ચૂંટણી:દહેગામમાં બલરાજસિંહ રિપિટ, અલ્પેશ ઠાકોર માટે 4 બેઠકની જાહેરાત અટકી!!

ગાંધીનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગર ઉત્તર બેઠક માટે આશ્ચર્યજનક નામ ખૂલે તેવી સંભાવના, દક્ષિણમાં આંતરિક અસંતોષ
  • કલોલમાં પટેલ સમાજના ઉમેદવારને ટિકિટ મળે તેવી શક્યતા
  • દહેગામ બેઠક માટે ભાજપના 20 સ્થાનિક નેતાઓએ ટિકિટ માટે દાવેદારી કરી હતી

ભાજપ દ્વારા ગુરૂવારે દહેગામ વિધાનસભા બેઠક પરથી વર્તમાન ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણના નામની જાહેરાત કરી દીધી છે. ત્યારે બાકીની ચાર બેઠકો પર ભાજપમાં ઉમેદવારોની પસંદગીનું કોકડું ગુચવાયું હોવાનું કહેવાય છે. ભાજપમાં ચાલતી ચર્ચા મુજબ ક્ષત્રિય ઠાકોર સેનાના અલ્પેશ ઠાકોરની ટિકિટ મુદ્દે જિલ્લાની ચાર બેઠકો પર કોકડું ગુચવાયું છે. કારણ કે જ્ઞાતિના સમીકરણોને જોતા જિલ્લામાં ત્રણેક ટિકિટ ઓબીસી-ક્ષત્રિય સમાજને જ્યારે બે ટિકિટ પટેલ સમાજના ફાળે જાય તેવી સ્થિતિ છે. ત્યારે દહેગામમાં ઓસીબી સમાજના ઉમેદવારની પસંદગી થઈ ગઈ છે. માણસા બેઠક ઉપર પણ અમિત ચૌધરી કે કોઈ ક્ષત્રિય ઉમેદવારની પસંદગી થાય તેમ છે.

તેવામાં અલ્પેશ ઠાકોરને ગાંધીનગર દક્ષિણમાંથી ટિકિટ અપાય તો ગાંધીનગર ઉત્તર અને કલોલમાં પટેલ સમાજને ટિકિટ મળે તેવી શક્યતા છે. જોકે ગાંધીનગર ઉત્તર બેઠકમાં સંભવિતોમાં વિચાર્યું પણ ન હોય તેવું આશ્ચર્યજનક નામ ખુલશે તેવી ચર્ચાઓ પણ ભાજપમાં હાલ ચાલી રહી છે. દહેગામ વિધાનસભા બેઠક માટે ભાજપના 20 જેટલા સ્થાનિક નેતાઓએ ટિકિટ માટે દાવેદારી કરી હતી.

જોકે આ બધા વચ્ચે ભાજપે વર્તમાન ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણને રિટિપ કર્યા છે. બલરાજસિંહ ચૌહાણ વ્યવસાયે એડવોકેટ છે, જેઓના પિતા કલ્યાણસિંહ ચૌહાણ પણ ધારાસભ્ય તરીકે રહી ચૂક્યા છે. પક્ષના મોવડીઓમાં તેમની ઈમેજ શાંત સરળ વ્યક્તિત્વની રહી છે. તેથી જ તેમને પુનઃ ચૂંટણી લડવા માટેનો મોકો અપાયો હોવાનું કહેવાય છે.

