તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:અડાલજ નર્મદા કેનાલમાં રાણીપનાં 24 વર્ષીય યુવાને ઝંપલાવી જીવન ટૂંકાવ્યું, આપઘાતનું કારણ અકબંધ

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફાયર ટીમનાં જવાનોએ ભારે જહેમત બાદ અજાણ્યા યુવકની લાશ કેનાલમાંથી બહાર કાઢી હતી

ગાંધીનગર અડાલજ ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં રાણીપનાં 24 વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝંપલાવીને જીવન ટૂંકાવી લેતા અડાલજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગરનાં અડાલજ ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં કોઈ અજાણ્યા પુરુષની લાશ તરતી હોવાની જાણ થતાં અડાલજ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. બાદમાં ગાંધીનગર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જેનાં પગલે ફાયરની ટીમ તુરંત કેનાલ પર દોડી ગઈ હતી અને ફાયર ટીમનાં જવાનોએ ભારે જહેમત બાદ અજાણ્યા યુવકની લાશ કેનાલમાંથી બહાર કાઢી હતી.

કેનાલમાં લાશ તરતી હોવાની જાણ થતાં આસપાસના ગ્રામજનો પણ એકઠા થઈ ગયા હતા. આ અંગે અડાલજ પોલીસ મથકના આસીસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર દશરથભાઈએ જણાવ્યું હતું કે, અડાલજ કેનાલમાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવી છે. મરનારના ખિસ્સામાંથી આધાર કાર્ડ મળી આવ્યું હતું. જેનાં આધારે યુવકનું નામ કુણાલ વિક્રમભાઈ દંતાણી (ઉ. 24, રહે. પ્રયાગ એપાર્ટમેન્ટ બ્લોક નંબર - 1,મકાન નં-312 બલોલ નગર, રાણીપ, અમદાવાદ ) હોવાની ઓળખવિધિ થઇ હતી.

આધાર કાર્ડમાં લખેલા નંબર પર ફોન કરતા તેનાં પરિવારજનો કેનાલ પર દોડી આવ્યા હતા. કુણાલના પરિવારમાં પિતા વિક્રમ ભાઈ, મોટો ભાઈ રૂપેશ અને તેની પત્નીની છે. જ્યારે તેની માતાનું અવસાન થયેલું છે. મૃતક યુવાન ડ્રાઇવર તરીકે છૂટક વર્ધિ મારતો હતો. જેનાં પિતા પણ ડ્રાઈવર હતા અને તેનો ભાઈ લેબ ટેક્નિશિયન તરીકે નોકરી કરે છે.

ગઈકાલે સાંજના સમયે કુણાલ ઘરે ગયો હતો અને જમ્યા પછી સૂઈ ગયો હતો. બાદમાં મોડી સાંજે ઘરે કોઈને કશું કહ્યા વિના નીકળી ગયો હતો. જેનો મોબાઇલ પણ તે ઘરે જ મૂકીને ગયો હતો. જેનાં કારણે મોડી રાત થવા છતાં પરિવાર તેનો સંપર્ક કરી શક્યો ન હતો. આજે સવારે પરિવારજનો એ તેના મિત્ર વર્તુળમાં પૂછપરછ શરૂ કરી તેને શોધવા નીકળ્યા હતા. તે દરમિયાન કુણાલની લાશ કેનાલમાંથી મળી આવી હતી.

વધુમાં તપાસ અધિકારી દશરથભાઇએ ઉમેર્યું હતું કે, પરિવારની પૂછતાંછમા મોતનું કોઈ કારણ જાણવા મળ્યું નથી. પરિવારમાં રોકકળ ચાલતી હોવાથી વધુ પૂછતાંછ કરાઈ નથી. હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવી લાશ તેના પરિવારજનોને સોંપવાની પ્રક્રિયા ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...