હરાજી રદ:1111 નંબર મેળવવા 11.11 લાખની બોલી બાદ નાણાં ન ભરતાં હરાજી રદ

ગાંધીનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોલી લગાવનાર પાણીમાં બેસી જતા નંબર ફરીથી ઓક્શનમાં મુકાશે
  • ​​​​​​​7 નવેમ્બરે પસંદગીના નંબર માટે ઓનલાઇન હરાજી થઇ હતી

ગાધીનગર આરટીઓ કચેરીમા ગત 7 નવેમ્બરના રોજ પસંદગીના નંબર માટેની ઓનલાઇન હરાજી થઇ હતી. જેમા 20 વાહન માલિકોએ ચોઇસ નંબર માટે એક લાખ કરતા વધારે રકમની બોલી લગાવી હતી. જેમા 1111 નંબર માટે અશ્વિન સુથાર નામના વાહન માલિકે 11.11 લાખની બોલી લગાવી નંબર પોતાનો કર્યો હતો. પરંતુ બોલી લગાવ્યા પછી વાહન માલિક પાણીમાં બેસી ગયો હતો અને નાણાં નહિ ભરતા આખરે નંબરની હરાજી રદ કરવામા આવી હતી.

ગાંધીનગર આરટીઓ કચેરીમા કચેરીમા ગોલ્ડ અને સિલ્વર નંબર માટે ઓનલાઇન હરાજી કરવામા આવે છે. જેમા રાજ્યના છેવાડે રહેતા વાહન માલિકો પણ ગાંધીનગર પાર્સિંગ માટે સ્થાનિક સરનામંુ બતાવીને હરાજીમાં ભાગ લેતા હોય છે. પરિણામે હરાજીમાં પસંદગીના નંબર માટે ઊંચી બોલી બોલાતી હોય છે. ત્યારે ગત 7 નવેમ્બરના રોજ ગાંધીનગર આરટીઓ કચેરીમા નવી બીએસ સિરીઝ માટે ઓનલાઇન હરાજી યોજવામાં આવી હતી. જેમા 609 વાહન માલિકોએ પસંદગીના નંબર મેળવવા માટે ભાગી લઈ બોલી લગાવી હતી.

હરાજીમાં સૌથી ઊંચી બોલી 1111 નંબર માટે બોલાઇ હતી. અશ્વિન સુથાર નામના વાહન માલિકે 11.11 લાખ રૂપિયાની બોલી લગાવી નંબર હરાજી પૂરતો પોતાના નામે કર્યો હતો. વાહન માલિકે નંબર મેળવવા બોલી લગાવી દીધી હતી, પરંતુ નાણાં ભરવામા પાછી પાની કરી હતી અને પાણીમા બેસી ગયો હતો.

11.11 લાખર રૂપિયાની બોલી લગાવ્યા પછી એક સપ્તાહ સુધી હરાજીની રકમ જમા કરાવવાની હોય છે. પરંતુ વાહનચાલક નાણાં ભરી નહિ શકવાને કારણે નંબરની હરાજી રદ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં અગાઉ પણ એકવાર 1 નંબર માટે 25 લાખની બોલી લગાવી હતી અને વાહન માલિક નાણાં ભરપાઇ કરી શક્યો ન હતો. તે સમયે પણ 1 નંબરની હરાજી રદ કરવામા આવી હતી.

અન્ય સમાચારો પણ છે...