GPSCને બદલે સીધી ભરતી:25 વર્ષમાં 7 સરકાર બદલાયા પછી 15 પ્રોફેસરને પ્રમોશન, રાહ જોઈને એક તો મૃત્યુ પામ્યા હતા

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રાજ્ય સરકારે જરૂરિયાત ઊભી થતાં GPSCને બદલે સીધે સીધી ભરતી કરી નાખી હતી
  • હંગામી અને લાંબાગાળાની બઢતી મેળવવા વર્ષોની લડાઈ લડી

રાજય સરકાર કયારેક નિયમોને છાવરીને ભરતી કરે છે, પણ પાછળથી કર્મચારીઓને પગાર સહિતના લાભ માટે વર્ષો સુધી લડાઈ લડવી પડે છે. આવા જ સરકારી મેડિકલ કોલેજોના 14 અધ્યાપકોને સરકારે 25 વર્ષ પછી પ્રમોશનની જાહેરાત કરી છે. જેમાંથી એક પ્રોફેસર મૃતક છે.

ભરતી કરાયેલા અધ્યાપકોને ટૂંકાગાળાનું એડહોક પ્રમોશન પણ આપી દીધા પછી લાંબા ગાળાના પ્રમોશન આપવામાં ન આવતા મેડિકલ અધ્યાપકોએ તેમના વિવિધ પ્રશ્નોને લઇને આંદોલન કર્યું હતું. જેના પરિણામ સ્વરૂપે હંગામી ધોરણે અપાયેલા પ્રમોશનને લાંબાગાળાના સરકારે પ્રમોશન આપ્યા પણ સ્થિતિ એવી સર્જાઇ છે, મૃત્યુ પામનાર અધ્યાપક સહિતના 15 અધ્યાપકોને 20થી 25 વર્ષ બાદ પ્રમોશન આપવામાં આવ્યું છે.

રાજયની સરકારી મેડિકલ કોલેજોના વિવિધ શાખાના મદદનીશ પ્રાધ્યાપક,સહપ્રાધ્યાપક સહિતના પ્રાધ્યાપકોને વિવિધ પ્રમોશનના ઓર્ડર રાજય સરકારે 8 જુલાઇએ કર્યા છે. 15 માંથી એક અધ્યાપકને બે પ્રમોશન આપીને હંગામી પ્રમોશનને લાંબાગાળાના પ્રમોશનનો લાભ આપ્યો છે. સામાન્ય રીતે મેડિકલ કોલેજોમાં અધ્યાપકોની ભરતી જીપીએસસી કરે છે, પણ અગાઉ રાજય સરકારને જરૂરિયાત ઉભી થઈ ત્યારે સરકારે ભરતી કરી હતી.

અધ્યાપકોને પ્રમોશન આપવા માટે અત્યાર સુધી રાજય સરકારે ના પાડી હતી. અધ્યાપકોએ આંદોલન કરતા છેવટે રાજય સરકારે તેમની માગણી સ્વીકારીને તેમને પ્રમોશન આપી દીધાં છે. આ પ્રમોશન 20થી25 વર્ષની પાછલી અસરથી આપવામાં આવ્યા છે.

7 રાજ્ય સરકાર બદલાયા બાદ બઢતી મળી
રાજયની જુદી જુદી સરકારી મેડિકલ કોલેજમાં ભરતી કરાયા પછી વર્ષ 1995, 1997, 1998, 2000, 2001, 2003ની એડહોક ધોરણે પ્રમોશન આપવામાં આવ્યા હતા. મેડિકલ અધ્યાપકોને હંગામી બઢતીને લાંબાગાળની બઢતી મેળવવા 20થી25 વર્ષનો સમયગાળો થઇ ગયો છે. 7 સરકારો બદલાયા બાદ છેવટે બઢતી આપવામાં આવી.

રૂ. 8થી20 હજાર સુધીનો ફાયદો થશે
અત્યારે બઢતીના ઓર્ડર થયા પછી ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટી એટલે કે ડીપીસી બેસશે. આ પછી પગારમાં અસર અપાશે. અધ્યાપકોને તેમના ગ્રેડ પે પ્રમાણે માસિક રૂ. 8થી 20 હજાર સુધીનો નાણાકીય લાભ મળશે તેમ તબીબી સૂત્રોનું કહેવું છે.

શિક્ષણ વ્યવસ્થાને વ્યાપક નુકસાન
કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશીના કહ્યા પ્રમાણે ભાજપના શાસકો શિક્ષણ વ્યવસ્થાને વ્યાપક નુકશાન કરી રહ્યા છે. પ્રાધ્યાપકોને પચ્ચીસ વર્ષ સુધી કેમ એડ-હોક બઢતી અપાઈ છે. પ્રાધ્યાપકો નિવૃત્ત થઇ જાય,અવસાન પામે ત્યાં સુધી કુંભકર્ણની નિદ્રામાં સૂઇ જનાર આરોગ્ય વિભાગ કેમ જાગતું નથી ?

અન્ય સમાચારો પણ છે...