પોલીસે કાયદાનું ભાન કરાવ્યું:અડાલજના ફાર્મ હાઉસની રખેવાળી કરનાર પાસે બંદૂક હોવા છતાં પોલીસને જાણ ન કરી, અંતે હથિયાર ધારાનાં ભંગ બદલ કાર્યવાહી

ગાંધીનગર3 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગરના અડાલજ ડીપીએસ સ્કૂલની સામે આવેલ મીરા ફાર્મ હાઉસની 14 વર્ષથી રખેવાળી કરનાર ખાનગી કંપનીના ગનમેન પાસે આગ્રાથી ઈસ્યુ થયેલા લાયસન્સ વાળી બંદૂક હોવાની જાણ થતાં એસઓજી પોલીસે ટ્રેક ઓવર, હથિયાર ધારાનાં ભંગ બદલ તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
લાયસન્સ વાળી બંદૂક હોવા છતાં સ્થાનિક પોલીસને જાણ નહીં કરી
ગાંધીનગરમાં કાર્યરત ખાનગી સિક્યુરિટી એજન્સીઓનાં લાયસન્સ તેમજ હથિયાર ધારી ગાર્ડની પોલીસ દ્વારા આંતરે સમયે તપાસ કરવામાં આવતી રહે છે. તેમ છતાં અડાલજ ડીપીએસ સ્કૂલની સામે મીરા ફાર્મ હાઉસની 14 વર્ષથી રખેવાળી કરતા ગન મેન દ્વારા ટ્રેક ઓવર એટલે કે લાયસન્સ વાળી બંદૂક હોવા છતાં સ્થાનિક પોલીસને જાણ નહીં કરતાં સ્પેશિયલ ઓપરેશન ગૃપ દ્વારા અડાલજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પોલીસને બાતમી મળી હતી
આગામી ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી અન્વયે આદર્શ આચાર સંહિતાનો અમલ થાય તે માટે ગાંધીનગર જિલ્લા વિસ્તારમાં ગેરકાયદેસર હથિયારના કેસો તેમજ આર્મ્સ રૂલ્સ ભંગ અંગેના કેસો તથા એસ.ઓ.જી. ચાર્ટર મુજબના કેસો શોધી કાઢવા માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને એક્ટિવ કરવામાં આવી છે. જે અન્વયે બાતમી મળી હતી કે, અડાલજ ડીપીએસ સ્કુલ સામે આવેલ મીરા ફાર્મમાં એક ખાનગી સીક્યુરીટીનો માણસ પોતાના કબજામાં પરપ્રાંતના લાયસન્સ વાળુ હથિયા૨ ધરાવી છેલ્લા ઘણા સમયથી અહીં ગનમેન સીક્યુરીટી તરીકે નોકરી કરે છે.
વર્ષ - 2008 થી ફાર્મની રખેવાળી કરતો હતો
​​​​​​​
આ બાતમીના પગલે મીરા ફાર્મ ખાતે જઇ તપાસ કરતા રાજપાલસિંહ મહેન્દ્રસિંહ તોમર (રહે. હાલ મીરા ફાર્મ સીક્યુરીટીની ઓરડીમાં મુળ આગ્રા ઉત્તરપ્રદેશ) સિક્યુરિટી નોકરી કરતો મળી આવ્યો હતો. જેની પૂછતાંછ કરતાં 21 એપ્રિલ 2026 સુધીની વેલિડિટી વાળું આગ્રાથી ઈસ્યુ થયેલ બંદૂકનું લાયસન્સ હોવાનું જાણવા મળ્યું હતું. વર્ષ - 2008 થી ઉક્ત ફાર્મની રખેવાળી કરતો હોવાની વધુમાં કબૂલાત કરી હતી.

જો કે બંદૂક અંગે તેણે નજીકના પોલીસ મથકમાં જાણ કરી નહોતી કે આ હથિયાર પરવાનો આજદિન સુધી ટ્રેક ઓવર કરાવવા કોઈ તજવીજ હાથ ધરી હતી. જેનાં પગલે એસઓજી પોલીસે સિક્યુરિટી ગાર્ડની હથિયાર ધારાના ભંગ બદલ ધરપકડ કરી 15 હજારની કિંમતની બંદૂક જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...