનો દશરથભાઈ રેવાભાઈ પટેલ, ઈમરાનમિયાં ઝાલૌરી, જીતેન્દ્રકુમાર રામસિંગભાઇ તથા ઈકબાલશાહ મલેક વાહન ચેકિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન હિંમતનગર તરફથી એક મોટરસાઇકલ ચાલક શંકાસ્પદ રીતે પોતાના ખભા ઉપર થેલા ભરાવીને આવી રહ્યો હતો.
હોમગાર્ડ જવાનો ઉપર બાઈક ચઢાવી દીધું
આથી હોમગાર્ડ જવાનોએ બેરીકેડિંગ પાસે ઊભા રહી મોટરસાઇકલના ચાલકને ટોર્ચ લાઈટ તથા લાકડીનો ઇશારો કરી ઊભા રહેવા કહ્યું હતું, પરંતુ તેણે બાઈક ઊભું નહીં રાખી હોમગાર્ડ જવાનો ઉપર બાઈક ચઢાવી દીધું હતું. જેથી હોમગાર્ડ દશરથભાઈ તથા ઇમરાનમિયાં રોડ ઉપર ગોળાઈને નીચે પડી ગયા હતા. જેમની સાથે બાઇક ચાલક પણ નીચે પડ્યો હતો.
બૂટલેગર જોર-જોરથી બૂમો પાડવા લાગ્યો
જેના કારણે તેને માથામાં ઈજાઓ થઈ હતી અને તે થેલા મૂકીને ભાગવા લાગ્યો હતો. એટલે હેડ કૉન્સ્ટેબલ સહિતના જવાનોએ તેને પકડી પાડ્યો હતો. ત્યારે બાઇક ચાલક “મૈં રાજસ્થાન કા રાક્ષસ હું, તુમ પોલીસ વાલો કો ખા જાઉં" તેમ કહી જોર-જોરથી બૂમો પાડવા લાગ્યો હતો. તે વખતે હોમગાર્ડ જીતેન્દ્રકુમાર મોટરસાઇકલ ઊભું કરી રહ્યા હતા. એ દરમિયાન આ ઈસમે અચાનક હેડ કોન્સ્ટેબલનો જમણો હાથ પકડી જમણા હાથની બીજા નંબરની આંગળી તેના મોઢામાં નાંખી બચકું ભર્યું હતું.
પોલીસે બળપ્રયોગ કરીને પકડી લીધો
બાદમાં જોરશોરથી બૂમો પાડી "મૈં શૈતાન હૂં તુમ સબ કો ખા જાઉંગા" કહીને ઝપાઝપી કરી હતી અને પોલીસના હાથમાંથી છટકીને ભાગ્યો હતો. જે બાદ રોડની સાઈડમાં પડેલા પથ્થરો લઈ છૂટા મારવા લાગ્યો હતો. જે હુમલામાં હોમગાર્ડ ઈકબાલશાહ ફકીરને જમણા પગે પથ્થર વાગતાં ઈજા થઈ હતી. આથી પોલીસે બળપ્રયોગ કરીને તેને પકડી લીધો હતો. જેની વૈજ્ઞાનિક ઢબે પૂછતાછ કરતાં તેનું રાક્ષકનું ભૂત ઊતરી ગયું હતું અને પોતાનું નામ વિક્રમસિંહ રતનસિંહ પનવર (રહે. અમરાનગર ગલી નંબર-4 ભગવતી સ્કૂલ પાસે ભાર્ગવ રોડ કુબેરનગર) હોવાનું જણાવ્યું હતું.
અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 24 બોટલો મળી આવી
જેની પાસેના થેલાની તલાશી લેતાં અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 24 બોટલો મળી આવી હતી. જેના પગલે તેની ધરપકડ કરી પોલીસે વિદેશી દારૂનો જથ્થો, મોબાઈલ ફોન તેમજ બાઈક મળીને રૂ. 58 હજાર 770 નો મુદ્દામાલ જપ્ત કરી તેની સારવાર પણ સિવિલમાં કરાવી હતી. જ્યારે હેડ કોન્સ્ટેબલને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જેમને પ્લાસ્ટિક સર્જરી કરાવવાની તજવીજ શરૂ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...