મહેનતનો જશ ન મળ્યો:આમ આદમી પાર્ટી ગુજરાતના કાર્યકરોનું દિલ્હીમાં સંમેલન યોજાયું, ગાંધીનગરના એકમાત્ર વિજેતા ઉમેદવારનું નામ પાર્ટી અધ્યક્ષે ન લેતા કાર્યકરોમાં રોષ

ગાંધીનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષોથી ગાંધીનગરમાં ગ્રાસરૂટ લેવલે કામ કરતાં કાર્યકરોની જગ્યાએ પ્રદેશ સંગઠન જશ લઇ ગયુ
  • પાર્ટીમાં કોઈ વિભીષણની ભૂમિકા ભજવી રહ્યું છે: વિજેતા ઉમેદવાર તુષાર પરીખ

આજે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે ગુજરાતના વિવિધ જિલ્લાના 1500 કાર્યકરો અને સંગઠનના નેતાઓ સાથે સ્નેહ મિલન સમારોહ યોજ્યો હતો. આ પ્રસંગે પાર્ટી અધ્યક્ષે સુરતમાં 27 સીટો અને ગાંધીનગર કોર્પોરેશનમાં માત્ર 15 દિવસ દિવસની મહેનત થકી 22 ટકા મતો મેળવી જીત હાંસલ કરી હોવાનું નિવેદન કરી એકમાત્ર વિજેતા ઉમેદવાર જેનાં થકી પાર્ટીને કોર્પોરેશનમાં પ્રવેશ મળ્યો છે એવા કોર્પોરેટર તુષાર પરીખનું નામ સુદ્ધાં નહીં લઈ અવગણના કરીને જીતનો શ્રેય પ્રદેશ સંગઠનને આપવામાં આવતાં ગાંધીનગરના કાર્યકરોમાં વ્યાપક રોષ ફેલાયો છે. તુષાર પરીખે જણાવ્યું હતુ કે, પાર્ટીમાં કોઈ વિભીષણની ભૂમિકા ભજવી રહ્યું છે.

સુરત નગરપાલિકામાં જીત હાંસલ કરી ગુજરાતના રાજકારણમાં પ્રવેશેલ આમ આદમી પાર્ટી ગેલમાં આવી ગઈ હતી અને એકમાત્ર સુરતમાં જીત મેળવી ભાજપ અને કોંગ્રેસ સામે બાથ ભીડવા નીકળી પડી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જંગમાં પણ ઝંપલાવી 44 સીટો પર જીતના દાવા કરવામાં આવ્યા હતા. પરંતુ ચૂંટણી પરિણામો જાહેર થતાં જ આમ આદમી પાર્ટીની જીતના દાવાનો ફુગ્ગો ફૂટી જવા પામ્યો હતો.

ગુજરાત પ્રદેશ સંગઠન દ્વારા માત્ર પંદર દિવસ જ ચૂંટણી પ્રચાર માટે સમય મળ્યો હતો જો વધુ સમય મળ્યો હોત તો પાર્ટી સારું પ્રદર્શન કરતી એવા નિવેદનો આપી સ્વબચાવ કરવામાં આવ્યો હતો. જોકે, હકીકતમાં ગાંધીનગર આમ આદમી પાર્ટીના પાયાના કાર્યકરોએ તનતોડ મહેનત કરી પાર્ટીનો પ્રચાર પ્રસાર કરવામાં કોઈ કસર બાકી રાખવામાં આવી ન હતી.

એવામાં આમ આદમી પાર્ટીમાં પણ આયાતી અગ્રણીઓને પાર્ટીમાં સામેલ કરી હોદ્દાઓની લ્હાણી કરવામાં આવતાં ગાંધીનગરનાં કાર્યકરો પ્રદેશ નેતાઓથી નારાજ હતા. જોકે, કોર્પોરેશનમાં કારમી હાર થયા પછી પણ શહેર નેતાગીરી કે પ્રદેશ કક્ષાએથી હારના મૂળ કારણોથી પાર્ટી અધ્યક્ષ અરવિંદ કેજરીવાલને અવગત કરાવવાની જગ્યાએ માત્ર 15 દિવસ જ ચૂંટણી પ્રચાર માટે સમય મળ્યો હોવાની વાતો વહેતી કરી હાથ અદ્ધર કરી લેવામાં આવ્યા હતા.

બીજી તરફ આજે આમ આદમી પાર્ટી દ્વારા દિલ્હી ખાતે પાર્ટી અધ્યક્ષ અરવિંદ કેજરીવાલની સાથે ગુજરાતના કાર્યકરોનો સ્નેહ મિલન યોજવામાં આવ્યો હતો. જેમાં ગાંધીનગર, સુરત, અમદાવાદ, છોટા ઉદેપુર સહિતના જિલ્લામાંથી 1500 જેટલાં કાર્યકરો અને સ્થાનિક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે પાર્ટી અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે કાર્યકરોને સંબોધન કરતા નિવેદન આપ્યું હતું કે, સુરતમાં 27 સીટો મેળવ્યા પછી ગાંધીનગર કોર્પોરેશનમાં પણ 22 ટકા મતો સાથે પાર્ટીએ જીત હાંસલ કરી છે. જો પાર્ટીને વધુ પ્રચાર પ્રસાર માટેનો સમય મળ્યો હોત તો દિલ્હીના વિકાસની વાતો જનતા સુધી પહોંચી શકી હોત.

પાર્ટી અધ્યક્ષ દ્વારા ગાંધીનગર કોર્પોરેશનમાં એકમાત્ર વિજેતા ઉમેદવાર તુષાર પરીખ કે જેના થકી મનપામાં પાર્ટીને પ્રતિનિધિત્વ મળ્યું છે તેમનું નામ સુદ્ધાં નહીં લઈને અવગણના કરીને જીતનો શ્રેય આડકતરી રીતે પ્રદેશ સંગઠનને આપવામાં આવતા ગાંધીનગરના કાર્યકરોમાં વ્યાપક રોષ ફેલાયો છે. હાલમાં કાર્યકરો ગાંધીનગર આવવા માટે રવાના થઈ ચૂક્યા છે, પરંતુ પાર્ટી અધ્યક્ષ અરવિંદ કેજરીવાલનાં એક નિવેદનથી ગાંધીનગરના કાર્યકરોનું મોરલ ચોકકસથી ડાઉન થઈ ગયું છે.

આ અંગે ગાંધીનગર આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તુષાર પરીખે જણાવ્યું હતું કે, સ્નેહ મિલન સમાંરભમાં હું દિલ્હી ગયો નથી. ચૂંટણી મતદાન સમયે માત્ર ગાંધીનગરના કાર્યકરો જ ઉપસ્થિત રહ્યા હતા. પાર્ટીમાં કોઈ વિભીષણની ભૂમિકા ભજવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...