તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીના સંગઠનમાં ભડકો, સોશિયલ મીડિયાના ગૃપથી વિવાદ ઉભો થયો

ગાંધીનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આપ પાર્ટીના ગાંધીનગર સિટીના સોશિયલ મીડિયાના ગ્રુપમાં અસંતોષ વધતા ગૃપ બંધ કરવું પડયું

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી થકી ગુજરાતના રાજકારણમાં પ્રવેશનાર આમ આદમી પાર્ટીના ગાંધીનગર સંગઠનમાં છેલ્લા ચારેક દિવસથી ભડકો થયો છે. જેનાં પગલે ગાંધીનગર આમ આદમી પાર્ટીનાં ઓફિશ્યલ ગ્રુપમાં વિવાદનો વંટોળ સર્જાતા પ્રદેશ સંગઠન મંત્રીએ પણ ગ્રુપમાંથી નીકળી જવાની સૂચનાઓ આપવામાં આવતા ગ્રુપ બંધ કરી નાખવાની નોબત આવી છે.

ગાંધીનગર આમ આદમી પાર્ટીએ કોર્પોરેશનની ચૂંટણીમાં ઝંપલાવી શહેરની સમસ્યાઓ સંદર્ભે સક્રિય કામગીરી શરૂ કરવામાં આવતા જ ભાજપ કોંગ્રેસનાં સ્થાનિક નેતાઓ ફફડી ઉઠ્યા છે. આમ આદમીની કાર્ય પ્રણાલીની નોંધ નગરજનો પણ લેતા થઈ ગયા છે. ત્યારે છેલ્લા ચારેક દિવસથી આમ આદમી પાર્ટી સંગઠનમાં કોંગ્રેસી અસંતુષ્ટ નેતાઓ તેમજ કાર્યકરોને વધુ પ્રાધાન્ય આપવામાં આવતા વિવાદનો વંટોળ સર્જાયો છે.

ગાંધીનગર આમ આદમી પાર્ટી દ્વારા છેલ્લા છ મહિના દરમિયાન સંગઠનની ઉપર વટ જઈને ગુણવંતભાઈ પટેલ, મનોજભાઈ, ભદ્રેશભાઈ પટેલ અને સુરેશભાઈ પટેલને ગાંધીનગર જિલ્લા પ્રમુખ પદની વહેંચણી કરી ચૂકી હતી. બાદમાં કોંગ્રેસનો હાથ છોડી ઝાડુ પકડનાર મૂકેશ પટેલની જિલ્લા પ્રમુખ પદે તાજપોશી કરવામાં આવતા પાર્ટીના વોટ્સઅપ ગ્રુપમાં અગાઉ વિવાદ સર્જાયો હતો. તે વખતે આમ આદમીના સિનિયર નેતાઓએ ડેમેજ કંટ્રોલ ની કવાયત શરૂ કરી હતી.

ગાંધીનગર શહેરનાં કાર્યકર્તાઓ માટે બનાવવામાં આવેલા ઓફિશ્યલ ગ્રુપમાં ચારેક દિવસથી ફરી પાછો વિવાદ ઉભો થયો છે. ગાંધીનગર શહેર પ્રમુખ જીતેન્દ્ર ધરવાડિયાએ આ ગ્રુપ હવે ઓફિશ્યલ રહ્યું નથી અને ગ્રુપમાં કેટલીક વિરૂધ્ધ પાર્ટીઓએ સંચાલન પોતાને હસ્તક લઈ લીધું હોવાનો આક્ષેપ કર્યો હતો. આક્ષેપના પગલે ગ્રુપના સંચાલક ગોવિંદ પટેલ જેઓ આમ આદમી પાર્ટીના જૂના નેતા છે અને ધારાસભ્યની ચૂંટણી પણ લડી ચૂક્યા છે તેમણે પાર્ટીનું ગૃપ ગાંધીનગરના કાર્યકર્તાઓની જાહેરાત માટે કેમ ના હોય તેવો સવાલ ઉઠાવ્યો હતો.

બીજી તરફ આમ આદમી પાર્ટીના પ્રભારી શિવ કુમાર ઉપાધ્યાયે જીતેન્દ્ર ધરવાડિયાને આ બધી બાબતો માટે જે વ્યક્તિ જવાબદાર હોય તેને શોકોઝ નોટિસ પાઠવવા જણાવ્યું હતું. આ દરમિયાન અનેક કાર્યકર્તાઓએ ગ્રુપમાંથી લેફ્ટ થવાની શરૂઆત કરી દીધી છે. ત્યારે આ ગ્રુપમાં જ પ્રદેશ સંગઠન મંત્રી હસમુખ પટેલે પણ ગ્રુપમાંથી બધાને નિકળી જવાનું જણાવતાં ગુણવંત પટેલ વધુ અકળાયા હતા અને કેટલાય ગ્રુપ બનાવશો તેવો સવાલ કર્યો હતો.

આ પછી કોંગ્રેસમાંથી આ પાર્ટીમાં આવેલા જિલ્લા પ્રમુખ મુકેશ પટેલે પણ તમામ સભ્યોને ગ્રૂપમાંથી નિકળી જવા હાકલ કરી હતી. જ્યારે શહેર ઉપપ્રમુખ દિપલભાઈએ પણ પાર્ટીનું નવું ગ્રુપ બનાવી દીધું હોવાથી આ ગ્રુપમાંથી નીકળી જવા સુચના આપી હતી જેમાં મોહસીનભાઈએ સૂર પુરાવ્યો હતો. આ સ્થિતિ જોતાં આમ આદમી પાર્ટીમાં જૂથવાદ ચરમ સીમાએ પહોંચ્યો હોવાનું સ્પષ્ટ ચિત્ર ઉપસી આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...