મંદબુદ્ધિ મહિલાને આશ્રય ગૃહ મોકલાઈ:બાળકોને જોઈ પથ્થરમારો કરતી મહિલાએ મચાવ્યો તરખાટ, મહિલાને મંદબુદ્ધિ ગૃહ મોકલાઈ

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લાં ઘણાં દિવસોથી અસ્થિર મગજની મહિલાએ પથ્થરમારો કરી ફેલાવ્યો હતો ભય
  • મહિલાને બાયડ જય અંબે મંદબુદ્ધિ સમાજ સેવા ટ્રસ્ટના આશ્રય ગૃહમાં મોકલી આપવામાં આવી

ગાંધીનગરના ચીલોડા વિસ્તારમાં કેટલાક દિવસોથી નાના બાળકો તેમજ લોકોને જોઈ પથ્થરમારો કરી ભયનો માહોલ ઉભો કરનારી અસ્થિર મગજની મહિલા સાથે 181 અભયમ મહિલા હેલ્પ લાઈનની ટીમે બાથ ભીડી તેને બાયડ મંદબુદ્ધિ ગૃહ મોકલી આપી હતી.

ગાંધીનગરનાં ચીલોડાના અમૂક વિસ્તારોમાં કેટલાક દિવસોથી એક અજાણી મહિલા બાળકોને જોઈને પથ્થરમારો કરી ભાગી જતી હતી. જો કોઈ તેનો પ્રતિકાર કરે તો તેના પર પણ આ મહિલા પથ્થરો ફેંકીને ભાગી જવાની વ્યાપક બૂમરાણ ઉઠી હતી. જો કે મેલા ઘેલા કપડાંમાં ફરતી અજાણી મહિલા પાસે કોઈ જવાની પણ હિંમત કરતું ન હતું. જો કોઈ વ્યક્તિ પાસે તેની પાસે જાય તો પણ મહિલા બિભત્સ ગાળો ભાંડી પથ્થરો ફેંકવાનું શરૂ કરી દેતી હતી. આ સિલસિલો છેલ્લા કેટલાક દિવસથી આ વિસ્તારમાં ચાલી રહ્યો હતો, જેનાં કારણે વાલીઓ પણ પોતાના બાળકોને બહાર લઈને નીકળતાં ભય અનુભવતાં હતાં.

ચીલોડાનાં વિસ્તારોમાં પથ્થરમારો કરીને ભયનો માહોલ ઉભો કરનાર આ મહિલા અંગે 181 અભયમ મહિલા હેલ્પ લાઈનનાં કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી. જેનાં પગલે કાઉન્સેલર ભાવનાબેન પરમાર, કોન્સ્ટેબલ સોનલબેન પાયલોટ અને રણજીતભાઈ તુરંત સ્થળ પર દોડી ગયા હતા. તે સમયે મહિલા એકદમ આવેશમાં આવીને અભયમની ટીમ સાથે અસભ્ય વર્તન કરવા લાગી હતી. એક સમયે આ મહિલાએ પથ્થરો પણ હાથમાં ઉઠાવી લીધા હતા, ત્યારે સ્થિતિ પારખી ગયેલી ટીમે મહિલા સાથે બાથ ભીડી લીધી હતી. બાદમાં અથાગ પ્રયત્નો પછી તેનો ગુસ્સો શાંત કરવામાં સફળતા મળી હતી. જેનું નામ-ઠામ પૂછતાં પણ તેણે કાંઈ નહોતુ જણાવ્યું. આખરે અસ્થિર મગજની મહિલાને અભયમની ટીમ દ્વારા બાયડ જય અંબે મંદબુદ્ધિ સમાજ સેવા ટ્રસ્ટના આશ્રય ગૃહમાં મોકલી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...