નકલી નોટોનો કારોબાર:12 વર્ષના દીકરાની માએ પ્રેમી સાથે લિવ-ઈનમાં રહી 54 લાખની નકલી નોટ છાપી, પ્રેમી કાગળ લાવતો, પ્રેમિકા નોટની સાઈઝ કટીંગ કરતી

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 53.80 લાખની નકલી નોટોના નેટવર્ક નવો ખુલાસો
  • આરોપી સંજયે પ્રેમિકા માટે સરગાસણમાં ભાડાનું મકાન લીધું હતું
  • ભાડાના મકાનમાં લીવ ઈન રિલેશનશીપમાં રહી નકલી નોટોનું રેકેટ ચલાવતા હતા
  • માણસા પોલીસ દ્વારા પ્રેમિકાને પણ ઝડપી લેવામાં આવી

ગાંધીનગરમાંથી થોડા દિવસ અગાઉ પકડી લેવામાં આવેલી રૂ.53.80 લાખની નકલી નોટો પ્રકરણમાં મુખ્ય સૂત્રધારની કડકાઈથી પૂછપરછ કરતાં નકલી નોટોના રેકેટમાં સરગાસણ રહેતી તેની પ્રેમિકાની ભૂમિકા પણ બહાર આવી હોવાથી માણસા પોલીસ દ્વારા પ્રેમિકાને પણ ઝડપી લેવામાં આવી છે. બન્ને પ્રેમી પંખીડા સરગાસણ ભાડાના મકાનમાં લીવ ઈન રિલેશનશીપમાં રહી નકલી નોટોની રેકેટ ચલાવતા હોવાનું પણ પોલીસ તપાસમાં ખુલવા પામ્યું છે. સરગાસણમાં ભાડાના મકાનમાં નકલી નોટો છપાતી હતી. તથા પ્રેમી નોટો છાપવા કાગળ લાવતો અને પ્રેમિકા જુદા-જુદા દરની નોટોની સાઇઝ મુજબ કટિંગ કરતી હતી.

ઈલેક્ટ્રોનિક સાધનોની મદદથી નકલી નોટો છાપી
ગાંધીનગર જિલ્લાના માણસા પોલીસ મથકના ઈન્સ્પેક્ટર જતીન પ્રજાપતિ તેમજ સબ ઇન્સ્પેકટર એચ.કે.શ્રીમાળી સહિતના સ્ટાફના માણસોએ ગ્રામ ભારતી નાકા બંધી કરીને સરગાસણનાં સહજાનંદ સ્ટેટસ ફલેટમાં રહેતા સંતોષ રાવળને 30 લાખની નકલી નોટોના જથ્થા સાથે આબાદ રીતે ઝડપી લેવામાં આવ્યો હતો. જેમાં સંતોષ રાવળએ પોતાના ઘરે જ ઈલેક્ટ્રોનિક સાધનોની મદદથી નકલી નોટો છાપી હોવાનું બહાર આવ્યું હતું. બાદમાં પોલીસે તેના ઘરે દરોડો પાડીને વધુ રૂ. 23.80 લાખની નકલી નોટોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

વિસનગરનું કનેક્શન ખુલવાનો દાવો કરવામાં આવ્યો
આ પ્રકરણમાં પોલીસે સંતોષનાં રિમાન્ડ મેળવીને તેની કડકાઈથી પૂછતાછ શરૂ કરી હતી. જેમાં વિસનગરનું કનેક્શન ખુલવાનો દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ પોલીસે વિસનગરનાં શખ્સની પણ પૂછતાછ કરતાં તે શખ્સ ગાયો ભેંસો ચરાવી ગુજરાન ચલાવતો હોવાનું બહાર આવ્યું હતું. બાદમાં પોલીસે તપાસની દિશા બદલીને સંતોષની ફરીવાર વૈજ્ઞાનિક ઢબે પૂછતાછ શરૂ કરી હતી. જેનાં પગલે સંતોષ ભાંગી પડ્યો હતો અને નકલી નોટોના નેટવર્કમાં તેની પ્રેમિકા પણ સંડોવાયેલી હોવાની કબૂલાત કરી હતી. જેથી કરીને પોલીસ સરગાસણ પ્રમુખનગર ફ્લેટ નંબર - એ /304 માં રહેતી વૈશાલી રાઘવજીભાઈ દેવજીભાઈ પટેલ (ચૌધરી) નાં ઘરે ત્રાટકીને તેને પણ ઝડપી લીધી હતી.

પાંચેક વર્ષ પહેલા વૈશાલી સંતોષનાં સંપર્કમાં આવી
આ અંગે માણસા પોલીસ મથકના ઈન્સ્પેક્ટર જતીન પ્રજાપતિએ જણાવ્યું હતું કે, વૈશાલી મૂળ સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાનાં મોટા કોટડા ગામની વતની છે. જેનાં ડાઇવોર્સ થઈ ચૂક્યા છે. અને તેને બાર વર્ષનો પુત્ર પણ છે. પાંચેક વર્ષ પહેલા વૈશાલી સંતોષનાં સંપર્કમાં આવી હતી. બાદમાં બન્ને વચ્ચે પ્રેમ થઈ ગયો હતો. અને સંતોષ રાવળે જ તેના માટે સરગાસણમાં ફ્લેટ ભાડે રાખ્યો હતો. અને બન્ને લીવ ઈન રિલેશનમાં રહેતા હતા. સંતોષ નકલી નોટો છાપવા માટે કોરા કાગળ લઈ આવતો અને વૈશાલી તેનું જુદા જુદા દરની સાઈઝ મુજબ કટીંગ કરી દેતી હતી.

સંતોષ મૂળ જમીન લેવેચનાં ધંધામાં મહાઠગ છે
બાદમાં સંતોષ તેના ઘરે પ્રિન્ટર મશીન મારફત નકલી નોટો છાપી નાખતો હતો. જેણે એપ્રિલ મહિનામાં જ પ્રિન્ટર મશીન ખરીદ્યું હતું. નકલી નોટો છાપ્યા બાદ તે તેના વતન માણસા ખડાત મૂકવા માટે જતો હતો અને ઝડપાઈ ગયો હતો. સંતોષ મૂળ જમીન લેવેચનાં ધંધામાં મહા ઠગ છે. કોઈ જમીનનો સોદો થાય અને વીસ પચ્ચીસ લાખ બાના પેટે આપવાનાં આવે તો નકલી નોટો પધરાવી દઈ જમીન હડપ કરી દેવાનો માસ્ટર પ્લાન તેના માઈન્ડમાં ચાલતો હતો. જેનાં ભાગરૂપે તેણે નકલી નોટો છાપીને રાખી હતી. જ્યારે અમદાવાદના રહીશો સાથે કરેલી છેતરપિંડી પ્રકરણમાં કાગડાપીઠ પોલીસને જાણ કરી દેવામાં આવી છે. તેમ વધુમાં ઈન્સ્પેક્ટર જતીન પ્રજાપતિએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...