તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:વડતાલ સ્વામિનારાયણ મંદિરના સ્વામીની હત્યાનો આરોપી આઠ મહિને એલસીબીના હાથે ઝડપાયો

ગાંધીનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષ 1999માં આણંદનાં વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં સંતો વચ્ચે માથાકૂટ થઇ હતી

સમગ્ર રાજ્યમાં બાવીસ વર્ષ અગાઉ ચકચાર મચાવનાર વડતાલ સ્વામિનારાયણ મંદિરના સ્વામીની હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતા માધવપ્રસાદ ઉર્ફે માલદાર સ્વામી પેરોલ જમ્પ કરીને આઠ મહિનાથી નાસતો ફરતો હતો. જેને ગાંધીનગર ક્રાઇમ બ્રાંચ દ્વારા પૂર્વ બાતમીના આધારે ઝડપી લઈ ફરી પાછો સાબરમતી જેલમાં સજા ભોગવવા માટે ધકેલી દેવામાં આવ્યો છે.

સ્વામિનારાયણ મંદિરમાં સંતો વચ્ચે માથાકૂટ થઇ હતી

આજથી બાવીસ વર્ષ અગાઉ વર્ષ 1999માં આણંદનાં વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં સંતો વચ્ચે માથાકૂટ થઇ હતી. આ વિવાદના કારણે સમગ્ર રાજ્યમાં ચર્ચાઓએ જોર પકડયું હતું. બાદમાં વડતાલ સ્વામિનારાયણ સંસ્થાના ગદાધરાનંદજી સ્વામીની હત્યા થઈ ગઈ હતી. જે સંદર્ભે ચકલાસી પોલીસ મથકમાં ગુનો દાખલ થયો હતો. જેની તપાસના અંતે કલોલ તાલુકાના વણસોલ ગામના માધવપ્રસાદ ઉર્ફે માલદાર ગુરૂ હરજીવનદાસ સ્વામીની ધરપકડ કરી લેવામાં આવી હતી.

સ્વામીને હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી

આ હત્યા પ્રકરણમાં પોલીસે જરૂરી પુરાવા એકત્ર કરીને માધવ પ્રસાદ સ્વામી વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. જે કેસ નડિયાદની સેશન્સ કોર્ટમાં ચાલી જતાં માધવ પ્રસાદ સ્વામીને હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જે સાબરમતી જેલમાં (કેદી નંબર 6/15848) પાકા કામના કેદી તરીકે સજા ભોગવી રહ્યો હતી. બાદમાં આઠ મહિના અગાઉ આરોપી સ્વામી પેરોલ પર છૂટીને બહાર આવ્યો હતો.

સ્વામીને ઝડપી લઈ જેલમાં સજા ભોગવવા માટે ધકેલી દેવામાં આવ્યો

આ અંગે ક્રાઇમ બ્રાંચના ઇન્સ્પેકટર હરદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે પેરોલ જમ્પ કર્યા બાદ મુદત પૂર્ણ થઇ હોવા છતાં આરોપી સ્વામી જેલમાં હાજર થયો ન હતો. આ હત્યાનો ગુનો સંવેદનશીલ હોવાના કારણે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની સૂચનાથી અલગ અલગ ટીમો એક્ટિવ કરવામાં આવી હતી. જેનાં પગલે પૂર્વ બાતમીના આધારે આરોપી સ્વામીને ઝડપી લઈ પાછો સાબરમતી જેલમાં સજા ભોગવવા માટે ધકેલી દેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...