ધીમીધારે:ગાંધીનગર જિલ્લામાં ઘણા લાંબા સમયના વિરામ બાદ ઝરમર વરસાદ, રસ્તા ભીંજાયા પણ ધરતી હજી પણ તરસી

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદની શરૂઆત થઈ

ગાંધીનગર જિલ્લામાં ઘણા લાંબા સમયના વિરામ પછી ઝરમર વરસાદે દસ્તક દેતા માર્ગો ભીંજાઈ ગયા છે, પરંતુ હજી પણ વાવણી લાયક વરસાદ નહીં વરસતા ધરતી હજી પણ પૂરતા વરસાદ વિના તરસી રહી છે.

ગાંધીનગર જિલ્લામાં છેલ્લા ઘણા દિવસથી વરસાદે હાથ તાળી આપતા ખેડૂતોમાં સૂકારા નો ભય ફેલાઈ ગયો હતો. ત્યારે વાવણી લાયક વરસાદ નહીં વરસતા ઉભા પાકને નુકશાન થવાની ભીતી સેવાઇ રહી હોવાથી ખેતી વાડી તંત્ર દ્વારા ખેડૂતો માટે એડવાઈઝરી બહાર પાડી કેટલાક સૂચનો પણ કરવામાં આવ્યા હતા.

ગાંધીનગર જિલ્લાના લોકો પણ વરસાદ ની કાગડોળે રાહ જોઈને બેઠા હતા. પરંતુ શ્રાવણ મહિનો શરૂ થઈ ચૂક્યો હોવા છતાં વરસાદ નહીં વરસતા લોકો પણ વરસાદ વરસે એવું ઈચ્છી રહ્યા હતા. ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજયમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવતાં ખેડૂતો તેમજ નાગરિકોમાં વરસાદનાં આગમનનાં ખુશીની લહેર વ્યાપી ગઈ હતી.

હવામાન વિભાગની આગાહી મુજબ ગાંધીનગર જિલ્લામાં પણ વાદળછાયું વાતાવરણ સર્જાયેલું હતું, પરંતુ વરસાદ બે ચાર દિવસથી વરસતો ન હતો. ત્યારે ગાંધીનગર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. જેનાં કારણે માર્ગો વરસાદી પાણી થી ભીંજાઈ ગયા હતા. અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં નાગરિકોએ અસહ્ય ઉકળાટ થી થોડીક રાહત અનુભવી છે.

ગાંધીનગરમાં સવારથી પડી રહેલા વરસાદના કારણે લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. જોકે, ઝરમર વરસાદ ના કારણે હજી પણ ધરતી તરસી રહી ગઈ છે. વાવણી લાયક વરસાદ હજી પણ નહીં વરસતા ખેડૂતો હજી પણ ચિંતાતુર બન્યા છે. પરંતુ ઝરમર વરસાદના કારણે ઊભા પાકને હાલમાં તો આંશિક જીવત દાન મળી ગયાનો પણ અહેસાસ ખેડૂતો કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...