અકસ્માત:ગાંધીનગરના રૂપાલ-રાંધેજા રોડ પર કારની ટક્કરથી એક્ટિવા સવારનું ઘટના સ્થળે મોત

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પેથાપુર પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

ગાંધીનગરના રૂપાલ-રાંધેજા રોડ પર કારની ટક્કરથી એક્ટિવા સવારનું ઘટના સ્થળે કરૂણ મોત નિપજતા પેથાપુર પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગરના નારદીપૂર ગામે રહેતાં જયંતિ ભાઈ સેધાભાઈ પટેલ ગઈકાલે બપોરના સમયે એક્ટિવા લઈને રૂપાલથી નારદીપૂર જઈ રહ્યા હતા. તે વખતે આઈ-20 કારના ચાલકે રૂપાલ - રાંધેજા રોડ પર પોતાની કાર પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી પાછળથી એક્ટિવાને ટક્કર મારી હતી અને કાર રોડની બાજુની ચોકડીમાં ઉતરી ગઈ હતી.

આ અકસ્માત થતાં જયંતિભાઈ ઉછળીને જમીન પર પટકાયા હતા. જેમને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઈજાઓ થતાં સ્થળ પર જ મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે રાહદારી વાહનચાલકો મોટી સંખ્યામાં એકઠાં થઈ ગયા હતા. જ્યારે કારના ચાલક એક છોકરાને પણ લોકોએ પકડી લીધો હતો. પરંતુ કોઈ કારણોસર કારનો ચાલક સ્થળ પરથી રવાના થઈ ગયો હતો.

બનાવની જાણ થતાં મૃતકના કુટુંબી હિતેન્દ્ર પટેલ સહિતના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તે સમયે કોઈએ 108 એમ્બ્યુલન્સને ફોન કરીને બોલાવી લીધી હતી. પરંતુ જયંતિભાઈનું મૃત્યુ થયું હોવાથી પરિવારજનો તેમની લાશને ખાનગી વાહનમાં લઈને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ આવ્યા હતા. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...