કોર્ટ સંકુલમાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા:ગાંધીનગર કોર્ટમાં કેદી જાપ્તામાંથી બાઈક ચોરીનો આરોપી ભાગ્યો, પોલીસે દોટ લગાવી ઝડપી પાડ્યો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર સેકટર - 21 પોલીસની હદમાં બાઈક ચોરીના ગુનામાં એલસીબીનાં હાથે પકડાયેલ બે મિત્રો પૈકી એક ચોર ગાંધીનગર કોર્ટ સંકુલ ખાતેથી કેદી જાપ્તામાંથી પીએસઆઇ અને કોન્સ્ટેબલને ધક્કો મારીને ભાગી જતાં પોલીસ દોડતી થઇ ગઈ હતી. જો કે પોલીસે ફિલ્મી ઢબે દોટ લગાવીને ચોરને ઝડપી પાડી રાહતનો દમ લઈ સેકટર - 21 પોલીસ મથકમાં ગુનો દાખલ કર્યો હતો.

લોકલ ક્રાઇમ બ્રાંચે બે ચોર પકડીને સેકટર - 21 પોલીસને સોંપ્યા હતા
ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા સેકટર - 21 પોલીસ મથકની હદમાં બાઈક ચોરનાર કમલેશ રાધેશ્યામ રાવલ (રહે. આલમપુર) અને મનોજ અશોકભાઈ ઠાકોર (રહે બોરીજ) ને અક્ષરધામ વિસ્તારમાંથી પૂર્વ બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યા હતા. આ બંને ચોરને એલસીબીએ સેકટર - 21 પોલીસને સોંપી દીધા હતા. આ આરોપીઓને ગુનાના કામે સેકટર - 21 પોલીસ મથકના પીએસઆઇ એ.કે. ઝાલા સહિતના પોલીસનાં માણસો સાથે ગાંધીનગર કોર્ટમાં લઈ જવાયા હતા.

કોર્ટ સંકુલથી સરકારી વાહનમાં બેસાડવા જતાં એક ચોર ધક્કો મારી ભાગ્યો
કોર્ટે આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર કરતાં પોલીસ ટીમ બંને આરોપીઓને કોર્ટ સંકુલનાં કમ્પાઉન્ડમાં સરકારી વાહનમાં બેસાડવા જતાં મૂકેશ ઠાકોર બેસી ગયો હતો. પરંતુ કમલેશ રાવલ પીએસઆઇ ઝાલા અને હેડ કોન્સ્ટેબલ હરેશભાઇ જાદવભાઇને ધક્કો મારી જાપ્તો તોડીને નાસી ગયો હતો.

ચોર ભાગી જતાં પીએસઆઇ સહિતના શ્વાસ અધ્ધર થઈ ગયા
આ બનાવના પગલે પીએસઆઇ સહિતના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. અને પોલીસે એકી શ્વાસે બાઈક ચોરની પાછળ દોટ લગાવી હતી. જેને આગળ જઈને રોડ ક્રોસ કરતી વેળાએ પકડી બધાએ રાહતનો દમ લીધો હતો. આ અંગે પોલીસે કમલેશ રાવલ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...