અરજી:જિલ્લામાં RTE મુજબ 1751 જગ્યા સામે 3742 ભૂલકાં લાઇનમાં

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓનલાઇન અરજીઓમાંથી 1045 અરજી રદ કરવામાં આવી

જિલ્લાની 238 શાળાઓમાં આરટીઇ મુજબ 1751 વિદ્યાર્થીઓની જગ્યાઓ ખાલી છે. તેની સામે જિલ્લામાંથી 3742 વાલીઓએ અરજીઓ કરી છે. ઓનલાઇન આવેલી અરજીઓની ચકાસણી કરતા નિયત કરેલા નિયમોનુસાર 1045 અરજીઓ અમાન્ય કરવામાં આવી છે.

ફરજિયાત શિક્ષણના કાયદાની અમલવારીના ભાગરૂપે નવા શૈક્ષણિક સત્ર વર્ષ-2022-23માં ખાનગી શાળાઓમાં આરટીઇ મુજબ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે રાજ્યના શિક્ષણ વિભાગે હાલમાં ઓનલાઇન અરજી કરવાની જાહેરાત આપવામાં આવી છે. તેમાં ગાંધીનગર જિલ્લા સહિત રાજ્યના તમામ જિલ્લાઓમાં ઓનલાઇન અરજી કરવામાં આવી હતી.

જેમાં ગાંધીનગર જિલ્લાની 238 ખાનગી પ્રાથમિક શાળાઓમાં આરટીઇ મુજબ કુલ-1751 જગ્યાઓ ખાલી છે. તેમાં જિલ્લાના ગરીબ અને વંચિત પરિવારના બાળકોને ફરજિયાત શિક્ષણના કાયદા મુજબ ખાનગી શાળામાં પ્રવેશ અપાશે. જોકે જિલ્લા શિક્ષણ તંત્રને નિયત કરેલા સમયમાં ઓનલાઇન 3742 અરજીઓ મળી હતી.

ઓનલાઇન આવેલી અરજીઓની ચકાસણી કામગીરી હાથ ધરવામાં આવતા તેમાંથી 371 અરજીઓને રિજેક્ટ કરવામાં આવી હતી. જ્યારે 674 અરજીઓને વાલીઓએ રદ કરી હોવાનું જિલ્લા પ્રાથમિક શિક્ષણ તંત્રના માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે. આથી આરટીઇ મુજબ મળેલી કુલ-3742 અરજીઓમાંથી 1045 અરજીઓ રદ થતા હવે માન્ય કુલ-2697 અરજીઓ રહી છે.

જ્યારે તેની સામે ધોરણ-1માં 1751 જગ્યાઓ ખાલી છે. આથી જિલ્લાના 946 પરિવારોનું પોતાના સંતાનને ખાનગી શાળામાં ભણાવવાનું સ્વપ્ન આગામી નવા શૈક્ષણિક સત્રમાં પૂર્ણ થશે નહી. જોકે આરટીઇની ઓનલાઇન અરજીમાં મળેલા ડોક્યુમેન્ટની યોગ્ય અને ન્યાયિક તપાસ કરવામાં આવે તો હજુ ઘણી અરજીઓ રદ થાય તેવી શક્યતા રહેલી છે.

અન્ય સમાચારો પણ છે...