ગાંધીનગર કોર્ટનો હુકમ:પિતાની સારવાર અર્થે મિત્ર પાસેથી ઉછીના લીધેલાં 5.57 લાખના ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની કેદની સજા

ગાંધીનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગરના સેકટર - 6 એચપી પેટ્રોલ પંપ ઉપર ડીલીવરી બોય તરીકે નોકરી કરતા ઈસમે પિતાની સારવાર અર્થે મિત્ર પાસેથી હાથ ઉછીના લીધેલા રૂ. 5.57 લાખની અવેજીમાં આપેલો ચેક રિટર્ન થવાના કેસમાં કોર્ટે આરોપીને તકસીરવાન ઠરાવી બે વર્ષની સાદી કેદની સજા તેમજ લેણી રકમ છ ટકા વ્યાજે ચૂકવી આપવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે.

કેસની ટૂંકમાં હકીકત એવી છે કે, બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના સુરણા ગામનો જશવંત વીરમભાઈ જોશી તેમજ ગાંધીનગરના શિહોલી મોટી ગામે રહેતો પ્રકાશ કમલેશભાઈ પ્રજાપતિ એચ.પી.સર્વિસ સેન્ટર, સેકટર-6, ગાંધીનગર ખાતે પેટ્રોલ પંપ ઉપર ડીલીવરી બોય તરીકે નોકરી કરતા હોવાથી એકબીજાની વચ્ચે મિત્રતાના સંબંધો પ્રસ્થાપિત થયા હતા.

બાદ પિતાની બીમારી અને સામાજીક કામ અર્થે પૈસાની જરૂરિયાત ઊભી થતાં જશવંત જોશીએ મિત્ર પ્રકાશ પાસે રૂ. 6 લાખની માંગણી કરી હતી. જો કે એ વખતે પ્રકાશ પાસે પૈસાની વ્યવસ્થા નહોતી. જેનાં થોડા સમય પછી નાણાંકીય વ્યવસ્થાની સગવડ થતાં જશવંતને હાથ ઉછીના રૂ. 5.57 લાખ સપ્ટેમ્બર-2022 માં જ્યોતીકાબેન તુષારભાઈ શ્રીમાળીની હાજરીમાં આપ્યા હતા.

જે પૈસા છ મહિના પરત કરી દેવાનો જશવંતે વાયદો પણ કર્યો હતો. પરંતુ છ માસનો સમય વીતી જતાં પ્રકાશે નાણાંની માંગણી કરી હતી. ત્યારે કોરોના કારણે સગવડ ન હોવાથી જશવંતે સમય માંગ્યો હતો. પરંતુ જુન - 2021 સુધીમાં પણ પૈસા પરત આપવામાં નહીં આવતાં પ્રકાશે ઉઘરાણી કરી હતી. જેનાં પગલે જશવંતે તા.23-6-2921 ના રોજનો ખોટી સહી કરેલ ચેક આપ્યો હતો.

જે ચેક જમા કરાવતા રિટર્ન આવતાં પ્રકાશે નોટિસ પણ આપી હતી. તેમ છતાં જશવંતે પૈસા પરત કરવાની દરકાર કરી ન હતી. આખરે પ્રકાશે ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-138 અન્વયે કોર્ટમાં ફરિયાદ કરી હતી. જે કેસ આઠમા એડીશનલ સિનિયર સિવિલ જજ અને એડી. ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતાં બન્ને પક્ષકારોની દલાલીના અંતે ચેક રિટર્ન થવાના કેસમાં જશવંતને તકસીરવાન ઠરાવી બે વર્ષની સાદી કેદની સજા અને લેણી રકમ છ ટકા વ્યાજે ચૂકવી આપવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...