માતા બાદ પુત્રની ધરપકડ:ગાંધીનગરના ખોરજમાં ઘરફોડ ચોરી કરીને નાસતા ફરતા ચોરને પોલીસે ઝડપ્યો, તિજોરીની ચાવી બનાવવાની આડમાં ચોરી કરી હતી

ગાંધીનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાતમીના આધારે એલસીબીની ટીમે અડાલજ બસ સ્ટેન્ડથી ચોરને ઝડપી પાડ્યો

ગાંધીનગરના ખોરજમાં ઘરફોડ ચોરી કરીને છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા ચોરને લોકલ ક્રાઇમ બ્રાંચે અડાલજ વિસ્તારમાંથી બે વર્ષે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આવી છે. આ ચોરે ચાવી બનાવવાની આડમાં ચોરી કરી હતી. ત્યારબાદ ચોરીનો મુદ્દામાલ માતાને આપ્યો હતો. જેની ધરપકડ પોલીસે અગાઉ કરી હતી.

ગાંધીનગર જિલ્લા પોલીસ વડા તરુણ દુગ્ગલ દ્વારા તાબાના પોલીસ મથકમાં મિલકત સંબંધી ગુનાઓ આચરી નાસતા ફરતા ગુનેગારોને ઝડપી પાડવા માટે સૂચનાઓ આપવામાં આવેલી છે. જે અન્વયે લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઈ એચ પી ઝાલાની ટીમે ગંભીર ગુનાના આરોપીઓ ને ઝડપી પાડવા માટે બાતમીદારોને સક્રિય કરીને પેટ્રોલીંગ વધારી દેવામાં આવ્યું છે.

મળેલી પૂર્વ બાતમીના આધારે એલસીબીની ટીમે અડાલજ બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી રીઢા ઘરફોડ ચોર તેજપાલસિંઘ કાલુસિંઘ લોવાડીયા (રહે. ડુંગરપુર, રાજસ્થાન, મૂળ. કલોલ રેલ્વે પૂર્વ) ને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ અંગે પીઆઈ ઝાલાએ જણાવ્યું હતું કે 24 વર્ષીય તેજપાલ ચાવી બનાવવાનો ધંધો કરે છે. બે વર્ષ અગાઉ બપોરના સમયે તેના મામાના દીકરા સોનુસિંઘ સરદાર સાથે ખોરજ ગામ ગયા હતા.

એક બહેનના ઘરે તિજોરીની ચાવી બનાવવા માટે ગયા હતા. અને મહિલાની નજર ચુકવીને તિજોરીમાંથી સોનાના દાગીના ચોરીને નાસી ગયા હતા. અને ચોરીનો મુદ્દામાલ તેની માતાને આપી દીધો હતો. જેતે સમયે પોલીસે તેની માતાની ધરપકડ કરી લીધી હતી. જ્યારે તેજપાલ પોલીસથી બચવા માટે તેની સાસરી ડુંગરપુરમાં જઈને સંતાઈ ગયો હતો. જેને અડાલજ બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...