ગોધરામાં તમાકુંની ખરીદીના બહાને રૂ. 6.87 લાખની છેતરપિંડી આચરી છેલ્લા 14 વર્ષથી સ્થાનિક પોલીસથી બચીને નાસતા ફરતા આરોપીને ગાંધીનગર સ્થાનિક ગુન્હા નિવારણ શાખા દ્વારા અડાલજ મહેસાણા બસ સ્ટેન્ડ નજીકથી પૂર્વ બાતમીના આધારે ઝડપી લેવામાં આવ્યો છે.
ગાંધીનગર રેન્જમાં નોંધાયેલા ગુનામાં નાસતા ફરતા તેમજ જિલ્લા બહારના ગુનાના આરોપીઓને પણ ઝડપી લેવા માટે રેન્જ આઈજી અભય ચુડાસમા અને પોલીસ વડા મયુર ચાવડા દ્વારા સૂચનાઓ આપવામાં આવેલી છે. જે અન્વયે ગાંધીનગર સ્થાનિક ગુના નિવારણ શાખાનાં પોલીસ સ્ટાફ દ્વારા નાસતા ફરતા ગુનેગારોને ઝડપી લેવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.
આ દરમિયાન બાતમી મળી હતી કે, ગોધરા ટાઉન પોલીસ મથકમાં નોંધાયેલ છેતરપિંડીના ગુનાનો વોન્ટેડ આરોપી અડાલજ મહેસાણા બસ સ્ટેન્ડ નજીક ઊભો છે. જેનાં પગલે પોલીસ ટીમ દ્વારા 61 વર્ષીય મહેબૂબમિયા ભાઈમિયા કુરેશી( હાલ રહે યુશરા પાર્ક સોસાયટી ગ્યાસપૂર સરખેજ, મૂળ મહેસાણા)ને ઝડપી લેવામાં આવ્યો હતો.
આ અંગે સ્થાનિક ગુના નિવારણ શાખાના ફોજદાર જે .જી.વાઘેલાએ જણાવ્યું હતું કે, ઉક્ત આરોપી વિરુદ્ધ ગોધરા ટાઉન પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ દાખલ થયેલી છે. જેણે ફરિયાદી સાથે તમાકું ખરીદી ના બહાને રૂ. 6. 87 લાખની છેતરપિંડી આચરી હતી, પરંતુ તે છેલ્લા 14 વર્ષથી પોલીસને થાપ આપીને નાસતો ફરતો હતો. જેને પૂર્વ બાતમીના આધારે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.