ગેંગ વોર થતાં હથિયારો મંગાવ્યાં:ચીલોડાથી ટ્રાવેલ્સ બસમાં ગેરકાયદેસર હથિયારોની હેરફેરના ગુનાનો આરોપી ઝડપાયો, પુછપરછમાં કેદારનાથનો પૂજારી નિકળ્યો

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે પિસ્તોલ - 50 કારતૂસ પૂનાની નવનાથ લુંઢા ગેંગ સામે બદલો લેવા મંગાવ્યાં હતા
  • ગેંગ વોરમાં મિત્રની પત્નીને ગોળી વાગતાં રાજસ્થાનથી હથિયાર મંગાવ્યા હતા

ગાંધીનગરના ચંદ્રાલા હિંમતનગર હાઇવે રોડ પરથી લકઝરી બસમાં બે પિસ્તોલ - 50 નંગ જીવતા કારતૂસ મળી આવતાં માર્ચ 2021 માં ચીલોડા પોલીસ મથકમાં નોંધાયો હતો. આ હથિયારનો ઉપયોગ પુનાની નવનાથ લુંઢા ગેંગ સામે કરવા માટે સુરતનાં પવન પારાશરે મંગાવ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવતા પોલીસે રાજસ્થાનથી તેની ધરપકડ કરી લીધી છે. જેની પૂછતાંછમાં પવન કેદારનાથનો પૂજારી હોવાની ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી છે. નોંધનીય છે કે જે તે વખતે એલસીબીએ હથિયારોની ડીલીવરી આપવા માટે નીકળેલા આરોપીને ઝડપી લેવામાં આવતાં સાધુના વેશમાં સેતાન એવા પવન પારાશરનું નામ ખુલ્યું હતું.
બસમાંથી બિનવારસી બે પિસ્ટલો, જીવતા કારતૂસ મળ્યા હતા
ચિલોડા પોલીસે માર્ચ 2021માં ચંદ્રાલા ગામની સીમમાં હિંમતનગર હાઇવે ઉપર વાહન ચેકીંગ દરમિયાન શ્રીનાથ ટ્રાવેલ્સની લક્ઝરી બસ (નંબર RJ-30-PA-3320) માંથી બિનવારસી થેલામાંથી બે પિસ્ટલો - 50 જીવતા કારતૂસ, બે ખાલી મેગ્જીન ઝડપી પાડયા હતા. તો આ બસ રોકવામાં આવી ત્યારે ઉદેપુર (રાજસ્થાન) થી બેઠેલો મુસાફર ભાગી ગયો હતો.

એલસીબીએ ગુનાનો ભેદ ઉકેલી કાઢયો
બીજી તરફ આ ગુનામાં વીસેક દિવસ પછી લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઈ એચ પી ઝાલાની ટીમ દ્વારા ચીલોડા વિસ્તારમાંથી રાજસ્થાનના રામ કિશન ઉર્ફે બચ્ચા રામરતન માલીની ધરપકડ કરી લેવામાં આવી હતી. જેની પૂછતાંછ કરતાં આરોપીએ કબૂલાત કરી હતી કે, અગાઉ તેના ગામ ભોલપૂરામાં રહેતા મિત્ર અત્તરસિંહ ઉર્ફે અત્રા ભેરુસિંહ ગુર્જર મળ્યો હતો. જેણે થેલામાં ઉક્ત હથિયારો આપીને સુરતમાં રહેતા તેના મિત્ર પવનસિંહ પરાસરને આપવા મોકલ્યો હતો. જે પેટે 5 હજાર મળ્યા હતા.

બદલો લેવા હથિયારો મંગાવ્યાં
આ પવનસિંહનો પણ એક મિત્ર અજય સિંઘે પુના ખાતે રહે છે. જેને પુનાની નવનાથ લુંઢા ગેંગ સાથે દુશ્મનાવટ હતી. એક દિવસ અજય તેની પત્ની મેઘનાને લઈને જતો હતો. ત્યારે આ ગેંગ દ્વારા ફાયરિંગ કરાયું હતું. જેમાં મેઘનાને ગોળી વાગી હતી. જેનો બદલો લેવા માટે આ હથિયારો રાજસ્થાનથી મંગાવવામાં આવ્યાં હતા. પરંતુ એ પહેલાં જ પોલીસે હથિયારો ઝડપી પાડયા હતા. ત્યારે ઉક્ત ગુનામાં પવન ધરપકડથી બચવા તેના વતન રાજસ્થાન ભાગી ગયો હતો.

આરોપી કેદારનાથ મંદિરમાં પૂજારી તરીકે કામ કરતો હતો: પીઆઈ
જેને ચીલોડા પોલીસ મથકના પીઆઈ એમ જી જાડેજાની ટીમે ટેકનિકલ સર્વેલન્સ થકી રાજસ્થાનથી ઝડપી લઈ ગાંધીનગર લઈ આવી કડકાઈથી પૂછતાંછ હાથ ધરતાં ચોંકાવનારી હકીકત સામે આવી છે. આ અંગે પીઆઈ જાડેજાએ કહ્યું હતું કે, ગેંગ વોરમાં મિત્રની પત્નીને ગોળી વાગતાં નવનાથ લુંઢા ગેંગ સામે બદલો લેવા માટે રાજસ્થાનથી હથિયારો પવને મંગાવ્યા હતા. જે અગાઉ દમણ સેલવાસ અને ઓમકારેશ્વર અને કેદારનાથ મંદિરમાં પૂજારી તરીકે કામ કરતો હોવાની હકીકત પ્રકાશમાં આવી છે. હાલમાં બે દિવસના રિમાન્ડ મેળવી વધુ પૂછતાંછ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...