જ્ઞાતિના સમીકરણોને જોતા જિલ્લામાં 3 ટિકિટ ઓબીસી-ક્ષત્રીય સમાજને જ્યારે 2 ટિકિટ પટેલ સમાજને ફાળે જાય તેવી શક્યતા

દહેગામમાં ટિકિટ કપાતા અનેક દાવેદારોમાં નારાજગી જોવા મળી હતી દહેગામમાં બલરાજસિંહ ચૌહાણની રિપિટ કરાતા અન્ય કેટલાક દાવેદવારોમાં આંતરિક અસંતોષની લાગણી ફેલાઈ છે. દહેગામ વિધાનસભા બેઠક પર બલરાજસિંહ ચૌહાણ સાથે પૈસાદાર અને બાહુબલી દવેદારોએ પણ ટિકિટ માંગી હતી. જોકે ભાજપે વ્યવસાયે એડવોકેટ બલરાજસિંહને રિપિટ કર્યા છે, તેઓના પિતા કલ્યાણસિંહ ચૌહાણ પણ ધારાસભ્ય તરીકે રહી ચૂક્યા છે. ત્યારે હવે બલરાજસિંહ સામે કોંગ્રેસ કયા ઉમેદવારને ઉતારશે તે જોવાનું રહે છે.

2017ની ચૂંટણીમાં બલરાજસિંહ સામે કોંગ્રેસના કામિનીબા રાઠોડ 10860 મતોથી હાર્યા હતા. ત્યારે આ વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સ્થાનિક ઉમેદવાર સુહાગ પંચાલના નામની જાહેરાત કરેલી છે. ત્રીપાંખીયા જંગમાં જીતના સમીકરણો કઈ તરફ રહે છે તે જોવાનું રહે છે.

અલ્પેશ ઠાકોર વિરુદ્ધ 200થી 250 લોકો એકઠાં થયા!
ગાંધીનગર દક્ષિણ વિધાનસભા બેઠક પર અલ્પેશ ઠાકોરનું નામ ચાલી રહ્યું છે. ત્યારે દક્ષિણ બેઠક પર વર્ષોથી કામ કરતાં સ્થાનિક નેતાઓ અને ઉમેદવારોમાં આંતરિક રોષની લાગણી છે. જેને પગલે ચિલોડા પાસેના એક રિસોર્ટમાં ગુરૂવારે સર્વ જ્ઞાતિના 200થી 250 લોકો એકઠા થયા હતા. જેઓએ દક્ષિણ બેઠક પર કોઈ બહારના નહીં પણ સ્થાનિક ઉમેદવારની પસંદગી થાય તેવી માંગ ઉઠાવી હતી.

જેમાં કોઈપણ જ્ઞાતિનો પણ સ્થાનિક ઉમેદવાર હશે તો સ્થાનિકો તેને વધાવીને જીતાડશે તેવો સૂર બેઠકમાં વ્યક્ત થયો હતો. ઉલ્લેખનિય છે કે બે દિવસ પહેલાં પણ અલ્પેશ ઠાકોર વિરૂદ્ધ શહેરમાં પોસ્ટર લાગ્યા હતા અને આયાતી ઉમેદવાર તરીકેના મેસેજ વાયરલ થયા હતા.

ગાંધીનગર ઉત્તર બેઠક માટે કોંગ્રેસની જનસંપર્ક યાત્રા
ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠક વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા જનસંપર્ક યાત્રા પેથાપુર અંબાજી માતાના મંદિર ખાતે આશીર્વાદ લઈ બસ સ્ટેન્ડની સામેથી યાત્રા શરૂ થઈ હતી, બાદ પેથાપુર ચાર રસ્તા ખાતે મહારાણા પ્રતાપની પ્રતિમાને ફુલહાર કરાયો હતો. યાત્રા પીપલજ, પીંડારડા, ઉનાવા, વાસણ, રાંધેજા, રૂપાલ, સોનીપુર, સરઢવ, જલુન્દ, મોટી આદરજ, કોલવડા, વાવોલ ખાતે પહોંચી હતી. જેમાં ગાંધીનગર શહેર-જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો, હોદેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા.

