કાર્યવાહી:અડાલજ પોલીસને બગાસું ખાતાં પતાસું મળ્યું, વર્ધી અકસ્માતની હતી, પરંતુ મળ્યો દારૂ!

ગાંધીનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઝુંડાલ પાસેથી કારમાંથી 4.57 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
  • પોલીસે​​​​​​​ દારૂ સહિત 9.62 લાખનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી

ઝુંડાલ પાસે અર્ટીગા કારનો અકસ્માત થયો છે તેવી અડાલજ પોલીસને વર્ધી મળતા સ્થળ ઉપર પહોંચી હતી. જ્યારે પલટી ખાઇ ગયેલી કારને સીધી કરવાની કામગીરી કર્યા બાદ તેમાથી 4.57 લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસને બગાસુ ખાતા પતાસુ મળ્યુ હોય તેવુ જોવા મળ્યુ હતુ. પોલીસે એક આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ અડાલજ પોલીસને માહિતી મળી હતી કે, ઝુંડાલની સીમ પાસે ગંગા રેસીડેન્સી સામે એક અર્ટીગા કારને અકસ્માત થયો છે તેવી વર્ધી મળી હતી.

જેને લઇને પોલીસની ટીમ બનાવ સ્થળે પહોંચી હતી અને કારને સીધી કરી હતી. કાર સીધી કરતાની સાથે જ પોલીસની આંખો પહોંળી થઇ ગઇ હતી. નંબર વિનાની અર્ટીગા કારમા આગળ પાછળ અને ડેકીમા દારૂ ભરેલો જોવા મળ્યો હતો. જ્યારે રોડ સાઇડમા પલટી મારી ગયેલી કારની આગળની સીટમા એક શખ્સ બેઠેલો જોવા મળ્યો હતો. આ ઘટનાને લઇ પોલીસે કાર સહિત વિદેશી દારૂને અડાલજ પોલીસ મથકે લાવવામા આવી હતી. જ્યાં તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડની 233 વિદેશી દારૂની બોટલ કિંમત 4,57,960 મળી આવ્યો હતો.

પોલીસે દારૂ સહિત નંબર વિનની અર્ટીગા કાર કિંમત 5 લાખ રૂપિયા સહિત કુલ 9,62,960 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી. ડ્રાઇવર સીટમાંથી મળી આવેલો શખ્સ મયુર સત્યનારાયણ શર્મા (રહે, શાહીબાગ કેન્ટોનમેન્ટ, અમદાવાદ)ને પકડી પૂછતાસ કરતા માહિતી મળી હતી કે, દારૂ અસનદાસ ઉર્ફે આસ્કી લક્ષ્મીચંદ છેનાની (રહે, મહારથી સોસાયટી, સરદારનગર, અમદાવાદ) દ્વારા મંગાવવામા આવ્યો હતો. પરંતુ દારૂ મૂળ માલિક સુધી પહોંચે તે પહેલા અકસ્માત થતા પકડાઇ જવા પામ્યો છે.

અડાલજ પોલીસે બંને આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે ચોરી છુપીની વિદેશી દારૂનું વેચાણ કરતા બુટલેગરોને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવી રહ્યા છે. પોલીસે સતત નાઇટ પેટ્રોલિંગમાં પણ વધારો કરી દીધો છે. પોલીસે દારૂનું વેચાણ કરતા કે ખરીદી કરતા ઇસમો સામે કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...