કોરોનાની ત્રીજી લહેરને ખૂલ્લું આમંત્રણ:ગાંધીનગરના ઇન્દ્રોડામાં આમ આદમી પાર્ટીએ ડાયરો યોજ્યો, ભીડ એકઠી કરી ગાઇડલાઇનના ધજાગરા ઉડાવ્યા

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કોરોનાની મહામારીમાં સરકાર નિષ્ફળ ગઈ હોવાના દાવા કરતી આમ આદમી પાર્ટીનાં ડાયરામાં હજારોની ભીડ ભેગી થઇ

કોરોનાની ત્રીજી લહેરની ભીતિ વચ્ચે ગઈકાલે રાત્રે ગાંધીનગરના ઇન્દ્રોડા ગામમાં આમ આદમી પાર્ટીએ ભવ્ય ડાયરો યોજી કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડાવી કોરોનાની ત્રીજી લહેરને ખૂલ્લું આમંત્રણ આપ્યુ છે. કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે રાજ્યના પાટનગર ગાંધીનગરની પ્રજા હજી પણ ભયનાં ઓથાર હેઠળ છે. કોરોનાની બીજી લહેરમાં હોસ્પિટલમાં ખાટલા ખૂટી પડ્યા બાદ ઓક્સિજનના બાટલા અને છેલ્લે લાકડા પણ ખૂટી પડ્યા હતા. ઘરે ઘરે કોરોનાએ પગ પેસારો કરતા કોઈને કોઈ પરિવારે પોતાના સ્વજન ગુમાવવાનો વખત આવી ગયો હતો. જાણકારો હજુ ત્રીજી લહેરની સંભાવના દર્શાવી રહ્યા છે, ત્યારે શનિવારે સાંજે ગાંધીનગરના ઇન્દ્રોડા ગામમાં આમ આદમી પાર્ટીએ ભવ્ય ડાયરો યોજી કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડાવ્યા છે.

કોર્પોરેશનની ચૂંટણીને લઇ પ્રચાર કરાયો
એક તરફ મોતના આતંક વચ્ચે પણ રાજકીય પક્ષોએ કોર્પોરેશનની ચૂંટણી પ્રચાર ચાલુ રાખવામાં આવ્યો હતો. છેલ્લે રાજ્ય ચૂંટણી પંચે નાગરિકોના હિતમાં નિર્ણય લઈને ચૂંટણી જ મુલ્તવી રાખી દેવાયા પછી રાજકીય પક્ષો પ્રચાર પ્રસાર બંધ કરી દીધો હતો. ત્યારે આગામી ત્રીજી ઓક્ટોબરે કોર્પોરેશનની ચૂંટણી યોજાવા જઈ રહી છે એવામાં રાજકીય પક્ષો ફરી પાછા પ્રચાર પ્રસારમાં જોર શોરથી લાગી ગયા છે.

હજારોની સંખ્યામાં ભીડ એકઠી થઇ
બીજી તરફ કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે લડવા રાજય આરોગ્ય તંત્ર સજ્જ થઈને વારંવાર કોરોના ગાઈડલાઈનનું અચૂક પાલન કરવાની સૂચનાઓ આપી રહ્યું છે. સરકાર દ્વારા પણ રાત્રિ કરફ્યુ લાદી દેવામાં આવ્યો છે. ત્યારે ગાંધીનગરના રાજકારણમાં પગ પેસારો કરનાર આમ આદમી પાર્ટી દ્વારા ગઈકાલે કોરોનાની ત્રીજી લહેરનાં વાવડ વચ્ચે ગાંધીનગરના ઇન્દ્રોડા ગામમાં ડાયરો યોજી મોટી હજારોની સંખ્યામાં ભીડ એકઠી કરાઈ હતી.

'આપ' કાર્યકર્તાઓએ ત્રીજી લહેરને ખુલ્લું આમંત્રણ આપવામાં કોઈ કસર બાકી ન રાખી
અત્યાર સુધી કોરોનાની મહામારીમાં સરકાર નિષ્ફળ ગઈ હોવાનો દાવો કરતી આમ આદમી પાર્ટીએ ડાયરો યોજી જાતે જ કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડાવી દેવાયા હતા. જેમાં સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક વિના જ એકઠી થયેલી ભીડ આમ આદમી પાર્ટીના વિજય સુંવાળાનાં ગીતો પર ઝુમી રહ્યા હતા. કહેવાય છે કે, મોટાભાગે રાજકોટ-સુરતથી ગાંધીનગરમાં પ્રચાર માટે આવેલા આમ આદમી પાર્ટીના જ કાર્યકરોએ કોરોના ગાઈડ લાઈનનાં ધજાગરા ઉડાવી ત્રીજી લહેરને ખુલ્લું આમંત્રણ આપવામાં કોઈ કસર બાકી રાખી નથી.

અન્ય સમાચારો પણ છે...