તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરેશાનીનો પર્દાફાશ:દહેગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રની લાલીયાવાડીનો આમ આદમી પાર્ટીએ પર્દાફાશ કર્યો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોબીમાં સગર્ભા મહિલાઓ અને નવજાત બાળકો ની માતાઓની દયાજનક હાલત

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર માં ચાલતી લાલીયાવાડીનાં કારણે દર્દીઓ મોતના મુખમાં ધકેલાઈ જાય તેવી સુવિધાનો આમ આદમી પાર્ટી દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે.

નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ દ્વારા દહેગામના સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત સમયે સબ સલામત હોવાનું ચિત્ર ઊભું કરવામાં આવ્યું હતું પરંતુ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ચાલતી લાલીયાવાડી સામે આમ આદમી પાર્ટીએ આકસ્મિક રેડ કરીને આરોગ્ય સેવાઓની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં અનેક ત્રુટિઓ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મળી આવી હતી.

આ અંગે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ રોનક શાહે જણાવ્યું હતું કે, સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લઈ રહેલા એક દર્દીએ હાલાકી અંગેની ફરિયાદ કરી હતી. જેને લઇને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ જાત તપાસ કરતા આરોગ્ય ભવનમાં અનેક છીંડા બહાર આવ્યા હતા.

સામૂહિક આરોગ્ય કેન્દ્રની છત પરથી પોપડા ખરી રહ્યા છે. જે ક્યારેક અહીં સારવાર માટે આવેલા દર્દીના માથે પડે તો ગંભીર અકસ્માત સર્જાવાની ભીતિ રહેલી છે. તદુપરાંત આરોગ્ય કેન્દ્રના સંકુલમાં ગોઠણ સરીખું ઘાસ ઉગી નીકળતા ઝેરી જીવજંતુઓનો ઉપદ્રવ વધ્યો છે. એટલું જ નહીં મચ્છરોની ઉત્પત્તિ પણ અહીં અસંખ્ય રીતે જોવા મળી છે. મચ્છરોને લઈ અહીં સારવાર માટે આવતા દર્દીઓને અન્ય રોગોનો શિકાર બની જાય તેવી હાલત જોવા મળી હતી.

કેન્દ્રની લોબીમાં અહીં સારવાર અર્થે આવેલી સગર્ભા મહિલાઓ અને નવજાત બાળકો સાથે તેઓની માતાઓની હાલત દયા ઉપજાવે તેવી જોવા મળી હતી. નવજાત બાળકો સાથે માતાઓને અને સગર્ભા મહિલાઓને યોગ્ય જગ્યાએ ખાટલા આપવામાં નહીં આવતા તેઓ મજબૂરીવશ લોબીમાં આશ્રિત થયેલા જોવા મળ્યા હતા. આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ સાથે અન્ય કાર્યકર્તા વિશ્વજીતસિંહ સિસોદિયા, ઉર્વીશ રાવ, હિરેન બારોટ, છગનભાઈ સાગડીયા સહિતના લોકોએ સામુહિક આરોગ્ય કેન્દ્રના સત્તાધીશોની બેદરકારી સામે રોષ ઠાલવીને મામલતદાર અને પાલિકા કચેરીના સત્તાધીશોને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...