ધરપકડ:3 વર્ષથી તડીપાર આરોપી ગામમાં આવતા પકડાયો

ગાંધીનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2 હત્યાના પ્રયાસના ગુનામાં ફરાર હતો

પેથાપુર પોલીસ મથક વિસ્તારમાં બે હત્યાનો પ્રયાસ કરનાર અને અન્ય 5 પોલીસ મથકમા પ્રોહિબિશનના ગુનામા સામેલ તડીપાર આરોપી પોતાના વતનમા આવતા એલસીબીની ટીમે ઝડપી લીધો હતો. પોલીસને બાતમી મળી હતી કે, આરોપી તેના ઘરે આવી રહ્યો છે. જેને લઇને પોલીસે વોચ ગોઠવી ઝડપી લીધો હતો. મળતી માહિતી મુજબ એલસીબી પીઆઇ એચ.પી. પરમારની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમિયાન દિલીપસિંહને બાતમી મળી હતી કે, જીલ્લામાંથી છેલ્લા ત્રણ વર્ષથી ફરાર અને તડીપાર કરાયેલો આરોપી તેના વતન કોલવડામા આવી રહ્યો છે.

જેને લઇને પોલીસે ગામના બસ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવી દીધી હતી અને આરોપી લીસ્ટેડ બુટલેગર નરેશ રઇજી રાવળને ઝડપી લીધો હતો. આરોપી સામે પેથાપુર પોલીસ મથકમા વર્ષ 2018મા હત્યાના પ્રયાસના બે ગુના નોંધાયા હતા. તે ઉપરાંત સેક્ટર 21, સેક્ટર 7, કલોલ તાલુકા પોલીસ મથક, ચિલોડા અને કપડવંજ રુરલ પોલીસ મથકમા 12 પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે. પોલીસે આરોપીને પકડીને પેથાપુર પોલીસને હવાલે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...