ચૂંટણી:અલ્પેશ સાથે CM, હાર્દિક સાથે મોટા નેતાની ગેરહાજરી

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • બે નેતાઓના ઉમેદવારી ફોર્મ ભરવાના પ્રસંગે જોવા મળેલા તફાવતથી ચર્ચા
  • અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને પાટીલે ફોર્મ માટે ઘણે ઠેકાણે હાજરી આપી

ગઇ ચૂંટણીમાં આંદોલનના ચહેરા રહેલા બે નેતાઓ હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં આંટો મારી ભાજપમાં જોડાયા અને બે અલગ-અલગ બેઠકો પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. હાર્દિક વિરમગામ તો અલ્પેશ ગાંધીનગર દક્ષિણ બેઠકના ઉમેદવાર છે. પરંતુ આ બન્ને નેતાઓ જ્યારે ફોર્મ ભરવા ગયા ત્યારે એક તફાવત ઉડીને આંખે વળગે તેવો હતો. અલ્પેશ ઠાકોરને સહયોગ કરવા માટે સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા, જ્યારે હાર્દિક પટેલની સાથે મોટા ચહેરા જોવા ન મળ્યા હતા.

અલબત્ત, હાર્દિકની સાથે પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા અને કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરા હાજર હતા, પણ મોટા ચહેરાની એક અલગ અસર હોય છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના લોકસભા વિસ્તારની બેઠકોમાં આવતી વિધાનસભા સીટ પર ચૂંટણી લડી રહેલા ભૂપેન્દ્ર પટેલ અને સાણંદના કનુ પટેલને નામાંકન દાખલ કરતી વખતે સાથે રહી સહયોગ કર્યો હતો. આ સિવાય ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રમુખ સી આર પાટીલ પણ અન્ય ઉમેદવારો સાથે હાજર રહ્યા હતા.

અલ્પેશને સીટ બદલવા દીધી, સરળ બેઠક પર ઉમેદવારી
અલ્પેશ રાધનપુર બેઠકથી 2017માં કોંગ્રેસમાંથી ચૂંટાયા બાદ રાજીનામું આપી ભાજપમાં જોડાઇને 2019માં પેટાચૂંટણી લડ્યા પણ કોંગ્રેસના રઘુ દેસાઇ સામે હાર્યા. આ વખતે રાધનપુર જેવી કપરી બેઠકને બદલે ગાંધીનગર દક્ષિણ બેઠક આપી છે. જ્યાં અગાઉના ઉમેદવાર 11 હજારથી વધુ મતે જીત્યા હતા. પાર્ટીના સૂત્રો કહે છે કે સરળ બેઠક પર આપી જીત સુનિશ્ચિત કરી શકાય અને તેઓ અન્ય બેઠકો પર પાર્ટીના ઉમેદવારો માટે પ્રચાર કરી શકે.

હાર્દિક માટે આ રાહ નથી આસાન, ભાજપના લોકોનો જ સામો પડકાર
હાર્દિક વિરમગામથી ચૂંટણી લડે છે. તેમની સામે ભાજપના જ જૂથના નેતાઓ નારાજ છે. તેઓ હાર્દિકને સહયોગ નહીં કરે તેવું ચિત્ર ઉભું થયું છે. પ્રદેશ સંગઠન તેમને મદદ કરશે તે સંકેત આપવા જ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા તેમની સાથે હતા, પરંતુ જ્ઞાતિ સમીકરણોને કારણે પણ હાર્દિક માટે અહીં પડકાર રહેશે. એક લાખની ઠાકોર વસ્તી સામે અહીં આપમાંથી કુંવરજી ઠાકોરને ટિકિટ આપી છે જે ગઇ ચૂંટણીમાં 11 હજાર જેટલાં વોટ તોડી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...