તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરાહનીય કામગીરી:અઢી મહિનામાં બે વખત અપહરણનો ભોગ બન્યું બાળક, ફરી આવુ ન થાય એ માટે અડાલજ પોલીસ રોજ કરે છે મુલાકાત

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અડાલજ પોલીસે બાળકની ભરણ પોષણની જવાબદારી ઉપાડી
  • બાળકની વિશેષ કાળજી રાખવા તેની દાદીને કહેવામાં આવ્યું

ગાંધીનગરમાંથી અઢી મહિનાના સમયગાળા દરમિયાન શ્રમજીવી પરિવારના બાળકનું બે વખત અપહરણ કરી લેવામાં આવતા હવે અડાલજ પોલીસ દ્વારા બાળક સાથે ફરીવાર ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે દિવસ એક વાર વિઝિટ કરીને તેના ભરણપોષણની પણ જવાબદારી નિભાવવાની સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે.

ગાંધીનગરનાં અડાલજ વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારનાં ભોળપણનો ફાયદો ઉઠાવી અઢી મહિના અગાઉ નવજાત શિશુનું ગાંધીનગર સિવિલ હોસ્પિટલ માંથી નર્સની ઓળખ આપીને અપહરણ કરી લેવામાં આવ્યું હતું. તે વખતે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની સીધી સૂચનાથી ક્રાઇમ બ્રાંચ, સ્પેશિયલ ઓપરેશન ગૃપ સહિતની પોલીસ ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને બાળકને બનાસકાંઠાથી મુક્ત કરાવ્યું હતુ અને આરોપી અસ્મિતા ડાહયાભાઈ ભારથી અને જીગ્નેશ જગદીશભાઈ ભારથીને ઝડપી લીધા હતા. આ અપહરણ પ્રકરણમાં પ્રેમીની પુત્ર ઝંખનાને પૂર્ણ કરવા પ્રેમિકા અસ્મિતાએ અપહરણ કર્યાનું ખુલવા પામ્યું હતું.

બાળક બીજી વાર સાયકલની પાછળ બનાવેલા પારણામાંથી ખોવાયું
બાદમાં શ્રમજીવી પરિવારને બાળક સોંપી ગાંધીનગર પોલીસે રાહતનો દમ લીધો હતો. ત્યારે ગત. 05મી જૂનના રોજ રોજ અડાલજ ત્રિમંદીર પાસે રહેતાં શ્રમજીવી માતા પેડલ સાયકલ લઈને કાગળ વીણવા માટે ગઈ હતી તે દરમિયાન સાયકલની પાછળ બનાવેલા પારણામાંથી અઢી મહિનાના બાળકનું ફરી અપહરણ થઈ ગયું હતું. એક જ બાળકનું અઢી મહિનાના ગાળામાં ફરીવાર અપહરણ કરી લેવામાં આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

પોલીસ માટે અપહરણનો બીજો ગુનો ઉકેલવો મુશ્કેલજનક બન્યો
પ્રથમ અપહરણના આરોપી પ્રેમી પંખીડાને પોલીસ મથકે બોલાવી પૂછતાંછ શરૂ કરવામાં આવી હતી. પરંતુ આ વખતે પ્રેમી પંખીડાએ અપહરણના ગુનાને અંજામ આપ્યો નહીં હોવાનું ખુલતા પોલીસ માટે અપહરણનો બીજો ગુનો ઉકેલવો મુશ્કેલજનક બની ગયો હતો. પરંતુ આ વખતે પણ ગુનાની ગંભીરતાને દયાને રાખી પુનઃ અલગ અલગ ટીમોની રચના કરી આશરે 500થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસી અજાણ્યા બાઇકનાં અદ્રશ્ય નંબર જેવા દેખાતા અન્ય બાઇકોની તપાસ કરવામાં આવી હતી.

