ન્યૂ ગાંધીનગર વિસ્તારમાં ઘ 0થી રિલાયન્સ ચોકડી સુધી રોડની એક સાઇડ લારી ગલ્લા ધારકો દ્વારા દબાણ કરવામાં આવ્યું છે. પરિણામે ચા, પાણી અને નાસ્તો કરવા આવનારા વાહન ચાલકો રોડ વચ્ચે જ વાહનો પાર્ક કરે છે. જેમાં રોડની એક સાઇડ વાહનોથી જ ભરાઇ જાય છે. ત્યારે ઇન્ફોસિટી પોલીસ દ્વારા આ વિસ્તારમાં વાહન ચાલકો અને જાહેરમાં ધુમ્રપાન કરતા લોકો સામે લાલ આંખ કરવામાં આવી છે. રોડ ઉપર વાહન પાર્ક કરનાર 16 અને જાહેરમાં ધુમ્રપાન કરનાર 4 લોકોને દંડ ફટકારવામાં આવ્યો હતો.
પાટનગરના નવા ગાંધીનગરમાં મોડી રાત સુધી વેપાર ધંધા ધમધમતા હોય છે. જેમાં મોટા ભાગના યુવક અને યુવતીઓ બેસી રહેતા હોય છે. રોડ સાઇડમાં દબાણ કરીને વેપાર કરતા લારી ગલ્લાના કારણે રોડની એક સાઇડ વાહનોની જ ભરાઇ જાય છે. પરિણામે ટ્રાફિક અને અકસ્માતનું જોખમ વધી જાય છે. ત્યારે આ વિસ્તારમાં વન વિભાગની જગ્યામાં દબાણ કરનાર અને રોડ ઉપર વાહનો પાર્ક કરીને લોકોને અડચણ ઉભી કરનાર વાહન માલિકો સામે ઇન્ફોસિટી પોલીસે કાયદાનો દંડો ઉગામ્યો હતો.
ઇન્ફોસિટી પીઆઇ દિવાનસિંહ ડાભીએ જણાવ્યંુ હતંુ કે, ઘ 0થી લઇ રિલાયન્સ ચોકડી સુધી એક તરફના રોડની બાજુમાં લારી ગલ્લા ધારકો દ્વારા દબાણ કરી ધંધો કરવામાં આવી રહ્યો છે. પરિણામે નાસ્તો કરવા આવતા લોકો રોડ ઉપર વાહનો મુકીને કલાકો સુધી બેસી રહે છે. જેથી આ માર્ગ ઉપરથી પસાર થતા વાહન ચાલકોને અડચણ ઉભી થાય છે. તે ઉપરાંત અકસ્માતનું જોખમ પણ જોવા મળે છે. જ્યારે મોડી રાત સુધી બેસી રહેવાના કારણે ઝઘડા થઇ રહ્યા છે. છેલ્લા ચાર દિવસમાં બે બનાવ સામે આવ્યા છે.
આ વિસ્તારમાં ડ્રાઇવ કરવામાં આવી હતી. જેમાં રોડ ઉપર વાહનો પાર્ક કરનાર 16 માલિક પાસેથી 7600 રૂપિયા દંડ વસુલ કરાયો હતો. જ્યારે જાહેરમાં ધુમ્રપાન કરનાર 4 લોકો પાસેથી 800 રૂપિયા દંડ વસૂલ કર્યો હતો. આગામી દિવસોમાં ડ્રાઇવ ચાલું રખાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.