જિલ્લાની પાંચ બેઠકો પર પ્રથમ દિવસે 85 ઉમેદવારી પત્રો ગયા, સૌથી વધુ માણસા બેઠક માટે ફોર્મ વિતરણ
જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પર ગુરૂવારથી ઉમેદવારી પત્ર વિતરણ અને ભરવાની શરૂઆત થઈ હતી. જેમાં પ્રથમ દિવસે જિલ્લામાંથી કુલ 85 ફોર્મ ઉમેદવારો કે તેઓના સમર્થકો લઈ ગયા હતા. જોકે એકપણ ઉમેદવારી પત્ર ભરાઈને પરત આવ્યું ન હતું. જેમાં સૌથી વધુ 37 ઉમેદવારી પત્રોનું વિતરણ માણસા બેઠક પર થયું હતું. જ્યારે સૌથી ઓછા 12 ઉમેદવારી પત્રોનું વિતરણ કલોલ વિધાનસભા બેઠક પર થયું હતું.

આ ઉપરાંત દહેગામ બેઠક માટે 16, ગાંધીનગર દક્ષિણમાં 15 , જ્યારે ગાંધીનગર ઉત્તર બેઠકમાં 18 ઉમેદવારી પત્રોનું વિતરણ થયું હતું. ગુરૂવારથી શરૂ થયેલ ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા 17 નવેમ્બર સુધી ચાલશે. ઉમેદવારી પત્ર મેળવવાનો અને ભરાયેલ ઉમેદવારી પત્ર રજૂ કરવાનો સમય સવારના 11થી 3 સુધીનો નક્કી કરાયો છે. 21 નવેમ્બર સુધી ઉમેવાદવારો પોતાની ઉમેદવારી પાછી ખેંચી શકશે, જેમાં 21મીના બપોરે ત્રણ વાગ્યા પહેલા ઉમેદવારી પરત ખેંચવાની નોટિસ રજૂ કરવાની રહેશે.

કલોલ પંથકમાં રાજકીય બેનર્સ ઉતારવામાં તંત્રની આળસ!

વિધાનસભા ચૂંટણીની જાહેરાત સાથે આચારસંહિતા અમલમાં આવી જાય છે. જેને પગલે તંત્ર દ્વારા રાજકીય પક્ષો અને જાહેરાતોના બેનર્સ ઉતારવાની કામગીરી કરવાની હોય છે. જેમાં કલોલ શહેરમાં તો રાજકીય પક્ષોના બેનરો ઉતારી લેવાની કામગીરી થઈ હતી, પરંતુ ગામડાઓમાં હજી સુધી તંત્ર દ્વારા કામગીરી કરાઈ નથી જેને લઇને આચારસંહિતાનો ભંગ થઈ રહેલો જોવા મળી રહ્યો છે.

ડસ્ટબીન, બુટ, ચપ્પલ, ફુગ્ગો, બંગડી સહિત 197 ચૂંટણી િચન્હો અપક્ષોને અપાશે
વિધાનસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી ચિન્હોની ફાળવણી થતી હોય છે. ત્યારે વિવિધ રાજકીય પક્ષોના માન્ય ચૂંટણી ચિન્હો સિવાયના 197 ચૂંટણી ચિન્હો જાહેર કરાયા છે. ચૂંટણીમાં માન્ય રાજકીય પક્ષો, બિનમાન્યતા પ્રાપ્રત પાર્ટીઓ તથા અપક્ષ ઉમેદવારોને ચૂંટણી ચિન્હ ફાળવાશે. ચૂંટણી ચિન્હ ફાળવવાનું કારણ એ હતું કે, દેશમાં ઘણા બધા મતદારો નિરક્ષર હોય છે, જેઓને વાંચતા કે લખતાં આવડતું હોતું નથી. પરંતુ તેઓ ફોટો જોઈને ચિન્હને ઓળખી શકે એમ હોય છે. જેને પગલે ચૂંટણી પંચ દ્વારા વિવિધ પ્રકારની ચીજ-વસ્તુઓને ચૂંટણીના ચિન્હ તરીકે પસંદગી કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...