પોલીસે સીસીટીવી ચેક કરતાં શંકાસ્પદ બાઇક દેખાયું
​​​​​​​ગાંધીનગરમાં પણ સેકટર 21માં આ બાઈક ચાલક દેખાયો હતો અને ડેકી ઉપર કપડામાં બાળક વીંટાડેલું હોય તેમ જણાયું હતું. ત્યારબાદ આ બાઈક ઉપર પાછળની સીટમાં એક મહિલા બેઠી હતી અને બાઈક ચિલોડા તરફ નીકળ્યું હતું. ચિલોડા, દહેગામ, મોડાસા, મેઘરજ અને ગુજરાત બોર્ડર સુધીના સીસીટીવી ચેક કરતાં આ બાઈક રાજસ્થાનના બાંસવડા તરફ જતું જણાયું હતું. બીજી બાજુ બાઈકના નંબરની સામ્યતા ધરાવતાં માલિકની તપાસ કરતાં તેણે આ બાઈક બાંસવાડાના દિનેશ નામના વ્યક્તિને આપ્યાનું જણાવ્યું હતું અને પોલીસ તપાસમાં પણ બાઈક બાંસવાડામાં દેખાયું હતું.

બાંસવાડાના અંતરીયાળ વિસ્તારમાંથી બાળક મળ્યું
ક્રાઇમ બ્રાંચના પીઆઈ હરદીપસિંહ ઝાલાનાં સુપર વિઝન હેઠળ તેમની ટીમ બાંસવાડાના અંતરીયાળ વિસ્તારમાં જઈ તોરણા ગામેથી બાળકનું અપહરણ કરનાર દંપતિ દીનેશ પ્રેમજી કટારા અને તેની પત્નિ સુઘના દિનેશ કટારા (રહે.તોરણા તા.ભીમપુર જિ.બાંસવાડા રાજસ્થાન)ને ઝડપી લઈ બાળક તેના માતા-પિતાને સોંપ્યું હતું. ત્યારે હવે બાળકની સાથે ભવિષ્યમાં અઘટિત ઘટના ના થાય તે માટે અડાલજ પોલીસ દ્વારા બાળકની વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે.

બાળકની વિશેષ કાળજી રાખવા તેની દાદીને કહેવામાં આવ્યું ​​​​​​​
આ અંગે અડાલજ પોલીસ ઈન્સ્પેક્ટર જે એચ. સિંધવે જણાવ્યું હતું કે, બાળકની કમનસીબીનાં કારણે તેનું બે બે વખત અપહરણ થયું છે. તેમજ બાળક શ્રમજીવી પરિવારનો છે. જેનાં માતા પિતા એકદમ અભણ હોવાથી દુનિયાદારીની ખાસ કાંઈ ખબર પડતી નથી. ઉપરાંત કચરો વીણીને જીવન નિર્વાહ ચલાવતા હોવાથી બાળકની વિશેષ કાળજી રાખવા તેની દાદીને કહેવામાં આવ્યું છે.

દિવસમાં એક વાર પોલીસ ટીમ બાળક પાસે જાય છે​​​​​​​
​​​​​​​તેમના ઘરની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે પોલીસ ટીમ દ્વારા દિવસમાં એક વાર બાળકની ખબર અંતર પૂછવામાં આવે છે. ઉપરાંત પરિવારને પણ બાળકના ભરણપોષણ માટે કોઈ પણ આર્થિક મદદની જરૂર પડે તો વિના સંકોચ જણાવવાનું પણ કહેવામાં આવ્યું છે. દિવસમાં એક વાર પોલીસ ટીમ બાળક પાસે જાય છે અને તેના માટે દૂધ બિસ્કીટ સહિતની ખાવાની ચીજો પણ પહોંચતી કરવામાં આવી રહી છે.

આ સિવાય ભવિષ્યમાં બાળક સાથે અઘટિત ઘટના ફરી વાર ના ઘટે તેની ખાસ તકેદારી પોલીસ દ્વારા લેવામાં આવી રહી છે. તેમજ તેના પરિવારને પણ પોલીસ મથકના નંબરો સહિત પોતાનો મોબાઈલ નંબર પણ ઇન્સ્પેકટર જે એચ સિંધવ દ્વારા આપીને સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...